શાન રમત ગમતમાં ક્યાં મોટી થઈ ગઈ ખબર પણ ન પડી. અઢી વર્ષની શાનને શાળામા
મૂકવાનો દિવસ આવી પહોંચ્યો. ‘નવચેતન બાળ મંદિર’મા દરરોજ સવારે નવ વાગે મમ્મી તેને
મૂકવા જતી. સવારે વહેલા ઉઠવામા તેને વાંધો ન હતો. તૈયાર થવાનો કંટાળો આવતો. મમ્મી શાન
માટે તેની પસંદના પાંચ જોડી કપડા રાખ્યા હતા. તેથી રકઝક ઓછી થતી. પહેલે દિવસે મમ્મી સાથે
બેઠી હતી તેની બાજુમા રીયા હતી. જે બે બહેનો હતી. રીયાને અને શાનને સાથે રમવાની મઝા આવી
ગઈ. દોસ્તી થતા મહિનો નિકળી ગયો. એ સમયમા શાનની મમ્મી સોનમ અને રીયાની મમ્મી રોમા ખાસ
બહેનપણી બની ચૂક્યા હતા.
ઢીંગલી જેવી શાન અને પરી જેવી રીયા રજાના દિવસોમા એકબીજાને ત્યાં જતા. પ્રેમથી રમતા
તેથી બંનેની મમ્મીને શાંતિ રહેતી. રીયાની મોટી બહેન નેહા મનમા આવે ત્યારે રમાડે નહીતો બંનેથી દૂર
રહે. નેહા સમય કરતા એક મહિનો વહેલી જન્મી હતી તેથી તેની પ્રગતિ થોડી ધીરી હતી. શાનની ચકોર
બુધ્ધિને તે પારખતા વાર ન લાગી. તેને નેહા પ્રત્યે પ્યર આવતો. જેમ જેમ શાન મોટી થતી ગઈ તેમ તેમ
તે નેહાની તરફદારી કરતી. રીયાને અદેખાઈ આવતી કિંતુ શાન સહેલી હતી અને નેહા બહેન તેથી ચૂપ રહેતી.
મોરના ઈંડા ચીતરવા ન પડે . એ ઉક્તિ શાનને બરાબર લાગુ પડતી. એવામા સમાચાર સાંભળ્યા કે
મમ્મી ફરીવાર ‘મા’ બનવાની છે. શાનની ખુશીનો પાર ન રહ્યો. દિકરી તરીકેના લાડપાડમા દિવસો, વર્ષો
વહી રહ્યા. સોહમને લઈને મમ્મી જ્યારે ઘરે આવી ત્યારે નાચીને ભાઈનું સ્વાગત કર્યું .
દાદીમા પૌત્રને લાડ કરતા તે શાન દૂરથી જોયા કરતી. જેવી બંનેની નજર મળતી ત્યારે આંગળીને
ઇશારે દોડીને દાદીના ખોળામા લપાઈ જતી. પપ્પા ઘણીવાર સોહમના વખાણ કરતા ત્યારે મમ્મી શાનની
વાત ચાલુ કરતી. નાના બાળકમા ઈર્ષ્યાના બીજ ન રોપાય તેથી સતત પ્રયત્નશીલ રહેતી .
સગા વહાલા આવતા અને દેવના દીધેલની તારીફ કરી પુત્રીતો પારકી થાપણ છે. આવી બધી વાતો
સોનમને ગમતી નહી તે તરત શાનને લઈ બીજા ઓરડામા જતી યાતો તેની સાથે રમવામા પડી જતી.
શાનને મમ્મીની રીત પસંદ આવતી પણ ‘દિકરી’ હોવું એ ગુન્હો ન હોય એવા ભાવને નજીક સરવા ન દેતી.
બાળ માનસ સમજી નશક્તું કે છોકરો હોય કે છોકરી બંનેમા તફાવત શું? શાનને થતું સોહમને પણ બધું જ
મારા જેવુ છે. બે આંખ,બે કાન, બે હાથ , બે પગ , મોઢું વિ. વિ. ખેર વિચારમા ગરકાવ થવાને બદલે રમકડા
રમવમા મશગુલ થઈ જતી. જે પણ રમત રમતી તેમા તે પારંગત થતી. સોનમની ચકોર આંખો તેની નોંધ
અચૂક લેતી. ઘરકામમા પરોવાયેલી હોય કે સોહમની સાથે, માતાને ભગવાને ચાર આંખ, ચાર હાથ અને ૪૮
કલાકનો દિવસ આપ્યો હોય છે.
આજે શાન થોડી શાંત લાગી. સોનમ ઘણો પ્રયત્ન કર્યો પણ જવાબ આપતી ન હતી. શાળામા મૂકવા ગઈ
ત્યારે રીયાની મમ્મી સાથે વાત કરતા ખબર પડી. નેહાને લોહીમા ગાંઠ પકડાઈ અને દાકતરી તપાસમા ખબર
પડી કે તેને લોહીનું કેન્સર છે. શાનને વાત એટલીજ સમજાઈ હતી કે નેહા ગંભીર રીતે બિમાર છે. પાંચ વર્ષની
શાન ‘મોત’ શબ્દથી અજાણ હોય તે સ્વભાવિક છે. પાંચ વર્ષની કુમળી વયે શાન ઘણું બધું જાણતી થઈ.
ધરા પર જ્યારે ડગ માંડ્યા છે જ્યાં એક ઉઠાવીને બીજું કેટલી સાવચેતીથી મુકવું પડે છે તે પાઠ ભણી
રહી હતી. બાળ માનસ મોતનો કરુણ ઘા સહી માતાને ભેટી પડી. આંખમા પ્રશ્ન ડોકિયા કરતો સોનમ નિહાળતી.
જવાબ આપવાની જરૂરત ન જણાતા ‘નેહા ક્યાં ગઈ’ ? તેનો જવાબ શાનને વહાલથી નવડાવી વિસરાવતી.
શાન પણ વધું પુછવુ ઉચિત ન સમજતા માતાની ગોદની હુંફ માણતા નિંદરરાણી ને શરણે પહોંચી સપનાના દેશની
સહેલગાહે ઉપડી જતી——–