નેતાજી ખૂબ પ્રખ્યાત હતા. માલ મલીદો પણ ખૂબ કમાયા હતા.
રાતના સભામાં ભાષણ આપીને થાકેલાં ઘરે પધાર્યા. મૉડું થયું
એટલે શ્રીમતીનો પારો છટક્યો હતો. ગુસ્સામાં ધુંઆપુંઆ થતા
સૂવા ગયા. નેતાજીનું શરીર ભારે ન હોયતો નવાઈ લાગે. અતિ
ગુસ્સાને કારણે હ્રદયરોગે ઉથલો માર્યો અને થઈ ગયા ‘રામ બોલો
ભાઈ રામ.’
ઘરમાં ચહલ પહલ મચી ગઈ. નેતાજીના ધર્મ પત્ની ખૂબ રોયા.
પણ હવે શું વળે.યમના દૂત તેમને લઈને સ્વર્ગે જવા નિકળ્યા.
સ્વર્ગમાં તો સ્વાભાવિક છે લાંબી કતાર હોય. નેતાજી કતારમા,
માનવામાં ન આવે એવી વાત. યમદૂત કહે નેતાજી નરકમાં જરા
ગિર્દી નથી. નેતાજી કહે, સ્વર્ગેતો જવાનું છે ચાલોને નરકમાં ચક્કર
લગાવી આવીએ.
નરકનો દરવાજો તરત ખૂલી ગયો. અરે,વાહ આવા ઉદગાર નિકળી
ગયા. સરસ મઝાના ગીતો વાગતા હતા. સુંદરીઓ ના નૃત્ય નિહાળી
નેતાજી ખુશ થઈ ગયા. તેમના થી પહેલા હરીઓમ થઈ ગયેલાં તેમના
મિત્રો જુગાર રમતા હતા. શરાબ દેશી કહો કે વિદેશી બધુંજ હાજર હતું.
ધરતી પર હતી તે બધીજ રંગરેલીયાં અહીં મૌજૂદ હતી.
યમના દૂતો કહે નેતાજી નરક કેવું લાગ્યું? નેતાજી તો શું જવાબ દે.
આનંદ વિભોર નેતાજી કહે ભાઈ નરકજો આટ્લું સરસ હોય તો સ્વર્ગમાં
શું નું શું હશે. યમદૂતજી મને તો નરક ચાલશે. મારી મન પસંદની બધી
જરૂરિયાત અંહી હાજર છે. મને સ્વર્ગ નો મોહ નથી. યમદૂતે ચેતવણી આપી
જો જો પછી વિચાર બદલાશે તો તેનો કોઈ ઉપાય નથી. તમને એક મોકો
આપું છું. વિચાર કરીને જવાબ આપજો. નેતાજી તો નરકની જાહોજલાલી
જોઈને આભા થઈ ગયા હતા. ના, ના અંહી ઠીક છે.
યમના દૂતો તો ચિઠ્ઠીના ચાકર. નેતાજીને કહે ચાલો તમને નરકના અધિકારી
પાસે નોંધણી કરાવવા લઈ જઈએ. તેમની પાસે લઈ ગયા અને બહાર નિકળી
દરવાજો બંધ કરી દીધો. તરતજ નરકનૉ રૂઆબ ફેરવાઈ ગયો. નેતાજીના મિત્રો
શરાબ અને સુંદરીની મોઝ માણતા હતા તેમના હાથમાં ઝાડૂ, તેમના ફાટેલા કપડા,
ખાવાના સાંસા, ચારે બાજુ, ગંદકી. નેતાજી કહે અરે આ શું થઈ ગયું. આખુ
વાતાવરણ કેમ પલટો ખાઈ ગયું.
યમદૂત તો જતા રહ્યા હતા. નેતાજીએ ખૂબ ખૂબ વિનંતી કરીને પાછા બોલાવ્યા.
યમદૂત કહે તમારી મરજી મુજબ તમને નરકમાં રાખ્યા. નેતાજી કહે કાલે તો આવું
ન હતું,એકાએક આ શું થઈ ગયું. યમદૂત ખડખડાટ હસીને કહે, અરે ભૂલી ગયા
ચૂંટણી વખતે તમે પ્રજાને મત મેળવવા માટે કેવા મોટા વચનો આપ્યા હતા.
કેવા સ્વપના બતાવ્યા હતા. ખુરશી પર આવ્યા પછી શું કર્યુ હતું?
ગઈકાલે નરકનો પ્રચાર દિવસ હતો. આજે ખરું નરકનું જીવન છે. કહીને
વિદાય થઈ ગયા. બિચારા નેતાજી———-