‘શૈશવ’ નાં સંભારણા

‘શૈશવ’ નાં સંભારણા — પ્રવિણા કડકીયા
જીંદગીમાં પહેલીવાર ગઈ ભાવનગર..
નામ સાંભળીને ગભરાતાં નહીં. નથી એમાં મારે રહેવાનુંકે નથી તમારે. આ ઉનાળાની રજામાં આપણે દેશ ભારત જઈ આવી. ત્યાં ઝુંપડપટ્ટીમાં વસતા બાળકોને, તેમના પરિવારને મળી આવી. પ્રભુની દયાથી આખી જીંદગી સાધનની અછત વરતાઈ નથી. સંતોષ ધન પામી જીવન સુવિધામાં વિતાવ્યું છે. ચાલો ત્યારે તમારી સમક્ષ રજૂ કરું છું મારા ભારતના પ્રવાસ દરમ્યાન ના અનુભવ.
જૂનની ૨૦ તારીખે હું આણંદથી બસમાં બેસી ભાવનગર પહોંચી. ઈશ્વરની કૃપાથી રહેવાની સગવડ થઈ ગઈ હતી. વડીલ મહેશભાઈ વસાવડાનૉ આભાર.

‘શૈશવ’ કરીને સંસ્થા જે પારૂલબેન અને ફાલ્ગુનભાઈ ચલાવે છે તેમના સાથ અને સહયોગ વગર આ અનુભવ મને ન સાંપડ્યો હોત. ઘરમાં રહેવાની જરૂરિયાત મોજૂદ હતી. આપણા ભારતની એક વસ્તુ ઉડીને આંખે વળગે તેવી છે. અતિથિની સાથે પ્રેમ પૂર્વકનો વ્યવહાર. જમવાના ટિફીનની વ્યવસ્થા થઈ ગઈ. કામવાળી પાડોશીની મળી ગઈ. દૂધવાળો, છાપાવાળો, શાકવાળી અને ફળવાળો બધુંજ ઘર આંગણે. અમેરિકામાં લાંબા સહવાસ પછી આ તો જાણે સપનુ હકીકતમાં પરિણમ્યું હોય તેવું ભાસે.
ખેર આતો જીવન જરૂરિયાતની વાતો થઈ. ઇરાદો તો અલગ હતો. પહલે દિવસે ઓફિસમાં ગઈ દરેક કાર્યકર્તાઓ જોડે ઓળખ વિધિ પતાવ્યા. તેજ સાંજે બાળકોને બસમાં બેસાડી બગીચામાં ફરવા લઈ જવાના હતા. બસ દેખાવમાં સાદી લાગે કિંતુ અનેક સાધનો થી ભરેલી હતી. ઝુંપડપટ્ટીના છોકરાઓ ખૂબજ ઉત્સાહમાં હતા. તેમને આગળથી ખબર હતી આજે બગીચામાં જવાનું છે. ખાવાના નાસ્તાનું પડીકું સાથે લઈને આવ્યા હતા. પક્ષીઘર જોયું. હિંચકે ઝુલ્યા. લસરણીમાં સરક્યા. ભૂખ્યા થયા એટલે ઉજાણી માણવા બેઠાં. મને તો એ બધાને જોવાની મઝા પડી ગઈ. સાદા અને સરળ બાળકો. મોઢાં પર નિર્દોષતા તરવરતી હોય. મને તો જાણે બીજા ગ્રહમાંથી આવી હોઉં એમ નિહાળતા હતા. મારે એમના દિલ જીતવા હતા. ગરમીના દિવસો હતા. રમીને થાકેલાં બાળકો બસની રાહ જોતા ઉભા હતા. મારા મગજમાં વિજળી વેગે વિચાર સ્ફૂર્યો. સામે જ આઈસક્રીમ વાળાની દુકાન હતી. ૨૫ જણા માટે આઈસક્રીમ લીધો . બસ પછીના આનંદના વર્ણન કરવાની મારામાં શક્તિ નથી.
બાળકો સાથેની મુલાકાત હવે પછી જણાવીશ. હાલ વિરમું છું.

દિપક ચોક

ભાવનગરમાં ઝુંપડપટ્ટીનાં બાળકોને તેમના કુટુંબીજનોને મળવાનૉ અવસર પ્રાપ્ત થયો. આજે શાળાનું નવું સત્ર ચાલું થવાનું હતું. નવા બાળકોને શાળામાં પ્રવેશ મેળવવાનો હતો. વાલીઓ કરતાં બાળકો ખૂબ ખુશ જણાયા. આ કાર્ય ધરીએ તેટલું સહેલું ન હતું. બાળકના વાલીઓ નોકરી પરથી રજા પાડીને આવ્યા હતા. તેનો અર્થ તમને સમજાવું. નોકરી પર ન જાવ એટલે સાંજે હાથમાં પગાર ન આવે. વિચાર કરી લેજો રાતના ભોજન શું પામ્યા હશે?
ખેર, વાસ્તવિકતા જોઈને આવી છું તેથી લખ્યા વગર રહી શક્તી નથી. છતાંય બાળકોના શાળા પ્રવેશના અનોખા આનંદનો અનુભવ કર્યો, આંખોએ સુહાના દ્રશ્યો માણ્યા. ગયા વર્ષના ઉત્તમ વિદ્યાર્થિઓને પારિતોષક મળ્યા. કોઈ દાતાએ ચોપડીઓ, પેન્સીલ, રબર, પાટી, લખવાની નોટબુક બાળકોને મફતમાં આપી ગૌરવ અનુભવ્યું. એક વાત લખ્યા વગર નથી રહી શક્તી. ભૂખ્યા તરસ્યા બાળકો તાપ માં શેકાઈ રહ્યાં હતા. છતાં ઘણા શિસ્તપૂર્વક બેઠાં હતા. માંડવો બાંધ્યો હતો. જરૂરિયાત કરતાં અડધા કદનો. ત્યાં બેઠાં બેઠાં મને મારું બાળપણ અને શાળા પ્રવેશ યાદ આવ્યા. જેની ઝાંખી ઝાંખી યાદી મારા મનમાં ધરબાયેલી પડી હતી. ઝાંખી એટલે કહું છું, કારણ આજે મારા પૌત્રો બાળમંદિરમાં છે.

જે બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યાં હતા તેમના વાલીઓની હાડમારીનો પાર ન હતો. તેમને સરખા જવાબ મળતા ન હતા. ‘શૈશવ’ના કાર્યકરો બધીજ રીતે તેમને મદદ કરતા હતા. ‘શૈશવ’ ખરેખર અંતર શાતા પામે તેવા કાર્ય કરે છે. તેમના દરેક કાર્યકરમાં કામ પ્રત્યેની ઉત્કટ ભાવના, બાળકો તરફ પ્રેમ અને સહાયભૂત થવાની તમન્ના જણાતી હતી.

બાળકો શિક્ષણ મેળવે તે ઝુંબેશ ખૂબ આવકાર્ય છે. જે નજરે નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સરસ્વતિ દેવીની ઉપાસના, દીપનું પ્રાક્ટ્ય, સ્વાગત વિધિ વિ. નિહાળી હ્રદય પુલકિત થઈ ઉઠ્યું. બાળકોએ સમુહમાં પ્રતિજ્ઞા લીધી. ભણવાનો સંકલ્પ કર્યો. લગભગ ત્રણ કલાક બાળકોને સંયમમા રાખ્યા હતા.

જય ભારત- જય ગરવી ગુજરાત કહી સમારંભ પૂરો થયો.

કૃષ્ણા સાથે મુલાકાત

આજે પ્રથમ વાર ઝુંપડપટ્ટીમાં જવાનો અનુભવ લેવાનો હતો. ખૂબ જ સાદા કપડામા હતી. ત્યાં મારે પ્રેમથી બધાને મળવું હતું. તેમને જરા પણ એમ ન લાગવું જોઈએ કે હું તેમના માની નથી. સાંજના ચાર વાગે કોમલબેન સાથે જવાનું નક્કી થયું. ‘શૈશવ’માંથી અંકીતભાઈ આવીને મને લઈ ગયા. ભાવનગરમાં જીંદગીમાં પહલીવાર આવી હતી. કોમલબેન તૈયાર હતા. ભાવનગરના વસવાટ દરમ્યાન બધો વખત સ્કૂટર પર ફરી. ( આ વાત ખાનગી રાખજો. )અમેરિકામા આપણે બધા કેવી રીતે ફરવાને ટેવાયેલાં છીએ એ જગજાહેર
છે. ખેર, હવે આ વાતનો ઉલ્લેખ બીજીવાર નહી થાય તેની ખાત્રી આપુ છું.કોમલબેન સાથે કૃષ્ણાને ત્યાં કુભારવાડામાં આવી પહોંચી. વરસાદની ઋતુ જ્યાં ત્યાં પાણીના ખાબોચિયા.ઘરમા ગયા ઍટલે ખાટલો ઢાળી આપ્યો.
ખાટલા પર બેઠી અને કોમલબેને ઓળખાણ કરાવી. કૃષ્ણા શાળાએથી આવી ન હતી. તેર વર્ષની કૃષ્ણાને જોવા હું આતુર હતી. મારા માટે સોડા મંગાવ્યા, મેં ખૂબના પાડી પણ કોઈએ સાંભળ્યું નહી. મારે પ્રેમથી કહેવું પડ્યું, આખો ગ્લાસ નહીં પિવાય. અડધો કર્યો, મને ભાવ્યો નહીં તેથી ન પી શકી. તેનો એક ફાયદો એ થયો કે ફરી કોઈને પણ ઘરે સોડા ન મંગાવ્યા. કોમલબેન મારી વહારે ધાતા, કહે સોડાનહી પીએ ચા ચાલશે. સામાન્ય વાતચીત ચાલતી હતી ત્યાં કૃષ્ણા આવી પહોંચી. કોમલબેનને પ્રેમથી વળગી તેથી હું સમજી ગઈ ‘આ જ કૃષ્ણા છે.’ ખૂબ સામન્ય છતા અસામન્ય દેખાતી કૃષ્ણા આંખોને ઉડીને વળગે તેવી હતી. તેનું આકર્ષક સ્મિત અને આંખોના હાવભાવ, તેમાંથી ડોકિયા કરતો પ્રેમ મારા હૈયાને સ્પર્શી ગયા.
વાતનો દોર સંભાળતા મેં તેની સાથે સામાન્ય વાત ચાલુ કરી. શાળામાં દિવસ કેવો હતો. શું થાકી ગઈ છે કે વાત કરવા ઉત્સુક છે. તે તરવરાટથી છલકાતી હતી. હું તો ચીંથરે વિંટ્યુ રતન નિરખી રહી હતી. વાતમાં ને વાતમાં જાણવા મળ્યું કે ગયે વર્ષે શૈશવની પાંચ બાળાઓ અમેરિકા આવી હતી. તેમાં કૃષ્ણા પણ હ્તી. ભણવામાં હોંશિયાર, પોતાના અધિકારથી પરિચિત કૃષણા મારા મન ઉપર સુંદર છાપ અંકિત કરી ગઈ. તેને ખૂબ ભણવું છે. મોટા થઈને પાયલટ બનવું છે . મને આશ્ચર્ય થયું! મેં પૂછ્યું પાયલટ શામાટે. તો કહે
હું મારા બધા મિત્રોને વિમાનમાં બેસાડવા ઈચ્છું છું. કેવી સુંદર ભાવના! તેને મન વિમાનની મુસાફરી સ્વપના સમાન હતી. તેની વાતમંથી આનંદ ટપકતો હતો શૈશવને લીધે તેણે જે પ્રગતિ સાધી છે તે ઉલ્લાસ સ્પષ્ટ જણાતો હતો. શૈશવ સંસ્થા અતિ સુંદર કાર્ય ભાવનગરમાં કરી રહી છે તેની સ્પષ્ટ છાપ મારા હ્રદયે અંકિત થઈ.
કૃષ્ણા સાથે વાત કરતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેનું ભાન ન રહ્યું. બેન તમે મારે આંગણે આવ્યા કહી તેણે પોતાના ભાવને વાચા આપી. મને તો ખ્યાલ જ ન રહ્યોકે હું કુંભારવાડા વિસ્તારમાં છું. પ્રેમ અને ઓખલાસ ભર્યા વાતાવરણમાં ડૂબી ગઈ હતી. કૃષણાના માતાપિતા તેની પ્રગતિથી પ્રભાવિત હતા. તેનામાં રહેલી આકાંક્ષા જાગૃત થઈ હતી. જીંદગીમાં જો તક મળે તો ઘણું બધું મેળવી શ્કાય તેની તેને બરાબર જાણ હતી. અંતરાત્મા જાગી ચૂક્યો હતો. શિક્ષણ અનિવાર્ય છે તે સમજાઈ ચૂક્યું હતું. કૃષ્ણા વિશે ઘણું બધું લખવું છે પણ મારા વાચક મિત્રો એકની એકની એક વાત વારંવાર લખવી તેનાં કરતાં જે લખી ચૂકી છું તેના પરથી તમને અંદાઝ આવી ગયો હશે. નિકળતી વખતે તેના હાથમાં ગ્લુકોઝ બિસ્કિટનું પેકેટ અને પીપર આપી તો ખુશખુશાલ હાસ્ય મારા મનને ભાવ્યું.
વાંચવાનું ચાલુ રાખજો, મિત્રો હજી પણ હું મારા ભાવનગરના અનુભવો પ્રેમથીવાગોળું છું.———–

અતિ સામાન્ય વિશાલ ચૌહાણ

કૃષ્ણાને મળી મનમાં થયું કાદવમાં કમળ ઉગતા જોયા છે. આજે ઝુંપડપટ્ટીમાં આવી સુંદરબાળાને મળી મન પ્રફ્ફુલિત થઈ ઉઠ્યું. કોમલબેન સાથે ઘરે જતા મારા મનનો કબ્જો કૃષણાએ લીધો હતો. તેના વિચારમાં મગ્ન ક્યારે ઉંઘ આવી ગઈ ખબર પણ ન પડી..
આજે વિશાલ ચૌહાણને મળવાનું હતું. નાનો ૧૧ વર્ષનો બાળક એમાં એવું તો શું અદભૂત હશે એ વિચારોમાં ખોવાયેલીને ક્યારે તેનું ઘર આવી ગયું ખબર પણ ન પડી. વિશાલના મા ઘરમાં હતા.ધોમ ધખતો તડકો હતો. અરે તમે બે મિનિટ મોડા પડ્યા,વિશાલ કામ પર જવા નિકળી ગયો. મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. શું મેં સાચું સાંભળ્યું કે વિશાલ નોકરીએ ગયો? હા——
કોમલબેનને ખબર હતી કે તે ક્યાં અને કેવી નોકરી કરે છે. ભર તડકામાં ત્યાં ચાલીને પહોંચ્યા. પ્લાસ્ટીકના દોરડા વણાવાનો ત્યા ઉદ્યોગ ચાલતો હતો. બૈરાઓ હાથમાં પ્લાસ્ટિકના તારના ફિરકી જેવા પીંડા લઈ ચલતા હતા. મારી આંખો વિશાલને શોધતી હતી. એટલામાં નાનો કાળો છોકરો કોમાલબેન પાસે આવીને કેમ છો કહેવા લાગ્યો. મને ખ્યાલ આવી ગયૉ કે આ વિશાલ છે. ભલેએ દેખાવમા સાધારણ હતો, પસીનાથી રેબઝેબ હતો પણ મોઢાઊપર હાસ્ય રેલાયેલું હતું. કોમલબેને મારી ઓળખ આપી. અમે બંને વાતોએ વળગ્યા. શૈશવ પ્રત્યે તેને ખૂબ લગણી જણાઈ. સર્કલ પોંઈટ પર તે હંમેશ જતો. કેંપમાં જવાનું તેને ગમતું. શાળાએથી આવ્યા પછી નોકરીએ આવવાનો તેને કંટાળો ન હતો. લગભગ ચાર ફૂટના વ્યાસ વાળું પૈડું તે હાથો પકડીને ફેરવતો હતો જેનાથી તૈયાર દોરી થતી.લગભગ ૬ કલાક કામ કરે ત્યારે તેને ૧૦ રૂ. મળતા. આ આંકડો સાંભળીને હું તો પાગલ થઈ ગઈ . આટલું બધું મહેનતનું કામ અને મળે માત્ર ૧૦રૂ.
મને કહે “બહેન તમે ચલાવો “.માંડ એક મિનિટ હું કરી શકી. આંખમાં આંસુ આવતા માડ માડ ખાળી શકી. બાળ મજૂરોનો કેવો ભોગ લઈ રહ્યા છે. તેમના જીવનના પાયામાં શેનું સિંચન થઇ રહ્યું છે? આ વાંચતા તમને, આ લખતા મને,અને આ ભોગવી રહેલાં બાળકોના માનસની કલ્પના કરવી કરૂણા જનક છે.
વિરમું છું———-

સોહામણી દેવાંગી

કમલબેન મારી રાહ જોઈને ઉભા હતા. વરસાદ માંડ થંભ્યો હતો. કૃષ્ણાના અનુભવ ઉપરથી મને હતું આજે જેને મળવા જવાનું છે તેનામાં પણ કંઈક અદભૂત હશે. માનશો મારી આંખો દેવાંગીને જોઈ ઠરી. ખૂબ જ સોહામણી, નાજુક અને મિતભાષી દેવાગીએ મારું મન અને દિલ બંને જીતી લીધાં. એક નાની બહેન અને ભાઈ. સુંદર કુટુંબ જણાયું. ‘શૈશવ’માં થી આવી છું જાણી ખૂબ ખુશ થઈ. એમાંય અમેરીકાનું નામ સાંભળીને તે નિખરી ઉઠી. તેને અંહી આવવાનો મોકો મળ્યો હતો પણ ઘરના વડિલોને નારાજ કરવા તૈયાર ન હ્તી.
દેવાંગી નામ પ્રમાણે ગુણ અને રૂપ હતા. શૈશવના અનુભવો ખુલ્લા દિલે વર્ણવતી હતી. શૈશવ દ્વારા તેને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તેને પોતાના અધિકારો વિશે ભાન હતું. શોષણ વિશે તેને ખબર હતી. છોકરીઓને ભણવાનો તથા પ્રગતિ કરવાનો અધિકાર છે. બાળ લગ્નની વિરૂધ્ધ પોતાનું મંતવ્ય વિના સંકોચે જણાવ્યું. વેન લીડોની તાલિમે તેને નિર્ભયતા પ્રદાન કરી હતી. તે ટીમની કેપ્ટન રહી ચૂકી હતી. મન મૂકીને શૈશવની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ ભજવતી દેવાંગીની વાતો સાંભળવાની મઝા માણી.
મનમાં ગડમથલ ચાલતી હતી ‘આ ઉંમરે હું મુંબઈમાં જન્મેલી તથા ઉછરેલી આટલી બહાદૂર ન હતી’. વાત પરથી વાત નિકળતાં શાળાની વાત નીકળી તો કહે બહેન મને બીજગણીત ફાવતું નથી. મારું બીજગણીત આજની તારીખમાં પણ સારુ હોવાથી મેં કહ્યું કાલથી મારેઘરે આવજો. દેવાંગી અને તેનો ભાઈ સવારે સાડા સાત વાગે આવતા અને નવ વાગે ઘરે જતા.દેવાંગી ની મહેચ્છા છે કે તે ડોક્ટર બને. તેના મોઢા પરની દ્રઢતા તેને જરૂર મદદ કરશે. તેના માતા પિતાની સહાય અને શૈશવનું પીઠબળ તેને જરૂરથી મંઝિલ પર પહોંચાડશે.

માયાની માયાજાળ

દેવાંગી અને મેહુલ તેનો નાનો ભઈ રોજ સવારે બીજગણિત શીખવા આવતા. સવારના પહોરમાં ચા અને ગ્લુકોઝ બિસ્કિટ ખાઈ કાયક્રમ શરૂ થતો. તેમના ગયા પછી પ્રાતઃકર્મ પતાવી ઈશ્વરનું સ્મરણ કરી તૈયાર થઈ જાંઉ ત્યાં સુધીમા અલ્પેશ યા અંકિત ભાઈ લેવા આવી ગયા હોય. પારૂલબેન અને ફાલ્ગુનભાઈ નું કામ ખૂબજ પ્રશંશાને પાત્ર છે. માયા, આજે આપણે તેને મળીશું. કોમલબેન બોલ્યા. તમે નોંધ લીધી હશે. જે જે બાળકોને મળી સર્વેના નામ પણ કેટલા સુંદર છે. માયા ને જોઈ, ભણવાની તીવ્ર ઉત્કંઠા હતી. શૈશવની વાતો ખૂબ આનંદ પૂર્વક જણાવી રહી હતી. બે મોટી બહેન પરણવાની ઉંમરે પહોંચી હતી. હજુ પણ આપણે ત્યાં દીકરીના લગ્ન એટલે ‘દહેજ’ તો હોય જ. ખબર નહીં દહેજ શબ્દ મને દઝાડે છે. મોટી બંને બહેનો હીરા ઘસવા જતી હતી. ભાવનગરમાં હીરા ઘસવાનો ગૃહઉદ્યોગ અને પ્લસ્ટીકના દોરડા બનાવવાનો ધંધો ચાલે છે જેમાં બાળ મજૂરો અને સ્ત્રીઓ કામ કરે છે. બંને ઉદ્યોગ મારી દ્રષ્ટિએ જીવ જાનના જોખમ વધારે તેવા છે.

ખેર, માયા ખુબ આકર્ષક ભણવાનું છોડ્યું , મનગમતી શૈશવની પ્રવૃત્તિઓ ને તિલાંજલી આપી ડોક્ટરને ત્યાં નોકરીએ વળગી. પોતાને વિશે ખૂબ જાગ્રત હતી. નીડરતા થી ભરેલી અને નોકરી કરી પૈસા રળતી તેનો તેને સંતોષ જણાતો હતો.શૈશવની બધીજ પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેતી હતી. ઘરની પરિસ્થિતિને ખાતર બધું છોડી દીધું. તેનો રજમાત્ર અફસોસ નહીં. એક વસ્તુ જણાઈ દરેક માબાપને દીકરાઓ ભણે તેવી ઈચ્છા. કિંતુ તેમને ભણવામાં રસ નહીં. દિકરીઓને લગ્ન કરી વળાવવાની ઉતાવળ. તેને માટે દહેજ ભેગું કરવાનું તેથી નોકરી કરે. આપણા દેશમાં જ્યાં લગી આ વિષચક્ર ચાલું રહેશે ત્યાં સુધી સુંદર, નીડર
હોંશિયાર બાળાઓ પોતાના ભાવી હોડમાં મૂકતી રહેશે. જીંદગીના આ અનુભવે ઘણું જોવા તથા જાણવા મળ્યું. ભારતથી આવ્યા પછી પણ આ બધા દ્ર્શ્યો નજર સમક્ષથી ખસતાં નથી. જીવનમાં એક ભૂચાલ આવ્યો છે.

માયા સાઈકલ ઉપર નોકરિએ જાય. ડોક્ટર સાહેબને બે દવાખાનાં છે. જો કે બહુ દૂર નથી તેનો માયા ને સંતોષ છે. અઠવાડિયા ના સાડા છ દિવસ કામ કરવાનું. ભલું થજો એ ડોક્ટરનું કે મયાને તે કામ ગમે છે. દર્દીઓના નામઠામ લખવાનાં, પૂછપરછ કરીને માહિતી તૈયાર કરવાની. આઠમી સુધી ભણેલી માયા કામ સુંદર રીતે કરતી. તેને મહિને ૧૦૦૦.૦૦ રૂ નો પગાર હતો. તેના પિતાજીના હાથમાં કડકડતી ૧૦ નોટો આવતી. ‘તે’ તેમની ખુશીનું કારણ હતું. પણ શેના ભોગે તે વિચારવાની શક્તિ તેમનામાં ન હતી. યા તો વિચાર કરવા તે માગતા પણ ન હતા.
દીકરીઓએ કમાવા જવાનું અને દીકરાઓ ને ભણવું ન હોય. શૈશવની બાળ સેનાની પ્રવૃત્તિઓ, કન્યામાં જાગ્રતતા લાવવા સફળ થઈ. પોતાના વિચારોને નિર્ભય પણે રજૂ કરતાં જરાય સંકોચ ન જણાતો. મને જીવવાનૉ અધિકાર છે. શોષણ સામે અવાજ ઉઠાવવામાં તેઓ પાછા ન પડતા. લીડરશીપ લેવા હંમેશા તત્પર જણાયા. બાળમેળા કરતા. પોતાનાથી નાના બાળકોનું સંચાલન ખૂબ જતન અને પ્યારથી કરતાં. બાળકોને વાર્તા કહેવી, રમાડવા એ બધી કળા તેમનામાં પાંગરેલી જોવામાં આવી. શૈશવની બધી જ પ્રવૃત્તિઓ સુંદર અને વ્યવસ્થિત રાખવાના કાર્યમાં તેમના જે સહકાર્યકરો છે તેઓ અભિનંદનના ખરા હક્કદાર છે. નિલમબેન સાથે ફરતાં અને બાળકો તેમને જે પ્યારથી બોલાવતા તે ખરેખર અવર્ણનીય છે.છેલ્લાં બાર વર્ષથી આવું સુંદર કાર્ય કરી રહેલી સંસ્થા સાથે મારો પરિચય થયો એ પણ એક લહાવો છે. માયા ખુશીથી પોતાનું કાર્ય કરેછે, દર મહિને પિતાના હાથમાં દસ નોટો મૂકે છે———–
દિપક ની તેજસ્વિતા

આવો આજે આપણે મળીશું દિપક ચૌહાણને. નિલમબેન મને કહ્યું. પાંચમા ધોરણથી શૈશવ સાથે સંકળાયેલ દિપક નું વ્યક્તિત્વ સામાન્ય હતું પણ જ્યારે મોઢૂં ખૂલ્યું ત્યારે જાણવા મળ્યુંકે દિલમાં કેટલા ઉમંગ અને ઉત્સાહ ભર્યા છે. ૧૨મું ધોરણ અતિ કઠીન ગણાય પણ સહજ વાત કરવાની રીત મનને સ્પર્શી ગઈ. શૈશવની બધી પ્રવૃત્તિમાં ભાગ લેવો એ તેને મન મોટો લહાવો છે.
નાના બાળકોને તાલિમ આપવી, કાગળકામમાં પારંગતતા, સર્કલ પોઈંટની જવાબદારી ઉપાડવી, વેકેશન કેંપનું સંચાલન કરવું અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ સર્જવું. કોઇ પણ કાર્ય એ તેને માટે ડાબા હાથનું કામ. સાદગીમાં પ્રભુતા એટલે દિપક. રામદેવ પીરમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. પોતાના દોરેલા ચીત્રો જ્યારે બતાવ્યા ત્યારે ખૂબ પ્રભાવિત થઈ. કોઈ પણ જાતના ચિત્રકામના વર્ગો તેણે ભર્યા ન હતા. અંતર સ્ફુરણાથી તે ચિત્રો બનાવે છે. બાળ અધિકારની તાલિમ લેવા છેક દિલ્હી ગયો હતો. યાદ હશે ‘ગોધરાકાંડ’ થયા પછી પોતાના વિસ્તારમાં ‘સર્કલ પોઈંટ’ શરૂ કરવાનો ફાળો દિપકને શિરે જાય છે. ૬૦ થી ૭૦ બાળકો ભેગા કરી નિયમિત પ્રવૃત્તિ ચલાવે છે.
બારમી ભણે છે છતાંય ‘શૈશવની” પ્રવૃત્તિમાં ક્યાંય ઓટ નથી આવવા દેતો. ખૂબ ભણવું છે. ઝુંપડ પટ્ટીના બાળકોમાં પ્રવૃત્ત રહેવું છે. નવી તાલિમ લેવી છે અને પછી બાળકોને આપવી છે. મોટા મોટા કર્યોના આયોજન સફળતા પૂર્વક કરી યશના હકદાર બને છે. ‘સભાઓમાં ભાષણ સાંભળવા સામે અણગમો વ્યકત કર્યો ત્યારે મારાથી હસી પડાયું.’ તમે પણ તેમાં સહમત થશો કોઈને એમાં રસ નથી હોતો. નિકળતી વખતે વાતવાતમાં કહેવાઈ ગયું ‘બહેન મને દુહા ગાવા બહુ ગમે છે.’ બસ થઈ રહ્યું મેં નિલમ બહેનને કહ્યું. આજે બીજી મુલાકાતો માટે નથી જવું આપણે દિપકભાઈના દુહા સાંભળીએ. અમે તો જામી ગયા દુહાની ને રાસની રમઝટ માણી કાન તૃપ્ત થયા.
ચાલો ત્યારે વિરમું છું આશા છે તમને આ બધી વાતો વાંચવી ગમતી હશે?

રિયાઝ નો અવાજ

બાળ મજૂરી કદીય નહીં કરું. કુલ મળીને ૧૦ ભાઈ બહેન ઘરમાં છે. રિયાઝ એકલો જ છે જેને ભણવું છે. સવારે ૮ થી ૧૧ ‘શૈશવ’ની સંસ્થામાં સેવા આપે છે. ઘરના વડીલ વર્ગને ભારે ન પડે તેથી આ મધ્યમ માર્ગ અપનાવ્યો. ૧૮ વર્ષની ઉંમરે બારમીનો અભ્યાસ દિલ દઈને કરતા રિયાઝનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ઝળકી ઉઠ્યો.તમે નહીં માનો, મારા ઝુંપડપટ્ટીના અનુભવોમાં એક વાત મારી આંખે ઉડીને વળગી, તેમનામાં રહેલી કુટુંબ પ્રત્યેની પ્રેમ ભાવના.’ ભલે ઘરમાં હાંલ્લા કુસ્તી કરતાં હોય પણ પોતાના ભાઈ બહેન કે માતા પિતાની વાત આવે ત્યારે સ્વાર્થ મૂકી તેમની લાગણી પ્રદર્શિત થાય.’
રિયાઝના પિતાજી અલ્લારખાં ઈલેક્ટીકનું કામ કરે. મા ગૃહસ્થી સંભાળે. મોટાભાઈઓ કડિયાકામ કરે અને નાની બેન બીજીમાં છે. દરરોજ સુનિલભાઈ રિયાઝના અભ્યાસનો ખ્યાલ રાખે અને પડતી મુશ્કેલી સુલઝાવવા મદદ કરે. રિયાઝ આત્મવિશ્વાસથી ભરપૂર તરવરાટવાળા યુવાનને મળી મને ખૂબ આનંદ થયો. એને દરેક કાર્ય કરવાની એક પધ્ધ્તિ અપનાવી હતી. જો કોઈ કામ અઘરું હોય તો કેવી રીતે સરળ બનાવવું તેની આવડત તેનામાં હતી. પંચાયતમાંથી જઈને માહિતિ મેળવવી, બેંકમાં જઈને ડી.ડી. કઢાવવું. સિદસર ગામમાં જઈને આખા ગામની સિકલ ફેરવી દીધી. માત્ર ૧૮ વર્ષની ઉંમરે એને કોઈ પણ કાર્ય કરી શકવાની કળા વરી હતી.
અમદવાદ જઈ અધિકાર પ્રત્યેની જાગ્રતાની તાલિમ મેળવી.ભણવાથી વિકાસ થાય છે તે સત્ય સમજાયું. સારા સંસ્કાર શૈશવના સંગથી પામ્યો તેનો તેને ગર્વ છે. મને કહે ‘ બહેન તમે એટલેતો મને મળવા અવ્યા.’ કલેક્ટર થવાનાં સ્વપના સેવતો રિયાઝ કોઈની પણ આગળ નિડરતાથી પોતાના વિચાર જણાવી શકે છે. કેંન્દ્રનું કાર્ય અને સંચાલન સંપૂર્ણ જવાબદારીથી કરી શકવાની તેનામાં ક્ષમતા છે. મોતી તળાવ પાસે કેંદ્ર ૧૫ દિવસ સફળતા પૂર્વક ચલાવ્યું. સિધ્ધપુર ગામે જઈને બાળકોને શાળાનું મહત્વ સમજાવી શાળામાં જતા કર્યા. કાગળ કામમાં મેળવેલી પ્રવિણતાથી તેમનામાં ઉત્સાહ વધાર્યો. પાલણપુરના ગરીબ વિસ્તારમાં જઈ બાળકોને રમતો રમાડી, ગાયનો ગવડાવી, કાગળ કામની કરામતોથી ખુશ કરી શાળા માટે પ્રેમ કેળવ્યો. તેના ફાયદા બતાવી શાળામાં દાખલા અપાવ્યા. ઉમર માત્ર ૧૮ વર્ષ.
ખરેખર ભાવનગરની મારી યાત્રા ધાર્યા કરતાં વધારે સફળતાથી આગળ ધપી રહી હતી.

ઝીંદાદિલ જીતુ

કોમલ બહેન સવારના સ્કૂટી લઈને આવી ગયા. તેઓ પોતે પણ કુંભારવાડા માં રહે છે. ત્યાંની ગલી ગલીથી માહિતગાર ખૂબ સિફતથી સાચવીને બધે લઈ જાય છે. તેમને
ખ્યાલ છે કે મારી આ રોજનીઆદત નથી. એક વાત કહ્યા વગર રહી શક્તી નથી, કોમલ બહેનને બાળકો ખૂબ પ્રેમ કરે છે અને માન ભરી નજરે નિહાળે છે.
આજે આપ્ણે જીતુને મળવા જવાનું છે. ૧૮ વર્ષનો તરવરાટવાળો જુવાન જીતુ પહેલી નજરે આંખોને ભાવે તેવું સુંદર વ્યક્તિત્વ ધરાવતો હતો. ઝુંપડપટ્ટીમાં આવા સુંદર બાળકોની
મને આશા ન હતી .સારું થયું મારી કલ્પના કરતાં બાળકો વધુ સુંદર અને વધુ હોંશિયાર અને તેજસ્વી નિકળ્યાં. આનો યશ’ શૈશવ’ને ફાળે જાય છે. ચાલો ત્યારે જીતુને મળીએ.
જીતુ હીરા ઘસવા જાય છે. આટલી નાની ઉંમરમાં સારા પૈસા કમાય છે. ભણવામાં ખૂબ જ કુશળ વિદ્યાર્થિ ઘરની પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડી હીરા ઘસવા બેઠો. પિતાજી રંગકામ કરીને ઘર ગૃહસ્થી ચલાવતા હતાં પણ એક દિવસ તેઓ બહારથી મકાન રંગતા હતા ત્યારે સીડી ઉપરથી પડ્યા અને પગ ભાંગ્યો. જેથી તેઓ આજે ખાટલા વશ છે. જીતુ એકનો એક દીકરો, શાળા છોડી કામે વળગ્યો.
જે કામ કરે તેમાં પ્રવીણતા મેળવવી તે તેનો સ્વભાવ. શાળા છોડવી પડી તેનો અફસોસ ન હતો. વાતવાતમાં ‘શૈશવ’ વિશે તેનો ઘણો ઉંચો અભિપ્રાય જાણવા મળ્યો. તેની બધીજ પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ ભજવતો હતો. શૈશવે તેની જીંદગીનો પાયો ખૂબ મજબુત બનાવ્યો હતો. તેના પિતાજીને દારૂની બૂરી લત હતી. તેને દારૂ પ્રત્યે ખૂબ સૂગ જણાઈ તેની નાની બહેન ભણે તે તેની મહેચ્છા હતી. માતા નોકરી કરે તે તેને પસંદ ન હતું.
માતા પિતા પ્રેમની ભાવના જોઈ મારુ દિલ તેને માટે માનથી ઉભરાઈ ગયું. શું તેની સુંદર ભાવના.
પૈસાદારના નબીરાઓ જોયા છે. માતા પિતા ગમે તેટલું કરે તો પણ કદર હોતી નથી. જ્યારે આ જુવાન જીતુ, જેના મોઢા ઉપર માંડ મુછનો દોરો ફૂટ્યો હતો. ગરીબી અને તે પણ ઝુંપડ પટ્ટીમાં આ અનુભવે મને હચમચાવી મૂકી.

સોહિલને સી.એ. થવું છે.

આજે આપણે એવા ભાઈની વાત સાંભળીશુ જેમનું નામ છે સોહિલ. ખૂબ મળતાવડા સ્વભાવના. મુખ પર સદાય હાસ્ય. કંઈક કરી છૂટવાની તમન્નાની જીવતી જાગતી તસ્વીર. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે. ઉંમર માત્ર ૨૧ વર્ષ અને શાદી શુદા. ખૂબ સમજાવવાંમા આવ્યું પણ સાંભળ્ત્યુ નહી અને ૧૯ વર્ષની કુમળી વયે લગ્ન કર્યા. શૈશવની બધી પ્રવર્ત્તિમાં ઉમળકાભેર ભાગ લેતા. બાળમેળા નું સંચાલન ક્ર્યું. સેંટર ચલાવ્યા. બારમી સફળતા પૂર્વક પાસ કરી. કોલેજમાં દાખલો મેળવ્યો. મને કહે બહેન મારે સી .એ. સુધી ભણવું છે. મેં સોહિલને કહ્યું આટલું બધુ ભણવું હતું તો લગ્ન શામાટૅ નાની ઉંમરમાં કર્યા. તો કહે મારી મા ખાતર. મારી મા કહે મારાથી ઘરકામ થતું નથી, ‘ તારી વહુ આવશે તો
મને રાહત થશે.’
તમે માનશો નહી આજે સોહિલ પત્ની સાથે જુદો રહે છે. તેની પત્ની બધો જ ભોગ આપવા તૈયાર છે પણ સાથે રહેવા નહી. હવે ખરી પરીક્ષા સોહિલ જીંદગીની આપી રહ્યો છે. પત્નીના હાથમાં પગાર આપી ને કહે છે આમાંથી તારે ઘર ચલાવવાનું. બધા મિત્રો તથા સલાહકારનું, શુભચિંતકોનું ન સાંભળી લગ્ન કર્યા પણ હવે. આશા છે પોતાની જીંદગીનાં મુકામે પહોંચે. મારા માનવામાં નથી આવતું સદીઓથી રૂઢીઓમાં સપડાયેલો સમાજ ક્યારે જાગશે?
૨૧મી સદીની શરૂઆત થઈ ગઈ છે. આપણા ભારતમાં ક્યારે સોનેરી પ્રભાત ઉગશે? ક્યારે આપણે નવા પ્રગતિશીલ વિચારોનું પાલન કરીશું? આપણે આઝાદ થયે ૬૦ વર્ષના વહાણા
વાઈ ગયા. ક્યારે આપણું યૌવન ધન પોતાની મરજી મુજબનું જીવન જીવી શકશે? ક્યારે આપણી અભણ પ્રજા દીકરીને લક્ષ્મી તરીકે વધાવશે નહીં કે ‘સાપનો ભારો.’ તમે નહી માનો આપણા ભારતમાં આ બધું હજુ પ્રવર્તિ રહ્યું છે. જાતે જોઈને આવી જરા પણ અતિશયોક્તિ નથી. ભારતનું ભાવી આપણું, યૌવન ધન ખૂબ મુંઝવણ અનુભવી રહ્યું છે. તેમને માર્ગદર્શનની તાતી જરૂર છે. મારા મગજમાં ઘુમરાતા પ્રશ્નો આખરે તમારી
સમક્ષ મૂકી હું હૈયે થોડી રાહત અનુભવું છું. આશા છે તમે કોઈ ઉપાય શોધવામાં સહાય
કરશો. વિરમું છું——- પ્રવિણાબેન અવિનાશ કડકીયા

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.