મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. આશા રાખું કે તમને નિરાશ ન કરું. બને ત્યાં સુધી ‘હું ‘ શબ્દનો પ્રયોગ અનુકુળ નથી લાગતો. હંમેશ મને
નરસિંહ મહેતા યાદ આવે છે.
” હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટ નો ભાર જેમ શ્વાન તાણે.”.
યાદ હશે હોકાયંત્રની મદદથી નાવિક ભરદરિયામા સાચી દિશામાં નાવ હંકારી જાય છે. બસ આ કામ વેદના અભ્યાસથી સાધ્ય બને છે. આનંદની ભાવના અને શાંતિની શોધ વેદના અભ્યાસ દ્વારા સંતોષાય છે. અંતરાત્માનો અવાજ કદી જૂઠૉ નથી હોતો. અંતરાત્માને છેતરવા માનવ કદી સફળ થયો
નથી. હાથના કંગનને આરસીની શી જરૂર? વેદાંત આ વાત ખૂબ સરળતાથી આપણી સમક્ષ રજૂ કરે છે. સૃષ્ટિની ઉત્પત્તી એ ગુઢ રહસ્ય છે. ભગવાન, કુદરત , નિયંતા માનવીની માનસિક કલ્પના છે. ત સર્વે દ્વારા ઘણા પ્રશ્નો અનુત્તર રહ્યા છે.વેદાંત વિજ્ઞાનના માધ્યમ દ્વારા પૃથ્વી અને મનુષ્યની ઉત્પત્તી વિષેનું રહસ્ય આપણી સમક્ષ ખુલ્લું કરવા શક્તિમાન બન્યું છે. અકળ કુદરતનું સામ્રાજ્ય તેનીજ રચેલી સૃષ્ટિમાં સમાયેલુ છે તે વેદાંત સિધ્ધ કરી આપણી સમક્ષ રજૂ કરે છે.
આ સૃષ્ટિમાં ખનીજ, વનસ્પ્તિ, પ્રાણી અને માનવી દરેકનું સામ્રાજ્ય પ્રવર્તે છે. મનુષ્યનું બંધારણ એ દરેકના સમુહથી બન્યું છે. જીવન દરમ્યાન માનવી અવનવા અનુભવોમાંથી ગુજરે છે. સારા કે નરસા એ દરેક વ્યક્તિ પર આધારિત છે. આત્મા અને પાર્થિવ દેહના સંગથી માનવ બને છે. વેદાંત આ સમન્વયને સફળ બનાવવાનો સાચો અને સચોટ માર્ગ દર્શાવે છે. દરેક વ્યક્તિ ભિન્ન છે. જ્યાં છે તે તેના માટે શ્રેષ્ઠ સ્થાન છે. તેમા બે મત નથી. કોઈ કોઈની જગ્યા ન લઈ શકે.
( હસવાની રજા છે. ઘણી વ્યક્તિઓ સામાન્ય રીતે માનતી હોય છે કે મારા જેવું કોઈ નથી! કિંતુ યાદ રાખવું જરૂરી છે કે કુદરત એક જેવું બીજું બનાવવામા માનતી નથી. બે આંગળી, જોડિયા બચ્ચા, બે ફળની મિઠાશ યે બે હાથ કશું કદી સરખું ભાળ્યું છે?)
આજ માટે આટલું બસ. વિચાર કરવો અતિ આવશ્યક છે.
કાલે મળીશું!