તીરથ ફરી ફરી થાક્યાં ચરણ તો યે ન પહોંચ્યો હરીને શરણ
કથા સુણી સુણી ફૂટ્યા કાન અખા તો ય નવ આવ્યું બ્રહ્મજ્ઞાન
એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ
પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન
એ અખા વડું ઉત્પાત ઘણાં પરમેશ્વર એ ક્યાંની વાત
એક નગરમાં લાગી લાય પંખીને શો ધોકો થાય
ઉંદર બીચારાં કરે શોર જેને નહીં ઉડવાનું જોર
અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે જેની અનુભવ પાંખો આકાશે ફરે
આંધળો સસરો ને શણઘટ વહુ કથા સાંભળવા ચાલ્યા સહુ
કહ્યું કાંઈ ને સમજ્યું કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું
ઊંડો કૂવોને ફાટી બોખ શીખ્યું સાંભળ્યું સર્વે ફોક
દેહાભિમાન હતો પાશેર તે વિદ્યા ભણીને વધ્યો શેર
ચર્ચાવાદમાં તોલે થયો ગુરુ થયો ત્યાં મણમાં ગયો
અખા એમ હલકાંથી ભારે થાય આત્મજ્ઞાન સમૂળું જાય
સો આંધળામાં કાણો રાવ આંધળાને કાણા પર ભાવ
સૌનાં નેત્રો ફૂટી ગયા ગુરુઆચારજ કાણાં થયા
શાસ્ત્ર તણી છે એકજ આંખ અનુભવની ઉઘડી અખા નહી આંખ