Archive for October, 2007

પ્યારનું ફૂલ

October 31st, 2007

જીવનના બાગમાં પ્યારનુ ફૂલ ભગ્યશાળીને ત્યાં જોવા મળે છે. હા, બગિચામાં
ફૂલો ઘણા ઉગે છે. વસંત આવે પ્રતિ વર્ષ ઉગે છે. ખીલી ઉઠે છે અને પાનખરમાં
વિદાય થાય છે. હા, બીજા વર્ષે ફરી મળશે તેનો કોલ આપે છે. અરે ફૂલોના
શોખીન જીવડા નવા નવા ફૂલો બાગમાં રોપી અખતરા પણ કરે છે. ઘણી વખત
પરદેશથી મંગાવી બગીચાની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. એથી આગળ વધીને
મિત્ર મંડળમાં પોતાના બગિચાના બણગા ફૂંકે છે.
પ્યારનું ફૂલ એક વાર ઉગે છે. ઉગીને પ્રેમભરી માવજતે ખીલે છે. પછી કરમાવાનું
નામ નથી લેતું.હવા, પાણી, વર્ષો, ઋતુ કે કાળની તેના પર અસર થતી નથી.જીવન
પર્યંત તે મહેક્યા કરે છે, ચહેક્યા કરે છે. પ્યારનું મધુરું સંગીત સુણાવ્યા કરે છે. તેની
સુહાની ખુશ્બુ ફેલાવે છે. જો પ્યારનું ફૂલ કરમાય તો સમજવું ‘પ્યારમાં’કાંઈક કમી હતી.
દાનતમાં ખોટ હતી.
વારંવાર ઉગતા પ્યારના ફૂલને શું કહીશું? ‘કાગળનું ફૂલ’ જે નથી કરમાતું કે નથી
સુગંધ ફેલાવતું. સ્પર્શ પામી નથી લજામણીની માફક શરમાતું. જ્યારે જુઓ ત્યારે એક
સરખું લાગતું. ન પરવા તેને હ્રદયની લાગણીની કે પ્યારભરી નજરની. ટાઢ, તડકાની
તેને કોઈ અસર નહી. સમય અને કાળના બંધનથી પર. ક્ષણ ભર કદાચ પહેલી નજરે
આકર્ષિત કરે. હકિકત નો પર્દાફાશ થાય ત્યારે નિરાશા સાંપડે.
વફા, બેવફામાં પરિણમે ત્યારે પ્યારનું ફૂલ વસંતમાં પણ કરમાઈને ખરી પડે. પ્યારના
ફૂલની માવજત માનો તો ખૂબ કઠીન છે અને સ્વિકારો તો સહજ છે. પ્યારના ફૂલની દેખરેખ
બન્ને પક્ષે સહજ બને તો તે ફૂલ મઘમઘી ઊઠે. ફૂલની સંભાળ દાદ માગી લે છે. જીવનમા
એવો પણ વળાંક આવે માળીની હાજરી ન વરતાય અને છતાંય તે મઘમઘી રહે.
બસ સદાય પ્યારની વસંત વરતાય અને તેની હસ્તી ચીરકાળ રહે.

આજની તાજા ખબર

October 26th, 2007

વર્ષો થયા સવારના પહોરમાં ટીવી પર સમાચાર સાંભળવાની આદત પડી
ગઈ છે. હાથમાં ગરમા ગરમ આદુ અને મસાલા વાળી ચા હોય અને સમાચાર
સાંભળતી હોંઉ.
આજે ટીવી ચાલુ કર્યો અને સમાચાર સાંભળીને રુંવાડા ઉભા થઈ ગયા. પોલિસે
પાંચ મહિનાની ગર્ભવતી બાઈને ગાડી ઉભી રખાવી રસ્તા પર ઉંધે મોઢે સૂવડાવી.
ગાડીની અંદર બીજા બે બાળકો પણ હતા. ચાલો એક મિનિટ માની પણ લઈએ કે
તેણે ગુનો કર્યો હતો. છતાંય થોડીક હમદર્દી પોલિસ પાસેથી મળે તેવી આશા ગેર-
વ્યાજબી નથી. પાછળથી સમાચાર મળ્યાકે ખોટી ગાડી અને ખોટી વ્યક્તિ છે.
દૂધ ઉભરાયા પછી અફસોસ કરવા જેવી વાત છે. પોલિસે ઘણી માફી માગી,
સારી સભ્યતાનું પ્રદર્શન કર્યું. કિંતુ આ બધી માથુ વાઢ્યા પછી પાઘડી પહેરાવવાની
વાતો છે.
સમાચાર આપનાર વ્યક્તિએ ખૂબ સ્પષ્ટ રીતે પોલિસના ઉપરીની ખબર લઈ
નાખી. મનમાં પાકી ખત્રી થઈ આવું અમેરિકામાં જ બની શકે. ખેર ભૂલતો ભગવાનની
પણ થાય એવું માનનારા આપણે તે પોલિસ ઓફિસરને નજર અંદાજ કરીશું.
અંહી એક નોંધ લેવાનું હું વ્યાજબી માનીશ, આપણા ભરત દેશમાં આવા બહાદૂર,
સ્પષ્ટ વક્તા, અને સરકારની બીક વગરનાં સમાચાર પ્રસારિત થાય. હા,આ વખતની
આપણા દેશની મુલાકાત વખતે યુવાન વ્ય્ક્તિઓની ઝલક જોવા મળી હતી.

તમે માનશો?

October 25th, 2007

અમારા ક્લાસમાં આશા અને મનોજ ભણતા હતા. આ વાત વર્ષો જૂની છે.
જ્યારે આશા પારેખ અને મનોજ હિંદી ચિત્રજગતમાં છવાયેલા હતા. આખો
વર્ગ રાહ જોઈ રહ્યો હતો ક્યારે તે બંને જણા હિંદી ચિત્રપટમાં સાથે આવે અને
આખા વર્ગ ને તેમની ઠેકડી ઉડાડી,નિર્દોષ મસ્તી માણે. આજે ૨૧મી સદીમાં
નિર્દોષ શબ્દ વાપરવો ઉચીત છે. આ એ જમાનાની વાત છે જ્યારે ટી વી
હતા નહી. ટેલીફોન હોય એ ભાગ્ય ગણાતું.

સવારના કોલેજ જતા પહેલા ગીતાનો ફોન આવ્યો. આજનું છાપુ જોયું? મેં
કહ્યું ના, તો કહે નવું ચિત્રપટ આવ્યું છે જેમાં આશા અને મનોજની જોડી કામ
કરે છે. મેં પૂછ્યું કયું, તો કહે ‘જીના મરના તેરે સાથ’. બસ પછીની વાત
કોલેજમાં મળીએ ત્યારે. આજે વર્ગમાં ભણવા જવાની મરજી હતી નહી. અમારા
જમાનાનું લોટસ સિનેમાઘર બહુ પ્રખ્યાત હતું. વિલ્સન કોલેજથી વરલી જતી
બસ કરતાં, ગાડીઓ વધુ સગવડવાળી લાગતી. એક તો પૈસા ન થાય અને
બીજું જલ્દી પહોંચી જવાય. પાંચેક સહેલીઓ લોટસમાં જવા તૈયાર થઈ ગઈ.
એક કાયદો મને લાગુ પડતો, જો કોઈ છોકરાઓ સાથે જવાના હોય તો આપણા
રામે ઘર ભેગા થવું પડે.
નસિબજોગે બધી છોકરીઓ હતી એટલે લોટસ તરફ જવા માટે નિકળ્યા. હવે
અંગુઠો બતાવીને કોઈની ગાડી ઉભી રખાવવાની હતી. વધુમતે મને પસંદ કરી
પણ મેં શરત મૂકી ‘હું આગળ નહી બેસું’. તેના માટે વનિતા તૈયાર થઈ. કાફલો
લોટસ પર પહોચ્યો વધુ એક પરીક્ષા , કોણ આંખ મારીને મેનેજર પાસેથી ટિકીટ
લઈ આવે. ગમે કે ન ગમે વારાફરતી બધાનો વારો આવતો. ઉષા પર પસંદગી
ઉતરી. આટલા બધા ભગિરથ કાર્યો કર્યા પછી અંતે ‘જીના મરના તેરે સાથ ‘
જોવા પામ્યા.
તમે નહી માનો, કોઈને પણ વર્ગમાં ખબર ન હતી કે આશા અને મનોજ સાચે
એક બીજાનાં પ્રેમમાં છે. કોલેજનું આ છેલ્લું વર્ષ હતું તેથી ઉંમર પણ નાદાન ન
હતી. હા, એ જમાનામાં પ્રેમ લગ્ન ખૂબ જૂજ પ્રમાણમાં થતા હતા તેથી ચર્ચાનો
વિષય બનતા. રૂઢિચુસ્ત માતા પિતાને મન આ ખૂબ કારમો ઘા લાગતો. આશા
અને મનોજના ઘરમાં ઘણા વખતથી ખબર પડી ગઈ હતી. એ બંને જણાએ સાથે
ચિત્રપટ જોયું અને માણ્યું. તેના અંત પ્રમાણે બંને એ નક્કી કર્યું. ખૂબ જ પ્રેમથી
આનંદમા સાંજ વિતાવી, રાત્રે ચોપાટી પરના ક્રીમસેન્ટરમાં છોલે ભતુરા ખાધા.
વિબજ્યોરનો કસાટા એક લઈ બંનેએ એકબીજાને પ્રેમથી ખવડાવ્યા. જોયેલા
ચિત્રપટનું પ્રખ્યાત ગીત ગાતા ગાતા , હાથમાં હાથ મિલાવી મરીનડ્રાઈવ જતી
ટેક્સીમાં બેઠા.
મનોજ બોલ્યો, જયહિંદ કોલેજ અને ટેક્સીવાળો પ્રેમ પંખીડાને જોઈ આનંદમાં
આવી ટેક્સી મારી મૂકી. એને બિચારાને ભાવિની ક્યાં ખબર હતી. ટેક્સીનું ભાડુ
ચૂક્વ્યું છૂટા પૈસા તેને બક્ષીસ આપી જયહિંદ કોલેજના પગથિયા ચડવા માંડ્યા.
લિફ્ટ હતી પણ ના આજે ભરપૂર સહવાસ બને તેટલો માણવો હતો. સાત
માળ ચઢ્યા, જરા પણ હાંફ નહોતી ચડી. મનોજ ટાંકી પર ચઢ્યો અને હાથ
લંબાવી આશાને બાહુપાશમાં ખેંચી લીધી. આશા વૈષ્ણવ અને મનોજ જૈન.બંને
જણાયે પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા. મનોજે પ્રેમથી આશાને ઊંચકી વહાલમાં
પૂરેપૂરી નવડાવી અને “આપણો પ્રેમ અમર છે” નો નારો લગાવી ટાંકી પરથી——

ખાટી મીઠી જીંદગી

October 21st, 2007

યાદ છે ત્યાં સુધી તમને દિલખુશ બરફી ભાવી હતી.
આજે દશેરા છે, ઘરે પધારશો તો જરૂરથી આરોગવા મળશે.
કદાચ આવવાનું શક્ય ન બને તો જીંદગી કેવી રીતે
‘ખાટી મીઠી’ બને તેની તમને રીત જણાવું.

સામગ્રી
૧ કપ હાસ્ય ૩/૪ કપ દિલગીરી
૧ ચમચી આંસુ ૧ ચમચો અહંકાર
૧ ચમચ ગુસ્સો ૧ ચમચી આત્મ સમ્માન
૧/૨ કપ ખુશી ૧/૨ કપ ડહાપણ
૧/૨ કપ આભાર ૧ કપ નમ્રતા
૧/૨ ચમચ અદેખાઈ ૧ ચમચ આવડત
૧ કપ સ્પર્ધા ૧/૨ કપ સુઘડતા
૪ ચમચા ઘી
લગભગ ૧૦ જણાને માટેનું પ્રમાણ છે.

માટીના મોટા ઘડાની અંદર ઘી ચોપડો. પછી બીજું
પડ આંસુ અને હાસ્યનું હળવે હાથે કરો. બધી સામગ્રી
તેમાં નાખી રવૈયાથી દસ મિનિટ ભેળવો.
ઓવન ૩૫૦ ફે.પર રાખી ૧૦ મિનિટ ગરમ કરો. પછી
તેમાં બરાબર ૪૦ મિનિટ બેક કરો.
એકદમ ઠંડુ થાય પછી, શરદ પૂર્ણિમાની રાતે દુધપૌંઆની
જોડે તેની મોજ પરિવાર સાથે માણવી.
એક શરત છે , દુધપૌંઆ વાટકીમાં લઈ ચમચીથી ખાવા પ્ણ
‘ ખાટી મીઠી’ જીંદગીની મજા સહુએ જમણે હાથેથી લઈ જમણા હાથમાં
આપીને માણવી. યાદ રહે પ્રમાણ બરાબર જળવાઈ રહે.

ખાટી મીઠી જીંદગી

બે બેગ

October 18th, 2007

આ શિર્ષક છે અનેરું
આ વાત છે નિરાળી
સાચું કહું છું સાંભળૉ
૨૧મી સદીની કહાણી

બે બેગ ભરી સામાન લઈને આવ્યા હતા
ગયા ત્યારે બે બેગ સામાન લઈને ગયા

આ સત્ય વાત છે ગીતા પર હાથ મૂકીને કહું છું
શંકા કરશો ના સ્વમાન તે ઓલિયાનું હણશો મા

હા, તમે જાણી ગયા હશો આ કોની વાત છે
જો ન જાણતા હો તો સાંભળો આપણા વતનના

સહુના પ્યારા અને લાડીલા એવા રાષ્ટ્રપતિ
પૂજનીય ડોક્ટર અબ્દુલ કલામની ———

હ્યુસ્ટનના આંગણે તેમનું ભવ્ય સ્વાગત થયું
તેમના દર્શને,વચનામૃતે દિલડું પાવન થયું

સાદગી નું જીવતું જાગતું બોલતું પ્રતિબિંબ
ગરીબોથી માંડીને ગગનને આવરતું પ્રવચન

સહુની સાથે પ્રેમથી હાસ્ય અને હસ્ત મિલાપ
બાળકો કાજે મૃદુ હાસ્ય અને પ્રેમે આલિંગન

રાષ્ટ્રપતિ ભવનને જેણે બનાવ્યું ‘જનતાભવન’
દેશના ઈતિહાસમા જેનું નામ લખાયુ સુવર્ણમય

ક્યાં રહેવું

October 17th, 2007

ભગવાન આજે ખૂબ ખુશ જણાતા હતા. મંદિરમાં નવરાત્રિ અને દશેરાની
પૂજા ચાલતી હતી. ભાવતા ભોજન અને સૂકામેવાના થાળ જોઈ તેમનો હરખ
માતો ન હતો.
આનંદમાં આવી જઈ ભગવાન પણ ભૂલ કરી બેસે. ‘માગ માગ માગે તે આપું.’
બસ ભક્તને એ જ જોઈતું હોય. તેની માગણીઓ દિવસે ન વધે તેટલી રાતે વધે.
ભગવાનને થયું અરે આ ભક્તતો થકતાજ નથી. બિચારા ભગવાન, થાકીને લોથ
પોથ થઈ ગયા. ભક્તતો તેમને રાતે પણ આરામ લેવા દેતા નહીં.ભગવાન બિચારા
થાક્યા. થાકીને તેમના ગુરુ સાંદિપની પાસે પહોંચ્યા. “ગુરૂદેવ, બચાવો’મેં ભૂલથી
માનવની માગણી સંતોષવા માટે માગવાનું કહ્યું પણ હવે તે થાકતો નથી.” હું ક્યાં
જાઊં?”
ગુરૂ ખૂબ જ જાણકાર હોય. કહેવા લાગ્યા તું માનવના અને ભક્તના હ્રદયમાં જઈને
વાસ કર તને કોઈ દિવસ તેઓ હેરાન નહી કરે. કારણ ખૂબ જ સરળ છે. માનવ અને
ભક્તને કદીયે પોતાના હ્રદયમાં ઢુંકવાનો સમય હોતો નથી. તેઓ તને ખોળી શકશે નહી.
વત્સ, તું મળીશ નહી એટલે તારે તેમેની કોઈ પણ માગણીઓ પૂરી કરવી પડશે નહીં.

પાનખર

October 16th, 2007

પીળા પડેલા પાનને ખરતા જોઈ વૃક્ષની વેદના ભાળી

બગીચાને સીચતો માળી રિસાણોને ફુલડાંને હું મળી

ગીચોગીચ માનવ મેદની વચ્ચે ફરતી એકલતા ભાળી

યુવાની ઢળીને વાનપ્રસ્થને આંગણે જીવનને હું મળી

ભર બજારે ચાલતાં વર્ષો બાદ સખીને અનાયાસે ભાળી

ઉગતા સૂરજને પૂજતા સ્વાર્થી લક્ષ્મીચંદો ને હું મળી

આશા નિરાશાનાં તાંતણે લટકતાં વૃધ્ધ માતાપિતાને ભાળી

જીવતરના આરે આવીને ઉભી મૃત્યુના ઓવારાને હું મળી

ટાપટીપ

October 15th, 2007

ટાપટીપ કરતી યુવાન છોકરીઓ ડીસ્કોમાંથી આવે
ભાન ભૂલેલી તે યૌવનાઓ યુવાનોને શરમાવે
માતાપિતા ડરતા ડરતા રે તેમને કેમ કરી સમજાવે

કોની વનિતા કોની કન્યા કોલેજમાંથી નિસરતી
ભણવાને બહાને ક્યાં ક્યાં ભટકે તેની ખબર ના રહેતી
મારગ ભૂલેલી દિકરી અવળે રસ્તે ચડી જતી

દોસ્તો સંગે તે ઘુમતી લાજ મર્યાદા ઓળંગતી
નોકરી કરવી પૈસા કમાવવા તેને પ્રાધાન્ય દેતી
આછકલી ઉછ્રંખલ બની જીવનમાં ગુમરાહે ચડતી

ઘરકામ કરવામા હીણપત લાગતી ફેશનમાંહી ફરતી
ઉંચી એડીના ચંપલ પહેરી પંજાબીનો દુપટ્ટો લહેરાવતી
અમેરિકાની આંધળી નકલ કરતી ભારતિયતા ભૂલતી

દેશી નહી પણ વિદેશી માલની બોલબાલામાં રાચતી
દેખા દેખીમાં ગળાડૂબ રહેતી સ્વતંત્રતાને અવગણતી
માતૃભૂમિને વિસરતી માતાપિતાને આદર નવ દેતી

વાચક મિત્રો ” રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે”
યાદ હશે?

આવો કાના સંગે રાસ રમવા

October 11th, 2007

નવરાત્રિના શુભ દિનોમાં
દુહો

હે કાળા કાળા કનજી ને રાધે ગોરી ગોરી
વ્રજની રજકણ ભાન ભૂલીને નાચે ઘેલી ઘેલી
જમુના તીરે ધુમ મચાવે બરસાનાની છોરી
થૈયા થૈયા થા

રાસ
હે કાનુડો કાળો ને લાગે રૂપાળો
ગોપીઓની સંગે મચાવે હોબાળો
હે જશોદાનો જાયો ને નંદનો લાલો
મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

માખણ મિસરીમાં ભરમાતો
છેલ છબીલો સહુને પજવતો
મોરલીના તાને થૈ થૈ નચવતો
મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

ભરરે નિંદરથી મુજને જગાડી
વ્રજની વનિતાઓની ગગરી ફોડી
કંસને મારી નગરી મથુરા ઉગારી
મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

હે કાનાના કામણને રાધાના શમણા
ભવસાગની ભાંગી રે ભ્રમણા
ગોપ ગોવાળ સંગે ઘરના આંગણમા
મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

રાસની રમઝટ

October 9th, 2007

દુહો

હે———-
ગોકુળથી મથુરાનો મારગ ભલે લાગતો નાનો
કાનુડાની નીંદ ઉડાડી લઈ ગયો મતવાલો
થઈયા —થઈયા——થા

ગોકુળ છોડીને મથુરા આવીને મારી નિંદર વેરણ થઈ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—–

નંદ જશોદાનો નિર્મળ પ્રેમ અને વ્રજવાસીઓનું વહાલ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—-

ગોકુળને ગોંદરે ગાયોના સાદને ગોપીઓની રૂડી પ્રિત
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——

મથુરાના રાજભોગ ફીક્કા લાગે ભલા ગોકુળના માખણ મિસરી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——–

મથુરાના મારગ મોકળારે મને વહાલી ગલીઓ સાંકડી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——

ઇન્દ્રપુરી પણ તુચ્છ ભાસે મને વહાલેરું ગોકુળીયુ ગામ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા———

ગોકુળ છોડતા વખતે કૃષ્ણને પયેલી વિરહની
વેદના
૦ ૦
૦ ૦
. .
. .

રાસની રમઝટ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.