એક ડગ ધરા પર—-૧૧
ભર જુવનીમા, મા અને બાપ બંને ગુમવવા અને તે પણ આવી રીતે
અકસ્માતમા એ આઘાત જીરવવો ઘણો કપરો છે. સોનમ અને સાહિલ બંને
હતપ્રભ થઈ ગયા. બાળકોને સંભાળે કે પોતાની જાતને. કહેવાય છે પ્રભુના
દરબારમા ન્યાય પ્રવર્તે છે. કયા પાપ કર્મોની આ સજા હતી. હા, જન્મ છે
તેનું મૃત્યુ ચોક્કસ છે. પણ આ રીતે! ખેર જો બેમાંથી એક પાછળ રહ્યું હોત અને
તે પણ પાછી અપંગ હાલતમાં તો શું દશા થાત! એ એક જ આશ્વાસન આપી
શકાય. બાવરો સાહિલ અને બેબાકળી સોનમની વહારે ધાયા સોનમના માતાપિતા.
લગ્ન થયાને સોળ વર્ષના વહાણા વાયા હતા. દુધમા સાકર ભળે તેમ સોનમ
સાહિલની જીંદગીમા ઓતપ્રોત થઈ ગઈ હતી. સાહિલના માતાપિતાની તેણે કદીય
અવહેલના કરી ન હતી. ૨૧મી સદીની હતી પણ પ્યાર આપવામા ‘સીતા’ અને ‘રાધા’
તેના આદર્શ હતા. સાહિલ તેના પર જાન છિડક્તો .તેણે ખરેખર સાહિલની અર્ધાગંના
બની જીવન સફળ પૂર્વક જીવવાનો પ્રયત્ન કર્યો હતો. આવા સુંદર કાર્યમા તેને સહુનો
સોનેરી સંગાથ સાંપડ્યો હતો. શાન મમ્મીની વ્યથા સમજી શકતી હતી. દાદા દાદી તેને
પણ ખૂબ વહાલા હતા. દાદીનો પ્રેમાળ વહાલ નિતરતો ચહેરો યાદ આવતા આંખમાંથી
આંસુ સરી પડતા.
શાળામા તેની એક સહેલી જેની સાવકીમા હતી તેણે શાનને સંભાળી. શાન તેને
હંમેશા ઘરે લાવતી, દાદી તેને પ્રેમે જમાડતી. સુલુ જ્યારે પણ શાનને ત્યાં આવે ત્યારે
દાદીનો પ્રેમ પામવા ભાગ્યશાળી બનતી. દાદી તેને સાચી સલાહ આપતા. સુલુ જાણતી
હતીકે સગી મા પણ બાળક્ને વઢે યા મારે. પણ તે એ પણ જાણતી કે પછી મા મનાવી
ખવડાવે પણ ખરી. કિંતુ તેની ‘મા’ જેકહે તે જ કરે. મારે ને રડતા રડતા સૂઈ જાય તો
આખી રાત ખૂણામા ગાળે.
જીંદગી ધીરે ધીરે પાટા પર ચડી રહી હતી. માબાપ ગુમાવ્યાનું દુઃખ વિસરવું સહેલું
નથી. પણ જનાર પાછળ કોઈ ગયું નથી! દુનિયા તો ચાલ્યાજ કરે. દુઃખને હૈયામા સંઘરી
જીવવું એ નાનુ સુનું કામ નથી. સાહિલની ઉદાસી સોનમની છાતી ચીરી નાખતી હતી.
અસહાયતા તેને ચૂભતી પણ ઈલાજ જડતો ન હતો. નાના નાની ખૂબ ધિરજ પૂર્વક
સમયની નાજુકતા પારખીને મદદ રૂપ થયા. જેને લીધે સહજતા આવી માત્ર ઉપરછલ્લી.
શાન સુલુની સહાયથી શાળાનું કાર્ય કરતી. કોલેજમા જવાનું હતું. આગળ ભણીને
મનની મુરાદ પૂરી કરવી હતી. પોતાને તો કોઈ કઠીન પરિસ્થિતીનો સામનો કરવાનો ન હતો.
પણ બહેનપણીને જો કોઈ મુશ્કેલી જંણાય તો શાન ખડે પગે ઉભી રહી તેને ઉકેલવામા મદદ
કરતી. શાન, સુલુ અને નેહાની ત્રિપુટી ઘણાની આંખમા આવતી. ગણકારે તે બીજા. આમ પાછી
ભણવામા ચિત્તને પરોવી વાત વિસારે પાડવાનો વ્યર્થ પ્રયત્ન કરતી. દાદા, દાદી વગર ઘર સુનુ
લાગતું હતુ. પણ કોઈ ઈલાજ ન હતો! નાના, નાની પાછા પોતાને ઘરે જતા રહ્યા.
સોહમને બહુ ખબર પડતી નહી. પોતાના દિલની વ્યથા કેવી રીતે પ્રદર્શિત કરવી તેની
ગતાગમ પડતી ન હતી. શાન ભાઈલાને સાચવી લેતી. સોનમ, સાહિલને સાચવવા માટે હરપળ
તૈયાર રહેતી. માતા અને પિતા સાથે ગુમાવવા એ ઘા ભલભલાને હલાવી નાખવા પૂરતા છે.
કહેવાય છે “જે દુઃખ આપે છે , તે દુઃખ સહન કરવાની શક્તિ પણ આપી રહે છે.”———-