Archive for November, 2007

હસતા નહી

November 30th, 2007

પતિઃ અરે હું તો તારા જેવો સુંદર નથી. કે નથી મારી પાસે
મોટી મોટી મહાવિદ્યાલયની ઉપાધિ. સાચું બોલજે પ્રિયે
તું શું જોઈને મને પરણી?
પત્નિઃ ખૂબ લાડ કરતાં તમારે સાચે જાણવું જ છે. રહેવાદોને.

પતિઃ ખૂબ આગ્રહ કરતા, ના ના મને કહે.
પત્નિઃ મેં તમારામા સહુથી ભારે તમારુ ખીસુ જોયું, વહાલા.

જ્યારે

November 30th, 2007

જ્યારે વાદળી ભારી થાય છે ત્યારે વરસી પડે છે

જ્યારે સૂર્યોદય થાય ત્યારે અંધકાર ગાયબ થાય છે

જ્યારે ચાંદ ચાંદની વરસાવે ત્યારે શિતળતા ફેલાય છે

જ્યારે ફૂલ ફળમાં પરિણમે ત્યારે અસ્તિત્વ મિટાવે છે

જ્યારે કમળ કાદવમાં ખીલે ત્યારે સોહામણું લાગે છે

જ્યારે સોનાની બંગડી બને ત્યારે ઉરે ઘા ઝીલે છે

જ્યારે બાળક યુવાન થાય ત્યારે માતાપિતાનાં વાળ ધોળા થાય છે

જ્યારે જીવન સમાપ્ત થાય ત્યારે રેતમાં પગલું પડે છે

જ્યારે વાયરો પગલું ભૂસે ત્યારે મોજા પર નામ લખાય છે

જ્યારે અને ત્યારે ની ચીલ ઝડપ.

જીવન એક ખેલ

November 29th, 2007

માનો ન માનો આ ખેલ દરેકને ખેલવો પડે છે. મને યા કમને.
ખેલ ખેલમાં ખેલો, સહજતાથી ખેલો, હસતા રમતા ખેલો કે પછી
ગંભીરતાથી ખેલો. કવિ, લેખકો, સંતો અને આચાર્યોએ જીવનને
ઘણી ઉપમાઓ આપીને ગુંચવાડા ભર્યું બનાવી દીધું. કિંતુ ખેલદિલીથી
ખેલેલું જીવનખરેખર મધુરું હોય છે. કૃષ્ણના વદન કમળ જેવું. આ ખેલ
એવો અદભુત છે કે તેમાં હારજીતને સ્થાન જ નથી. માત્ર ખેલો એ જ
ખૂબી ભરેલું છે. હંમેશા ખેલની સંગે આપણે હાર યા જીત સાંકળ્યા છે.
સહુને વિદિત છે કે હાર મળવાની જ કારણ જીત તો એક જ જણાની થઈ
શકે. ગૌરવ પૂર્વક હારવું એ પણ એક કળા છે.
જીવન એટલેઃ જીઃ જીવવું, વઃ વધવું, નઃ નમવું. આ ત્રણેયનો ત્રિવેણી
સંગમ એટલે જ જીવન. આ સુભગ મિલન માતા પૃથ્વી સિવાય ક્યાંય
સંભવ નથી. જીવનનાં ખેલમાં ‘જીવવું’ સ્વાભાવિક અને સરળ છે. જે
આપણને જન્મતાની સાથે પ્રાપ્ત થાય છે.’વધવું’,માત્ર ઉંમરમાં,ઉંચાઈમાં
કે વજનમાં જ નહીં. એતો કુદરતનો અફર નિયમ છે. કાંઈ પણ પ્રયત્ન ન
કરીએ તો પણ વધવાના છીએ. વધવા નો અર્થ અહીં વિકાસ છે. ‘નમવું’
જ્યાં ત્યાં નહીં. નમ્રતા નો અહીં ઉલ્લેખ છે. યાદ હશે જ્યારે આંબાના ઝાડ
ઉપર કેરી લચકતી હોય છે ત્યારે તે ઝુકેલો હોય છે. તે નમ્રતા. માણસ જ્યારે
જીવનમાં સંસ્કાર,વિદ્યા,જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે ખૂબ વિનમ્ર હોય છે. અધૂરા
ઘડા છલકાય પૂરા નહી. તાડના ઝાડ ખૂબ ઉંચા હોય છે. નથી પંખી તેના પર
માળા બાંધતા કે નથી પથિક તેના તળે પોરો ખાતા!
જીવન ખેલનો આરંભ જન્મ સાથે છે અને અંત મૃત્યુ ટાણે. એ ખેલને
દરેક વ્યક્તિ પોતાના ગજા પ્રમાણે ખેલે છે. એ ખેલની સંપૂર્ણ જવાબદારી દરેકની
પોતાની છે. કોઈના પણ માથે દોષનો ટોપલો ઊંધો વાળવો એ અપ્રમાણિકતા છે.
ભૂલતો બ્રહ્માથી પણ થાય. જ્યાં હાર કે જીત નો સવાલ જ નથી ઉઠતો તો પછી
પોતાની કાબેલિયત પર નિર્ભર થઈને ખેલવામાં જ મઝા છે.
જીવન ખેલ માં જોખમ પણ હોઈ શકે. હિંમતે મર્દા તો મદદે ખુદા. ખેલમાં
સ્પર્ધા પણ સામિલ હોય યા ચાતુર્યની આવશ્યક્તા. ખેલ દરેક ખેલાડીની ક્ષમતા પર
આધારિત છે. હરએકની ખેલ ખેલવાની શૈલી અલગ અલગ જરૂર હોઈ શકે. ખરી
મઝા તો ત્યાંછે દરેક વ્યક્તિ પોતાની રીતે જ ખેલ ખેલાય તેમ માને. આ જ તેની
કરૂણતાના સાક્ષી છે.આમાં કોઈ બંધારણ નથી.”હું” જ માત્ર સાચો એ માન્યતા જૂઠી.
એ વિચાર જ પાયા વગરનો છે. આ ખેલમાં ‘વહેલો તે પહેલો’ એવી કોઈ જરૂરતને
સ્થાન નથી. આ ખેલ ખેલવામાં ઉંમરનો બાધ નડતો નથી. કોઈની ગુંજાઈશ નથી
કે તેમાં આડખીલી બની શકે. નાના મોટાનો તફાવત નથી. હા,માત્ર તેમા ખેલની
સપાટી અલગ હોઈ શકે.
ઘણી વખત ગુણવત્તા અને સપાટી ઉંમર પર આધારિત નથી પણ હોતા. જેવું કે
નવ વર્ષની ચિત્રલેખા પચાસ હજારની માનવ મેદની વચ્ચે ભાગવત કથાનું પારાયણ
કરી, બધાને મંત્રમુગ્ધ કરી શકે. ભાગવતની કથામાં ગીતાજીના શ્લોકો ટાંકીને સહુને
વિવેચન દ્વારા સમજાવી શકે. જીવનના ખેલની કઈ સોગઠી તેની પાસે હશે?
જીવન ખેલ બસ ખેલો! પરિણામની પરવા ન કરવી. આળસને તો નજીક
ઢુંકવા પણ ન દેવી. ખેલ ખેલવાની તમન્ના, ઈંતજારી, કાબેલિયત કશાની દરકાર
તથા અવગણના કર્યા વગર બસ મન મૂકીને ખેલો. નર્મદને યાદ કરતાં
યા હોમ કરીને કૂદી પડો ફત્તેહ છે આગે.

જીવન ખેલ ખેલો
ન હું કે તું પહેલો
કોઈ આવે મોડો વહેલો
ભેરવી બગલે થેલો
બનીશ ના ગાંડો ઘેલો
છાતીએ ઘાવ ઝેલો
ગગનેથી નિરખે પેલો મસ્ત બનીને ડોલો

શા કામનું?

November 28th, 2007

એ જીંદગાની શા કામની જે દિવાની ન હોય
એ દિવાનગી શાકામની જેમા દિવાના બનાવનારની યાદ ન ભળી હોય.

આ જીંદગી કોઈની માલિકીની નથી
માલિકની હાજરી વરતાતી નથી

આ જીંદગીમાં કદી કોઈ કોઈનું નથી
એકલા જીવવાનો હુન્નર હળવો નથી

ધન, દૌલત,જુવાની,રૂપ કુંચીઓ છે
જીવન તાળું ખોલવા મચી પડેલી છે

સુંદર ઘર બાંધવું આસાન છે
રાચરચીલું વસાવવું સરળ છે
પણ
તેમાં
સુખ શાંતિ પૂર્વક રહેવું કઠીન છે.

અનુકરણ કરવું, અનુસરવું એતો ખાવાનો ખેલ છે
વિચાર અને વિવેક ભળે એ લોઢાના ચણા ચાવવા જેવું છે

ઉષ્મા

November 28th, 2007

ક્ષણોના સમુહથી સરજાયેલું આ માનવ જીવન કેવું છે
જેવું જીવીએ, મનીએ,જોઈએ અનુભવીએ એવું છે

શિયાળામાં બરફની ચાદર ઓઢેલી ધરતી કેવી છે
શાંત મુદ્રામાં બેઠેલી ગંભીર તપસ્વિની જેવી છે

વસંતના વાયરામાં મહાલતી આ ધરતી કેવી છે
ફૂલોની સુગંધ પ્રસરાવતી મીઠી મધુરી માદક છે

ગાંડીતૂર નદીના ધસમસતા પ્રવાહની દિશા કઈ છે
સાગરને મળવાની ઉત્કંઠામાં ભાનભૂલેલી પ્રેયસી છે

સંસારના રંગમંચ પર ભજવાતી આ જીંદગાની કેવી છે
જે આવે તે જાવા માટે નવી નવેલી દુલ્હન જેવી છે

મુખ દ્વારા વહેતી વાણીની અમૃતમયી ધારા કેવી છે
ધારામહીં વહેતા કંકર,કચરા,મોતી સમ રંગબેરંગી છે

મૃત્યુના દ્વાર ભણી પ્રયાણ કરતી આ જીંદગાની કેવી છે
હરપળે ધબકતા હ્રદયની શાક્ષી પૂરતી ઉષ્મા જેવી છે

એક -બે -ત્રણ

November 27th, 2007

ઈશ્વર , ! વિશ્વ વ્યાપક , ! ઈશ્વરની કૃપા છે,!

તત્વ , ! મારું છે , ! તું ગમે છે!

સત્ય , ! સનાતન સત્ય , ! ભૂખ લાગી છે!

પ્રમાણિકતા , ! તારું છે, ! નારી તું નારાયણી,!

શબ્દ ! આપણું છે ! અતિથિ દેવો ભવ

અહં ! ક્રોધી છે ! નજરથી દૂર થા!

પ્રેમ !
માતા પિતા ! વડીલોનો આદર સ્ત્કાર!

વિશ્વાસ ! વિશ્વાસ છે ! વિશ્વાસે વહાણ ચાલે !

શ્રધ્ધા ! ઈશ્વર ઈચ્છા ! કરનું ભૂષણ દાન !

સનાતન ! સત્યમેવ જયતે ! આશા અમર છે !

ઘર ! ધરતીનો છેડો ! મારો પરિવાર છે !

સાવધાન ! પ્રભુતામા પગલાં ! અભિમાન નાશ નોતરે !

સતસંગ ! પતિ પરમેશ્વર ! પ્રેમની ગંગા વહાવો !

ક્ષણિક ! આંખ ખોલી ! દયા ધર્મનું મૂળ!

નાજુક ! સમય નથી ! વાવે તેવું લણે !

અસત્ય ! સર્જનહારની શક્તિ ! અપના હાથ જગન્નાથ !

તિરસ્કાર ! લાગણી સભર ! દિલ એક મંદિર !

આશા ! વિદ્યા દાન ! ભૂખ લાગી છે!

તિરસ્કાર ! નિર્મળ મન ! હમણાં કામ છે !

એક, બે યા ત્રણ શબ્દોની તાકતનો અંદાઝ લગાવો!

મૂરખ

November 25th, 2007

મારા જેવું કોઈ નથી!
મૂરખ
તારા જેવી વ્યક્તિ પ્રભુએ બીજી બનાવી પણ નથી.

આજની તાજા ખબર

November 24th, 2007

હજુતો દિવાળી પાર્ટી પૂરી નથી થઈ ત્યાં અમેરિકાનો તહેવાર
આવી ગયો. ખેર, ‘ગંગા ગયે ગંગાદાસ અમે જમુના ગયે
જમુનાદાસ ‘ જેવા આપણે શું કર્યું.

ગાજર અને કોબીની છીણમાંથી આપણે બનાવી ટર્કી. કોથમરીનાં
છંટકાવથી તેની વધારી શોભા.

ટર્કી ડ્રેસીંગ એટલે વઘારેલી તજ , લવીંગ અને લસણ વાળી ખીચડી.
(ગુજરાતીઓ ને ખૂબ ભાવતી)

પંપકીન પાઈ એટલે આપણો દુધીનો હલવો.

ક્રેનબરી સોસ. આપણી મસ્ત મજાની કેસરવાળી રબડી.

ગાર્લિક બ્રેડઃ આપણા મજે દાર માલપુડા.

એપલ સાઈડરઃ બદામ, પિસ્તા, એલચી અને જાયફળ ઘસેલી ભાંગ.

સલાડઃ કાકડીનું કચુંબર.

બોલો આવો છોને આજની મિજબાનીમા. કે પછી અમેરિકન બોસને ત્યા.

આપણે રહ્યા શાકાહરી, શું પાંઉના ડુચા અને સલાડ ખાઈને ઘરે જશો.

નિર્ણય તમારી ઉપર છોડું છું .

તા.ક. મોડેથી આવશો તો પણ ખાવાનું નહી ખૂટે તેની બાહેંધરી આપું છું.

દિવાળી પર્વની ઉજવણી

November 24th, 2007

ચારેકોર પ્રકાશ હતો ને

ઝીણું ઝીણું ગુંજન હતું

દિલોદિમાગે આનંદ છાયો હતો

તિમિરનું નામોનિશાન ન હતું

દિવડાની હારમાળા હતી ને

મિણબત્તીઓ નો મેળો હતો

દિવાળીનો શુભ અવસર હતો

નવા વર્ષનું પ્રભાત હતું

માનવમહેરામણ ઉમટ્યો હતો

હર્ષ ઉલ્લાસ રેલાયો હતો

માતાપિતાના આશિર્વાદ હતા ને

સર્જનહારની ખૂબ કૃપા હતી

નવા સુંદર ઘરમાં નમ્રતા અને રૂપિનનો પરિવાર ખૂબ સુખી રહે.

પ્રભુ તેમને સદબુધ્ધિ અને વેવિકનુ પ્રદાન કરે.

દિવાળી પર્વની ઉજવણી

HAPPY THANKSGIVING

November 24th, 2007

રોજ સવારે ૯ વાગે ૯૦ વર્ષના કાકા દુધ, ફૂલ અને ડોનટ લેવા અવતા.
છેલ્લા ૧૦ વર્ષથી આ કાર્યક્રમ રોજનો થઈ ગયો હતો. પુનિતા આધેડ ઉંમરે
પહોંચી ગઈ હતી. પ્રણવનો સાથ ગુમાવેલી પુનિતા મનોમન પ્રભુનો ખૂબ
ઉપકાર માનતી, બંને બાળકો ઠેકાણે પડી ગયા હતા. પુત્ર પાવન એમ.બી.એ.
ભણ્યો હતો અને પુત્રી પૂજા ફાર્મસીસ્ટ હતી. તેના માથે કુંટુંબની જવાબદારી રહી
ન હતી. હા, બાળકોને જ્યારે જરૂર હોય ત્યારે પુનિતા વણકહ્યે પહોંચી જતી.
પોતે સ્વતંત્ર રીતે રહી, બાજુમા આવેલી ગ્રોસરી સ્ટોરમાં વર્ષોથી કાયમી નોકરી
કરતી. વિમાની ચીંતા ન હતી. જરૂરિયાતો થોડી હોવાને કારણે જીવન આસાનીથી
ગુજરતું. મિત્ર મંડળમાં કોઈ અપેક્ષા ન હોવાથી સારું વિસ્તર્યું હતું. નોકરી ખૂબ દિલ
દઈને કરતી. ૯૦ વર્ષના કાકા હંમેશા તેનીજ પાસે પૈસા ચૂકવવા આવતા.
એ કાકા જો ભૂલથી વાસી ડોનટ લઈને આવે તો , એક મિનિટ કહીને તાજું લઈ
આવતી. ફૂલ જો તાજા સ્ટોરમાં આવ્યા હોય તો તેમના માટે સરસ શોધીને આપતી.
કાકાને પણ હવે તો આદત પડી ગઈ હતી. જો સવારે પુનિતા ન દેખાય તો બીજાને
પૂછીને તેની રાહ જોતા. પુનિતાને કાકા ન દેખાયતો ચીંતા રહેતી.બહુ વર્ષોની ઓળખાણ
હતી તેથી પુનિતા પાસે કાકાનો ફોન નંબર હતો. એક વખત કાકા ચાર દિવસ નદેખાયા.
પુનિતાને ચીંતા થઈ ફોન કર્યો. ફૂલ ,દૂધ અને ડોનટ લઈને ઘરે જતા પહેલા કાકાને
ત્યાં પહોંચી ગઈ. કાકા માંડ માંડ ઉભા થઈ શક્યા. પુનિતાને જોઈને ખૂબ ખુશ થયા.
પુનિતાએ પ્રેમ પૂર્વક તેમને માથે હાથ ફેરવ્યો. એક ગ્લાસમા દૂધ અને ડોનટ મૂકી
તેમને આપ્યા. ફૂલને સરસ રીતે ફૂલદાનીમાં ગોઠવ્યા.
૯૦ વર્ષના કાકાતો ખૂબ ભાવવિભોર થઈ ગયા. એને તો આ સ્વપ્ન લાગતું હતું.
આમ પણ અમેરિકનોને ભારતીય પ્રત્યે ખૂબ આદર હોય છે. પુનિતા થોડીવાર બેઠી
કાલે પાછી આવીશ કહીને ગઈ. કાકાને પુત્રી હતી પણ તે ગામમા નહતી. પત્ની
છેલ્લા ૧૫ વર્ષથી પ્રભુના ધામમા પહોંચી ગઈ હતી. સુંદર સ્વભાવને કારણે ઘણા
બધા ગ્રાહકો પુનિતાના ચાહક બની ગયા હતા. વાર તહેવારે પુનિતાને નાની મોટી
ભટ સોગાદ પણ આપતા.
પછીતો કાકા સાજાસમા થઈગયા અને રોજનો ક્રમ ચાલુ થઈ ગયો.પુનિતાને
કાકા મળે ત્યારે ખૂબ આનંદમા આવી જતી. આમકરતા છ મહિના પસાર થઈ ગયા.
આજે તેઓનો મંગળ તહેવાર THANKS GIVING નો હતો. પુનિતાએ બધા રોજના
જાણીતા ચહેરા જોવા મળે એટલે સવારનો સમય નોકરી પર આવવા માટે પસંદ
કર્યો હતો. પુનિતા આવી અને કાગ ડોળે કાકાની રાહ જોવા લાગી. હવે તો ઘરે
જવાનો સમય પણ આવી ગયો. કાકા દેખાયા નહી. પુનિતાને ચીંતા થવા લાગી.
ઉંમરતો થઈ જ હતી. તેથી શંકાકુશંકા કરતી ક્યારે તે કાકાને દ્વારે આવી ઉભી તેનું
તેને ભાન પણ ન રહ્યું. ઘર પાસેનું વાતાવરણ જોઈને તે આંગણામા પૂતળાની જેમ
સ્થિર થઈ ગઈ. પરિસ્થિતિ એવી હતીકે પાછી પણ ન જઈ શકે. બધા અમેરિકનો
ટોળે મળ્યા હતા. મૃત શરીર લઈ જવાની ગાડી આવે તેની રાહ જોતા હતા.
એટલામાં એક ૩૫ વર્ષની જણાતી સ્ત્રી પુનિતા પાસે આવી. માંડ માંડ પુનિતાના
નામનું ઉચ્ચારણ કરી સમજાવ્યું કે ‘મારા પિતાજીએ તારા નામનો એક કગળ લખ્યો છે.’
પુનિતા પથ્થરની મૂર્તિ જેવી વાત સાંભળી રહી. હાથ લાંબો કરી કાગળ લીધો.
કાકાની દિકરીને પ્રેમથી આલિંગન આપી, આંખમાં આવેલા આંસુ ખાળવાનો વ્યર્થ
પ્રયત્ન કરી સડસડાટ ઘટના સ્થળથી સરી ગઈ. ઘરે આવી પુનિતા સોફા પર ફસડાઈ
પડી. પાણી પીધું અને ‘કાકા’એ પત્રમાં શું લખ્યું છે તે જાણવાની ઇંતજારી રોકી ન
શકી. કાકાએ તેનો ખૂબ આભાર માન્યો હતો. શબ્દે શબ્દે તેમનો પ્રેમ પુનિતાને જણાયો.
પત્ર વાંચીને પરબિડિયું ફાડવા જતા પુનિતા ને બીજો એક કાગળ અંદર જણાયો.
કાઢ્યો, વાંચ્યો અને પુનિતાને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. આંખો ચોળવા
લાગી ફરી વાંચ્યો. તે હતો $૨૫,૦૦૦ નો —————-

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.