Archive for the ‘ટુંકી વાર્તા’ category

એક ડગ ધરા પર ૧૬

May 2nd, 2010
એક ડગ ધરા પર  ૧૬
     આજે શાનને પથારી છોડવી ન હતી. સ્વપના દ્વારા તેને
લાગ્યું ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરી શકીશ.  દિવસે દિવસે
જેમ મોટી થતી જતી હતી તેમ તેના વિચારોમા સમતુલા
જળવાતી જણાઈ.  વિચારોમા તણાવાને બદલે તેમનું
પૃથક્કરણ કરતી . નિષ્પક્ષ રીતે વિચાર કરવાની આદત
કેળવી હતી.
        વાંચન વિશાળ હોવાને કારણે ભારતમા અને સમગ્ર
વિશ્વમા સ્ત્રીની વિચારસરણી, રહેણી કરણી વગેરે સંજોગોની
જાણકારી ધરાવતી હતી. આજે સ્ત્રી પુરુષ સાથે ખભે ખભા
મિલાવીને દરેક ક્ષેત્રે નામના મળવી રહી છે. એવું કયું
ક્ષેત્ર છે જ્યાં સ્ત્રીની હયાતી નથી. અરે એક ડગ આગળ
 વધીને કહી શકાય કે સ્ત્રી કરી શકે છે તે પુરૂષ કદી નહી
કરી શકે. જાણકારી હોવાથી જ તો સ્ત્રી અત્યાચારનો ભોગ
બને, તે તેના માન્યમા આવતું ન હતું. હા, એ જગજાહેર છે કે
ભારતમા જે બદલાવ દેખાય છે તે શહેરોમા આંખે ઉડીને વળગે
તેવો છે. ગામડાનું ઉદ્યોગીકરણ, પ્રગતિ , વિકાસ અને સમૃધ્ધિ
ઘણાજ થયા છે. આપણો દેશે હવે દુનિયાભરમા નામના કાઢી છે.
છતાંય દુખ સાથે કબૂલ કરવું રહ્યું કે માનસ હજુ સહુનુ બદલાયું
નથી. કદાચ એ બદલાતા બીજા સો વર્ષ નિકળી જાય તો નવાઈ
નહી.
            સ્વપનામા પણ શાનની વિચાર સરણી ક્રમબધ્ધ હતી.  ખુલ્લી
આંખ કરતા બંધ આંખે તે આજે નવિન દૃષ્ટિ દ્વારા સૃષ્ટિ નિહાળવામા
તન્મય થઈ ગઈ. સૂરજતો વણથંભે પોતાનું કાર્ય કરવાનો. પછી ભલેને
વાદળો તેનો માર્ગ ચાતરે!
              શાનના મમ્મી અને પાપા આજે વિચારમા પડ્યા. દિકરીને ચેન
ભેર સૂતેલી નિહાળી તેમણે વિચાર્યું કદાચ આજે શાન કોલેજ નહી જાય તો
કોઈ ફરક પડવાનો નથી. દિવસે , દિવસે શાનને મોટી થતી જોઈ તેમેના
મનમા પણ તેના વિવાહના વિચારો કોઈક વાર ડોકાતા. 
           શાનને ખૂબ ગમતુ ભણવાનુ અને મુશ્કેલીમા મુકાયેલી છોકરીઓની
 વહારે ધાવાનું. છાપામાં, ચોપાનિયામા આવતા લેખો વાંચતી  ૨૧મી સદી
સ્ત્રીઓનો સુવર્ણકાળ માનતી. છતાં જુની ઘરેડની વિચારસરણી તેને માટે
વણ ઉકેલ કોયડા સમાન રહેતી.  મમ્મી વાત કરતી કે એક જમાનો હતો
માબાપ ન્યાતની બહાર છોકરીઓ પરણાવવા કબૂલ ન થતા. અરે એક બે
કિસ્સા તો એવા બન્યા હતા કે છોકરો અને છોકરી ઘરબાર છોડી ભાગીને
પરણી ગયા હતા. હા, વર્ષોબાદ માબાપે તેમેની સાથે સંપ કર્યો. 
       આજે એ જમાનો છે કે છોકરી આવી ને કહે આ મારી બહેનપણી
અમે લગ્ન કરવાના છીએ. એવું છોકરાઓ પણ વિચારે. તે સમયના
ચક્કરમા મારો દિકરો ડોક્ટર એટલે દહેજમા ગાડી અને ફ્રીઝ. જો ભૂલે
ચૂકે સર્જન હોય તો ઘર માગતા પણ શરમાતા નથી. શું પરણનાર
છોકરાએ હાથમા બંગડી પહેરી છે? શું છોકરી એટલું ભણેલી હોય તો
છોકરાના માબાપ અવળું ‘દહેજ’ આપેછે?   
    ચાલો વિચારો અને તમારા મંતવ્ય જરૂરથી આપશો——-

એક ડગ ધરા પર ૧૫

April 18th, 2010

 

         શાન, ઘરે જઈ રહી હતી. સ્કૂટરની ઝડપ તો સરકારના કાયદા મુજબ

હતી. કિંતુ મગજમા ઉઠેલા વિચારોની ઝડપ પર તેનો કોઈ કાબુ ન હતો.

ભણવામા મશગુલ રહેતી શાનના વિચારો ડહોળાઈ જતા અને તેને પાછા

ઠેકાણે લાવવા શાનને ખૂબ પ્રયત્ન કરવો પડતો. “શું દિકરી થઈને અવતરવું

એ ગુન્હો છે?” એ સળગતા પ્રશ્નએ તેના મગજમા આકાર લેવા માંડ્યો હતો.

જો કે તે વિચાર સાથે શાન જરા પણ સહમત ન હતી. હા તેની આજુબાજુ

બની રહેલા પ્રસંગો કાંઈ જુદુ જ ચિત્ર ખડું કરતા હતા. સંજોગોની સામે

અટલ ઉભા રહી તેમાંથી માર્ગ કાઢવાની શાનની વિચિક્ષણતા દાદ માગી

લે તેવી રહી છે.

         ઘરનું સુંદર સંસ્કાર ભર્યું વાતાવરણ, માતા,પિતા અને ભાઈલાનો પ્યાર

શાનને દિવસે દિવસે મજબૂત બનાવતા. તેના આત્મવિશ્વાસને પુષ્ટિ મળતી

અને દક્ષતાથી કાર્ય કરી શક્તી.  ૨૧મી સદીની શાન વિચારી રહી હતી કે મારા

ભારત દેશની જે આન બાન હતી તે કઈ રીતે પાછી લાવી શકાય. બહેન, દિકરી

પર થતા અત્યાચાર માટે સહુની આંખો ખોલવાનો નુસ્ખો કયો છે. સ્ત્રી જન્મદાત્રી

તેના પર અત્યાચાર તેનું મન કબૂલ કરવા તૈયાર ન હતું.

         સ્ત્રીને માત્ર ‘ઉપભોગનું’ સાધન ગણનાર વ્યક્તિ પર તેને ઘૃણાને બદલે દયા

આવતી. સ્ત્રી આદર, સમ્માનની હકદાર છે. તેના થકી તો ઘર,સમાજ અને દેશ

ઉજળૉ છે.  સ્ત્રી અને પુરુષ જીવન રથના પૈડાં છે. બંને એક ધરીને વળગી સ્વતંત્ર

રીતે ગોળ ફરી રહ્યા છે. તેમાં કોઈ ઉંચુ નથી કોઈ નીચું નથી. દરેકની કાર્યક્ષમતા

અલગ છે.  બંનેના કામની કોઈ લક્ષમણ રેખા નથી. અરસ પરસ સમજીને, ખભે

ખભા મિલાવીને સંસાર રથ સુગમતા પૂર્વક ચલાવે છે.

       એવું કયું તત્વ છે જે સ્ત્રીમા હોવાને કારણે તેની અવહેલના સમાજ કરે છે.

એને તત્વ કહેવું એના કરતા દ્રષ્ટિ વધારે યોગ્ય શબ્દ છે. પુરૂષનું પુરૂષત્વ હંમેશા

તેની આડે આવ્યું છે. કિંતુ પુરૂષ એ કબૂલ કરવા તૈયાર નથી કે ‘સ્ત્રી’ના સહયોગ વગર

તે અધુરો છે. તેવું સ્ત્રી માટે પણ કહી શકાય. બંને એકબીજાના પૂરક છે. તો પછી આ

સળગતો પ્રશ્ન શામાટે? દહેજ એ એક એવી બલા છે જે સમાજમા કેન્સરની માફક

ફેલાયો છે. જેનો ઉપાય હજુ સુધી પામ્યા નથી. શાનનું મગજ ઘણી વાર બધિર થઈ

જતું. આમતો તે કુમળી કન્યા છે અને તેથીજ તો સમાજનું આવું પાશવી વલણ તેની

સમજમા આવતું નહી. તે વ્યાકુળ થતી ભલું થજો કે તેના વિચારોમાં ન તો મલિનતા

હતી કે ન કોઈ પૂર્વગ્રહ.

       શાન ના માતાપિતા ખૂબ કાળજી પૂર્વક તેનું અવલોકન કરી તેને સહાયરૂપ થતા.

શાન કોઈ પણ સમસ્યાનો પાર ન પામી શકતી ત્યારે વિના સંકોચે તેમની પાસે પહોંચી

શાતા પામતી. વિચારોમા ગુંથાયેલી શાન ક્યારે નિંદ્રા દેવીને શરણે સમર્પિત થઈ તેનો

તેને ખ્યાલ પણ ન રહ્યો. શાનના કમરામા પ્રકાશ જોઈ તેના પિતાએ ડોકિયું કર્યું અને ધીરેથી

સરકી બત્તી બુઝાવી દરવાજો બંધ કર્યો.—–

એક ડગ ધરા પર—–૧૩

March 29th, 2010

            શાન, સુલુ અને નેહા ત્રણેય ગહન વિચારમા ગરકાવ થઈ ગયા. સાપ મરે નહી

અને લાકડી ટૂટે નહી. એ ઉક્તિ પ્રમાણે હિનાના પ્યારમા જરા પણ અવિનય ન વરતાય

તેનો ખ્યાલ જરૂરી હતો. હિના હરિશને દિલોજાનથી ચાહતી હતી. તેને હરિશને માત્ર પાઠ

ભણાવવો હતો કે પત્નીના પ્રેમ આગળ બીજા બધા સંબધ ફીકા છે. વળી તેને સારા દિવસ

ચડ્યા હતા તે શાન, સુલુ અને નેહા સિવાય કોઈને ખબર ન હતી.

                     સુલુનો અવાજ ખૂબ કોમળ અને સામી વ્યક્તિને ગમે તેવો હતો. હિના પાસેથી

ફોન નંબર લીધો અને પછી ફોન દ્વારા ઇ-મેઈલ પણ લીધો. હવે હરિશને પાઠ ભણાવવાનો

હતો. ઇ-મેઇલ સુલુનો પણ વાતચીતનો દોર બધો હિનાએ સંભાળી લીધો. જયારે પુરુષ પત્ની

છોડી બીજી સ્ત્રી પાછળ પાગલ થાય છે ત્યારે મોહમા અંધ થઈ સારા નરસાનું યા સત્ય અસત્ય

વચ્ચેનું અંતર વિસરી જાય છે.  તેની વિવેક બુધ્ધી ગિરવે મૂકે છે. 

                                  ન કરવાનું કરે અને ન આચરવાનું આચરે. સારું હતુ કે અનજાણતા સામે

પક્ષે તેની પત્ની જ હતી. હિનાએ તેને બરાબર સાણસામા ફસાવ્યો. સરસ મઝાનો વખત જોઈ

એવી પરિસ્થિતિ ઉભી કરી અને સમાજમા બદનામી વહોરવાને બદલે હરિશના ઘરવાળાઓ

હિના ને ઘરે તેડી લાવ્યા. હિનાના પેટે ચાડી ખાધી. મિંયા પડ્યા પણ ટંગડી ઉંચી. હિનાનો

આદર કરવાને બદલે હરિશતો ઇ-મેઇલ વાળીની પાછળ ગાંડો થયો હતો.   હિના વર્તનદ્વારા

હરિશની દુખતી  રગ દબાવતી રહી. હરિશની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ હતી.

હરિશ બાળક પોતાનું હોવા છતા હિનાને પ્યાર દાખવી શક્તો નહી અને ઇ-મેઇલવાળીને

ભૂલી શકતો નહી.

             હિનાને એકવાર ત્રણે બહેનપણીઓ મળવા આવી. ઘરમા કોઇ હતું નહી તેથી બિન્દાસ

વાતો કરીને પરાક્રમ પર હસી રહ્યા હતા. વાતોમા એવા મશગુલ હતાકે માથુ દુખવાને બહાને

વહેલા ઘરે આવેલા હરિશ પર કોઇનું ધ્યાન ગયું નહી. હરિશે વાત થોડી સાંભળી અને ચાલાકી

પુર્વક આખી વાતનો તાળો મેળવી લીધો.  ગોદડું ઓઢીને સૂઈ ગયો. બહેનપણીઓ ગયા પછી

હિના સૂવાના પલંગ પર હરિશને જોઈ ચોંકી ઉઠી. ચહા બનાવીને લઈ આવી. ખબર પણ ન

પૂછ્યા.  હરિશે નાટક ચાલુ રાખ્યું. મનમા થયું ‘શામાટે સાચું ગુલાબ છોડી હું કાગળના ફુલ

ઉપર મોહ્યો.’ ઇ-મેઇલનું નાટક જે મહિના સુધી ચાલ્યું હતું તેમા પોતાની નબળાઈ છતી

થઈ પણ હિનાનું વિશુધ્ધ અંતર તેના પર જાદુઈ અસર કરી ગયું. માફી માગવાની ઈચ્છા

અહંની આગમા ધુંવા થઈ ગઈ. હિનાને થયું પુરુષની જાત છે કબૂલ નહી કરે. ખેર માફ કરી

દંઉ. સ્ત્રીના હ્રદયની વિશાળતા અને પવિત્રતાનો અંદાઝ પુરુષ જાત કદી નહી લગાવી શકે?

                    હરિશના બદલાયેલ વર્તનને ધ્યાનમા લઈ એક રાત હિના ઘટૉસ્ફોટ કરવા જતી

હતી ત્યાં બત્તી બુઝાવી હરિશે તેને પડખામા લઈ કંઇ પણ ન બોલવા મજબૂર કરી. ઘણા

વખત પછી આનંદ મિશ્રિત પ્રેમ પામવા હિના સમર્થ બની અને પોતાના પ્યારની જીત

બદલ પ્રભુનો મનોમન આભાર માનવા લગી. ક્યારે આંખ મળી ગઈ તેનો પણ ખ્યાલ ન

રહ્યો અને વહેલી સવારે ઉદરમા પાંગરી રહેલ પારેવડાની હિલચાલની મોજ માણી રહી.

હરિશને શરમના માર્યા તે વાત કરી તેને પણ આનંદમા ભાગીદાર બનાવ્યો.——–

એક ડગ ધરા પર—૧૨

March 4th, 2010

એક ડગ ધરા પર—૧૨

         સઘળા દુઃખની એક જ દવા છે. તે છે ‘સમય’. સમય ભલભલું કઠીન દર્દ મિટાવવા

સમર્થ છે.  માતા પિતાની જગ્યા કોઈ પણ વ્યક્તિ પૂરવાને સમર્થ નથી. તેમની મધુરી

યાદ અને શીળી છાયાના સંભારણા  જીંદગી જીવવા માટે પૂરતા હોય છે. દરેકને એ

રસ્તે વહેલા કે મોડા જવાનું છે. સોનમ અને સાહિલ જીવનની ઘટમાળમા પરોવાઈ ગયા.

           શાન કોલેજમા આવી અને પ્રગતિને પંથે ચાલવા લાગી તેની સહેલી સુલુ, જેને

સાવકીમા હતી એક દિવસ કહે મારા લગ્ન નક્કી થઈ ગયા. સુલુ પણ ભણવામા ખૂબ

હોંશિયાર હતી. શાન તો સાંભળીને છળી પડી. કહે શું વાત કરે છે? કોની સાથે? ક્યારે?

કેમ આટલા જલ્દી? સુલુ બિચારી શું બોલે! એનું રડવું માતુ ન હતું. એને ભણીને પોતાની

જીંદગી સુંદર રીતે જીવવી હતી. તેના પિતાજીનું કશુંજ નવી મા પાસે ચાલતું ન હતું.

                સુલુની ઉંમર હજુ માંડ સત્તર વર્ષની હતી. જેની સાથે લગ્ન થવાના હતા એ

બીજવર હતો. નવી માને પૈસામા રસ હતો. નહી કે સુલુ સુખી થાય તેમા. શાન, નેહા અને

સુલુની ત્રિપુટી મસલત કરવા માંડી. સોળે સાન આવે એ ઉક્તિ મુજબ તેમની વિચાર શક્તિ

ખીલી હતી. ૨૧મી સદીની છોકરીઓ ઘણી ચબરાક અને સારા નરસાનું ભાન ધરાવતી

હોય છે.

      શું કરે તેના વિચારોમા ખોવાઈ ગયા. ૧૭ વર્ષ એ તો કાંઈ પરણવાની ઉમર ગણાય?

આજે સમાજમા ચારેકોર નજર ફેરવો. ૩૦ થી ૩૫ વર્ષની છોકરીઓ જણાશે. ઘંઉ વીણું કાંકરા

વીણું માં કુંવારી રહી ગઈ હોય છે. શરૂઆતના ૨૫ વર્ષના થાય ત્યારે તેમનો જવાબ હોય

છે “અમે પરણવા માટે તૈયાર નથી”. શું તેના માટે લાલ કે લીલા સિગ્નલ ઝબુકતા હોય છે?

અમારે અમારું ભવિષ્ય બનાવવું છે. ત્યાં સુલુ ને જુઓ. કાંઈક તરકીબ કરવી પડશે જેથી

પરણવા આવનાર મૂરતિયો હા પડી જ ન શકે. સુલુને પોતાની બંને કીકી વચમા લાવવાની

ફાવટ હતી.  સુમનભાઈ મોટી ફાંદવાળા જ્યારે તેને મળ્યા ત્યારે વાતો કરતા સુલુ ચાલાકીથી

તેમે કરતી. ‘બાંડામાં બોંતેર ” લક્ષણ હોય સુમનભાઈએ તો ધસીને ના પાડી દીધી. શાને તેના

માનમા સુલુ અને નેહાને પારસી ડેરીનો મસ્ત આઈસ્ક્રિમ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો.

         શાનને હવે ભણવાની સાથે સાથે આ બધી વાતોમાં ઉંડો રસ લેવા માંડ્યો. તેને થયું

જેટલું ભણવું જરૂરી છે તેટલુંજ સાથે ભણતી સહેલીઓના જીવનમા આવતા નાનામોટા

અવરોધોને સુલઝાવવાનું પણ તેટલું જ અગત્યનું છે. શાનનું શાણપણ તેની બહેનપણીઓના

પ્રમાણમા ખૂબ ચડિયાતું હતું. તેમા મુખ્ય ભાગ માતાનો પ્રેમ, સમયસૂચકતા અને દાદા, દાદીની

સુંદર કેળવણી  હતા.ચાલો હાલ પૂરતો સુલુનો વિકટ પ્રશ્ન ઉકલી ગયો.

       તેવામાં શાનની બહેનપ્ણી નેહાની કાકાની દિકરી હિના લગ્ન કરીને બે વર્ષમા પિયર

પાછી આવી. કારણ તો કહે પૈસાવાળાનો નબીરો ખોટી આદતોમા ગળાડૂબ હતો. ઉપરથી

ઘરે આવીને હિનાને મારે તે નફામા.  સારું હતું કે બાળકની ઝંઝટ હતી નહી. તેને બરાબરનો

પાઠ ભણાવવાનું આ ત્રિપુટીએ નક્કી કર્યું. ‘

       જાસુસી કરવા માંડીકે હરિશભાઈ ક્યાં જાય છે અને કોને મળે છે.   આવા બધા કારસ્તાન

ઘરમા કહે તો ગુસ્સો સહન કરવાનો વારો આવે, કિંતુ પરિણામ સફળ આવે ત્યારે ધીરે રહીને

મમ્મીને શાન બધું જણાવતી. સોનમને, શાન બહેન પણીને મદદ કરે તેમાં વાંધો ન હતો.

તેને પોતાના લોહી તથા તેની સમજદારી પર ગર્વ હતો. શાનને સમઝાવતી ‘બેટા વગર

વિચાર્યું કામ ન કરીશ કે જેથી મારે ,તરા પપ્પાને અને તારા ભાઈલાને નીચું જોવાનો

વારો આવે,”.

      હરિશભાઈને પાઠ ભણાવવા ત્રિપુટી કામે લાગી ગઈ. હિનાએ સાફ શબ્દમાં જણાવ્યું

તેને હરિશ ઉપર પ્યાર છે. વધુ પડતા બે નંબરના પૈસાને કારણે તે આડે રસ્તે ચડી ગયો

છે. હા, તને સીધે રસ્તે લાવવા કાજે હું કાંઈ પણ કરવા તૈયાર છું. જીવનમાં પ્રથમ પ્યારની

મહેકનું વર્ણન કરવું અશક્ય છે. નાની ઉમરમા થતો પ્યાર આંખની ભ્રમણા છે. કિંતુ સમઝદારી

દ્વારા પાંગરેલું પ્યારનું પુષ્પ તેની સુંગધ જીવનભર ફેલાવે છે. આ કાંઈ કાગળનું ફુલ નથી.

તે કદી મુરઝાતું નથી. દિવસે દિવસે ખીલે છે. તેનું સૌંદર્ય અંગ અંગમાંથી પ્રગટે છે. જીવન

પ્યારનું પરિણામ છે. પ્યારને સસ્તો સમઝવાની ભૂલ કદી ન કરનાર હિનાએ, પોતાનો પ્યાર

મેળવવા  કમર કસી. તેમાં સહકાર સાંપડ્યો શાન, સુલુ અને નેહાનો————–

એક ડગ ધરા પર—–૯

January 29th, 2010

એક ડગ ધરા પર—–૯

          કંકુ તો ઘરે ગઈ  પણ શાનની નિંદર સાથે લેતી ગઈ. ઘણા પ્રયત્ન

કર્યા શાને અને વિચારમા ગરકાવ થઈ ગઈ કે આવું પણ બની શકે. શહેરમા

રહેલી, જન્મેલી, મોટી થયેલી શાનની કલ્પના બહારની વાત હતી.  વિચારમા

ને વિચારમા ક્યારે ઉંઘ આવી ગઈ તેની ખબર પણ પડી નહી. રાતના નિંદર

મોડી આવી તેથી સ્વાભાવિક છે સવાર પણ મોડી પડી. નાની સવારની ચા

પી રહ્યા હતા ‘આજે મારી દિકરી ખૂબ શાંતિથી સૂતી છે.’ તેમને ક્યાં ખબર

હતી કે શાનના દિમાગમાં શું ગડમથલ ચાલે છે.

     સવારે ઉઠી મોં સાફ કરીને આવી શાન નાનીના ખોળામા લાડ કરવા આવી.

નાનીને અચરઝ તો થયું પણ કાંઈ બોલ્યા વગર તેના માથામા વહાલથી હાથ

પસવારવા લાગ્યા. ધીરે રહીને ગરમ કેસર બદામવાળા દૂધનો ગ્લાસ પકડાવ્યો.

દૂધ પીતા શાન કહે હેં નાની પંદર વર્ષની ઉંમરે લગ્ન થાય ખરા? હવે નાની

ચમક્યા. શું વાત કરે છે બેટા!

  હા, કાલે કંકુ કહેતી હતી. હવે તેણે ભણવાનું છોડવું પડશે અને તેના માતા પિતા તેને

પરણાવી દેશે. નાની શાનને સમજાવવા લાગ્યા. બેટા સુથાર જાતિમા દિકરીઓને ભણાવે

ઓછું. તેઓ દિકરીઓને ‘સાપનો ભારો ગણે.’ બોલતાતો બોલાઈ ગયું પણ પછી શાનને

સમજાવતા નેવના પાણી મોભે ચડ્યા. નાનીને પસ્તાવો થયો પણ તીર કમાનમાંથી

છૂટી ગયું. પરિણામ જગજાહેર છે.    ખૂબ પ્રેમથી નાની શાનને સમજાવી રહ્યા હતા.

શાન વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. જીવનમા પહેલીવાર તેના ડગ થરક્યા.

તે ખૂબ નાની પણ ન હતી તેમ જ મોટી પણ નહી. કિંતુ તેના માનસ પર ઉંડી છાપ

પડી. હવે કંકુ ને શું કહી સમજાવવી. નાની કહે બેટા આ તેના ઘરની વાત છે. આપણાથી

કાંઈ ન કહેવાય. કિંતુ શાન તે માનવાને તૈયાર ન હતી.

      કંકુ આવી તેને શાન ઉપર ભરોસો હતો . શાન દીદી શહેરની છે, સુંદર છે. કુશળ છે.

શાન કહે ચાલ ને આપણે તારા માતા પિતા પાસે જઈએ. બંને કંકુને ઘરે આવ્યા. શાનની

પ્રતિભા અસરકારક નિવડી. ધીરે ધીરે કંકુની મા જમનાને વિશ્વાસમા લીધી. શહેરની વાતો

કરી. વિનમ્રતા અને સાલસતા જમનાને જચી ગયા. શાન પછી શાળાની પોતાની ડોક્ટર

બનવાની મહેચ્છા વિગેરે વિગેરે જનાવી રહી હતી. એકદમ જમના પણ બોલી ઉઠી, અરે

મારી કંકુને પણ ડોક્ટર થવું છે. બસ શાન સાવધ થઈ ગઈ. હા, માસી કંકુ ભલે નાના

ગામમા રહે છે. પણ ખૂબ હોંશિયાર છે. હવે તો ગામમા પણ કોલેજ શરૂ થઈ ગઈ છે.

વડોદરા તો ૩૦ કિલોમિટર દૂર છે. એસ.ટી. બસની સગવડ છે. હું પણ કદાચ વડોદરા

ભણવાની છું.   વાતોનો દોર બંધાતો ગયોને કંકુની મા સ્વપનામાં ડૂબતી ગઈ. તીર

નિશાના પર બરાબર લાગ્યું હતું. જમનાને વિશ્વાસમા લીધી. પચાસ ટકા કામ થઈ ગયું.

શાનને ખબર હતી પોતાને ત્યાં મમ્મી પપ્પાને કેવી રીતે પટાવી શકતી હતી.

                રાતના કંકુના પિતા જગાભાઈ વખારેથી ઘરે આવ્યા. જમનાએ તેમની ભાવતી

વાનગી પીરસી. કામકાજ પરવારીને આવીને વત છેડી. આજેતો બાજુવાળા શારદાબહેનની

ભાણી આવી હતી. આપણી કંકુને તેની જોડે બેનપણા થઈ ગયા છે.  ભણવામા આપણી કંકુ

શહેરની છોકરીની બરાબરી કરે તેવી છે. અરે, સાંભળો છો?  કંકુને ભણવું છે. શામાટે પરણાવવાની

ઉતાવળ કરવી. ટી.વી. માં જુઓ છો ને છોકરી હવે છોકરાઓની હારોહાર બધા કામ કરે છે. ભગવાને

આપણને એક છોડી આપી છે. ભલેને તેનું ગમતું કરે. પૈસે ટકે તો આપણે સુખી છીએ. ન્યાતમા

છોડીઉ જલ્દી પરણે તેથી આપણે પણ તેમ કરવું શું જરૂરી છે. તમને પણ હતુંને કે હું બેચોપડી

વધારે ભણી હોતતો તમને હિસાબ કિતાબમા સહાય કરત. પણ લગન પછી બાર મહિનામા

કાનો આવ્યો ને બીજે વરહે કંકુડી.  તમારી મનની મનમા રહી ગઈ. એ તો ભગવાને હારો

દી દેખાડ્યો અને આપણે બે પાંદડે થયા.

     જગાને જમના પર ખૂબ વહાલ. કેમ ન હોય. કાના ને કંકુ જેવા બે સુંદર બાળકો દીધા હતા.

જગાના માબાપને ખૂબ આબરૂભેર સાચવતી.  તેને પણ થયું કંકુ દીકરી છે તેથી કાંઇ ગુન્હો

કર્યો. ભલેને જીવન પોતાની મરજી મુજબ બનાવતી. જગો નવા જમાનાની હવાથી વાકેફ

હતો. તે સમજતો હતો કે સ્ત્રી હવે માત્ર રસોડાની રાણી નથી રહી. તેને પણ અરમાન હોય

છે. હિંદી ચલચિત્ર જોતો હતો.  જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે.  પોતાની આવી સુંદર

દિકરી ભલેને ભણતી. કહ્યાગરી, ઘરકામમા પાવરધી પણ છે. તેનું હૈયું ઠારીશ તો તના

આશિર્વાદ પામીશ. જમનાની કેળવણી અને સંસ્કાર પર તે મુસ્તાક હતો. જમનાને સાતે

કોઠે ટાઢક થઈ. સવારે કંકુ ઉઠે ત્યારે સારા સમાચાર આપવા તલપાપડ થઈ રહી અને

વિચારમા આંખો મીંચાઈ ગઈ.

              કંકુને તો કાંઈ જ ખબર ન હતી. ભણવા મળશે કે પરણવું પડશે તેની દ્વિધામા

આકાશના તારા ગણતી રહી.—————– શાન ને ઢાઢસ બંધાઈ હતી. તેને વિશ્વાસ

હતો કે  કંકુની મા જમનામાસી જરૂર કાંઈક કરશે—–

એક ડગ ધરા પર —-૮

January 24th, 2010

   એક ડગ ધરા પર —-૮

       શાન હાઈસ્કૂલમા આવી . ઉંમર ઉમરનું કામ કરે છે. નાની નિર્દોષ બાળકી

હવે કન્યમાં રૂપાંતરીત થઈ રહી હતી. દરમહિને વેઠવી પડતી અગવડ ગમતી

ન હતી. કિંતુ સોનમ તેને પ્યારથી સમજાવી સહ્ય બનાવતી. શરીરમાં થતા

ફેરફાર નિહાળી શાન લજવાતી અને રોમાંચ પણ અનુભવતી. તેને ખબર પડતી

ન હતી કિંતુ જે અનુભવમાંથી પસાર થઈ રહી હતી તે ગમતું હતું.  સોનમ ચૂપકીદિથી

 તેની નોંધ લેતી અને રાતના એકાંતમાં સાહિલને બધી વાતથી વાકેફ કરતી.

                  હવે  સોનમ વિચારતી કે ઉનાળાની રજાઓ છે. થોડું ઘણું  શાન ને રસોઇકામ

અને સિવણમાં રસ લેતી કરવી છે. તેના વાંચનમા પણ વૈવિધ્યતા આવવી જરૂરી છે.

શાનને ઘરપાસેના પુસ્તકાલયમાં સભ્ય બનાવી. પહેલા થોડોક વખત તેની સાથે ગઈ.

હિંદના ઈતિહાસ્ના પુસ્તકો,  વિજ્ઞાનને લગતાં, ધાર્મિક વિ. વિ. બતાવ્યા. તેને પહેલા જોવું

હતું શાનને શું વાંચવાથી આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે.  સોહમને દાદી પાસે મૂકી

મા-દિકરી બહાર જતાં. શાનને પણ મમ્મી સાથે ખૂબ મઝા આવતી. રજાને દિવસે આખો

પરિવાર સાથે બહાર જતો. સાહિલ એક પણ તક જવા ન દેતો. રવીવારની કાગ ને ડોળે

રાહ જોતો. સુંદર પરિવાર , સુખી પરિવારની ઉક્તિ બરાબર બંધબેસતી હતી.  રજા

ના દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યા હતા.  સોનમને તેના માતા પિતા

તેડાવતા ત્યારે હંમેશા કોઈના કોઈ કારણસર તે જઈ શકતી નહી.

  સોનમ પિયર ખૂબ ઓછું જઈ શકતી. વિચાર આવ્યો લાવને શાનને નાના નાની

પાસે મોકલું.  થોડા દિવસ શાન, નાના નાની ત્યાં રહેવા આવી. ઘરનું વાતાવરણ

શરૂમાં શાનને થોડું જુદું લાગ્યું કિંતુ વાંધો ન આવ્યો.   નાના,નાની શહેરથી દૂર રહેતા

હતાં. વાતાવરણ શાંત હતું પણ હવામા પ્રસરતી મહેક મનભાવન હતી. શહેર કરતાં

મોટું ઘર. ઘરમાં માણસ બે પણ કામ કરવા વાળા ત્રણ. આજુબાજુ મઝાનો બગીચો,

બગીચામાં ઝુલો.  ઘરની પાછળ કૂવો. જોકે હવે પાણી કાઢવાનું ન હતું. શહેરની જેમ

નળ હતા.   શાનને કુદરતને ખોળે રમવાની મઝા આવતી. આજુબાજુથી નાની નાની

છોકરીઓ તેની સાથે રમવા આવતી. શાન તેમની ઘણી બધી રમત રમતાં શીખી.

પોતે શાળામા જે રમતી તે તેમને બતાવતી અને રમતા શીખવાડતી.

          એક દિવસ તેની સાથે રમતી કંકુ આવી. ખૂબ શાંત જણાતી હતી. શાન તેને

પોતાની સાથે ઉપર લઈ ગઈ. કંકુ બન્ને જણ એકલા હતા તેથી, તેનામા હિંમત આવી

ને કહે , શાન દીદી હું ચૌદ વર્ષની થઈ મને મારી મા ભણવાની ના પાડે છે. મને

ખૂબ ભણવું છે. અમે સુથાર જાતના છીએ. અમારામાં દિકરીઓને બહુ ભણાવે નહી.

પંદર કે સોળની થાય ત્યાં પરણાવી દે. હજુ તો તેનુ બાળપણ ગયું ન હોય ત્યાં બે

નાના બાળકની મા થઈ જાય. બાકીની જીંદગી ઘરકામ, પતિ અને બાળકો સાથે પુરી

કરવાની. આજે ૨૧મી સદીમા જ્યાં સ્ત્રી અવકાશમાં જતી હોય, દરેક ક્ષેત્રમાં પ્રવિણતા

પામી હોય ત્યાં દીદી મારા હાલ જુઓ.

   શાન કંકુની અવિરત વાણી સાંભળીને ચકિત થઈ ગઈ. નાના ગામમા રહેતી કંકુ જગની

વાતોથી વિદિત છે. તેને પોતાને પણ કાંઈ કરીને, બનીને જીવવું છે. ઘરના વડિલનેતો

સમજાવાય કિંતુ નાના નાની કે દાદા દાદી તોબા રે તોબા. તેમનેતો હળાહળ કળિયુગ

દેખાય.  કંકુને શાંત કરી પાણી પિવડાવ્યું. આમ પણ શાન હતીજ એવી કે કોઈને પણ

તેની પાસે આવીને વાત કરવાનું મન થાય. પરિચય ખૂબ ઝૂઝ હતો . લાગણી અને પ્રેમ

સમયના બંધનમા નથી. જ્યાં દિલના તાર જોડાય ત્યાં સમય ટૂંકો યા લાંબો એ અતિ

મહત્વનું નથી. શાન વિચારમાં ડૂબી ગઈ. તેને માટે તો આ એકદમ નવી પરિસ્થિતિ હતી.

કંકુએ પોતાના તથા પોતાના ભાઈના જુદા જુદા નિયમો પંણ ટુંકમા કહી બતાવ્યા.

                    શાન  કાપોતો લોહીન નિકળે એવી અવસ્થામા હતી.  આમ તો તે પણ બાળક

હતી. જુવાનીમા પ્રવેશ કરી ચૂકી હતી. છતાંય આવી વાત સાંભળીને કાંઇ ઉત્તર ન આપતા

કંકુને વિશ્વાસમા લીધી.  કહે, તું શાંત થા, ઘરે જા આપણે કાલે વાત કરીશું. કંકુ ઘરે ગઈ.

આશા બંધાઈ કે શાન દીદી તેને જરૂર કોઈ માર્ગ બતાવશે.——————

એક ડગ ધરા પર——૭

January 18th, 2010

એક ડગ ધરા પર——૭

              શાન અને કિસન હસતા હસતા વર્ગ તરફ જઈ રહ્યા હતા. શાળાના

બીજા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને તરફ અચરજથી જોઈ રહ્યા. કિસનને

માથે વાળ ન હતા એ તો જગજાહેર વાત હતી. કિંતુ શાન, શામાટે વાળ વગર

શાળામા આવી હશે?  એકાદ બે જણાએ તો હાથથી ઈશારો કરીને પૂછ્યું?

શાન સમજી ગઈ અને હસીને આગળ વધી.  વર્ગ શિક્ષક અચંબામા પડી

ગયા. પ્રાર્થના પછી શાનને પોતાની પાસે બોલાવી, બેસાડી ધીરે રહીને

જાણવાનો પ્રયત્ન કર્યો. શાન નિર્ભયતાથી કહે, કિસનની બધા છોકરા છોકરી

મશ્કરી કરતા હતા તેથી તેને સાથ આપવા મેં વાળ  કઢાવી નાખ્યા.  મારા

પપ્પા અને મમ્મી બંને એ મારી લાગણીને માન આપ્યું.  અરે મારા વાળતો

પાછા આવી જશે. ત્યાં સુધીમા કિસન પણ સામનો કરતા શીખી જશે.  

               વર્ગ શિક્ષકતો શાનને મનોમન વંદી રહ્યા. તેની લાગણીનો અંદાઝ

કરવો તેમને માટે મુશ્કેલ હતો.  ખેર કિસનની મમ્મી, રવિવારની રજાને દિવસે

શાનના માતા, પિતા, ભાઈ અને  ઘરના વડિલોને મળી.  શાનને આમા કોઈ

મોટી ધાડ મારી હોય એવું ન લાગ્યું. બાળ માનસ કેટલું નિખાલસ હોય છે!

સર્વેને તેની પ્રતીતિ થઈ.   ગુરૂ દત્તાત્રયે ૨૪ ગુરૂ કર્યા હતા. બાળક ગુરૂનું

સ્થાન ગ્રહણ કરવાને શક્તિમાન છે. 

            શાનના વાળ તો ધીરે ધીરે આવી રહ્યા હતા. કિસન મનથી મજબૂત

 બની ગયો. કહેવાની આવશ્યકતા નથી કે શાન અને કિસન જીગરી દોસ્ત

બની ગયા.  વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી હતી. શાનને ભણવાનું ખૂબ

પસંદ હતું. રીયા તેની પ્રિય સખી કોઈ વાર કંટાળતી તો કહેતી,”પરીક્ષા પછી

રજાઓ પડે છે. રમીશું અને મઝા કરીશું”.  હમણાતો સારા ગુણ લાવી પાસ

થવું છે. વાળ નથી એ વાત તો તે સાવ વિસરી જ ગઈ હતી.

     સુંદર પરવરિશ અને સંસ્કારનો જીવતો જાગતો નમૂનો એટલે શાન. વહાલા

ભાઈ સોહમને રમાડવો, સૂવાના સમયે હિંચકા નાખવા તેને બહુ ગમતા. દિકરા કે

દિકરી વચ્ચે કોઈ ભેદ દૃષ્ટિગોચર થતો ન હતો.  દિકરીઓને દૂધપીતી કરતા સમજમા

આવા સુંદર પરિવાર પણ જોવા મળે છે. છોકરી હોવાને નાતે સહેવી પડતી અવહેલના

હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે.  હજુ પણ રડ્યા ખડ્યા એવા કિસ્સા જોવા મળતા

હોય છે, જ્યાં વિદ્યા અને સંસ્કારનો અભાવ વરતાતો હશે.

       હવા ને પકડી શકાય? ખળખળ વહેતા નદીના પાણીના પ્રવાહને અટકાવી શકાય?

સૂર્યનો પ્રકાશ ડબ્બામાં ભરી શકાય? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા, હોય તો સમયના

વેગની સાથેવધતી જતી શાનની ઉંમર અને સૌંદર્યને પિછાણી શકાય. ઉનાળાની રજા

પડી ગઈ દર વર્ષની જેમ શાન સાર ગુણાંક મેળવી આગલા ધોરણમા આવી.

            અરે શાન હવે ‘હાઈસ્કૂલમા” આવી ગઈ સોનમ અને  સાહિલ વાતો કરી રહ્યા હતા.

બાજુના કમરામા   શાન અને સોહમ રમવામા મશગુલ હતા.  દિકરી મોટી થાય તેમ

માબાપ પણ ચેતતા જાય. દિકરા અને દિકરીમા ત્યાં જ ફરક જણાય. દિકરીઓના ભય

સ્થાન માબાપની નિંદ હરામ કરતા હોય છે. સુસંસ્કારી માબાપની દિકરી તેનો ખ્યાલ

હંમેશ રાખતી હોય છે. શાનના અંગ અંગમાંથી યૌવન ડોકિયા કરી રહ્યું  હતું. લીંબુ ને

મરચા દરવાજે લટકાવવા યા તો શાનને કાળું ટીલુ કરી મોકલવાને બદલે સોનમ

તેની સાથે, શાનની ઉમરને લક્ષ્યમા રાખી વાત કરી તેને સમજાવતી. સમજુકો

ઈશારા કાફીની ઉક્તિ પ્રમાણે શાન થોડામા ઘણું સમજતી. ‘મા, તું બેફિકર રહેજે’

કહી માને વિશ્વાસમા લેતી.————————–

એક ડગ ધરા પર—૫

December 23rd, 2009

       શાન રમત ગમતમાં ક્યાં મોટી થઈ ગઈ ખબર પણ ન પડી. અઢી વર્ષની શાનને શાળામા

 મૂકવાનો દિવસ આવી પહોંચ્યો. ‘નવચેતન બાળ મંદિર’મા દરરોજ સવારે નવ વાગે મમ્મી તેને

મૂકવા જતી. સવારે વહેલા ઉઠવામા તેને વાંધો ન હતો.  તૈયાર થવાનો કંટાળો આવતો. મમ્મી શાન

માટે તેની પસંદના પાંચ જોડી કપડા રાખ્યા હતા.  તેથી રકઝક ઓછી થતી. પહેલે દિવસે મમ્મી સાથે

 બેઠી હતી તેની બાજુમા રીયા હતી. જે બે બહેનો હતી. રીયાને અને શાનને સાથે રમવાની મઝા આવી

ગઈ. દોસ્તી થતા મહિનો નિકળી ગયો. એ સમયમા શાનની મમ્મી સોનમ અને રીયાની મમ્મી રોમા ખાસ

 બહેનપણી બની ચૂક્યા હતા.

             ઢીંગલી જેવી શાન અને પરી જેવી રીયા રજાના દિવસોમા એકબીજાને ત્યાં જતા.  પ્રેમથી રમતા

 તેથી બંનેની મમ્મીને શાંતિ રહેતી. રીયાની મોટી બહેન નેહા મનમા આવે ત્યારે રમાડે નહીતો બંનેથી દૂર

 રહે.  નેહા સમય કરતા એક મહિનો વહેલી જન્મી હતી તેથી તેની પ્રગતિ થોડી ધીરી હતી.  શાનની ચકોર

બુધ્ધિને તે પારખતા વાર ન લાગી. તેને નેહા પ્રત્યે પ્યર આવતો.  જેમ જેમ શાન મોટી થતી ગઈ તેમ તેમ

તે નેહાની તરફદારી કરતી. રીયાને અદેખાઈ આવતી કિંતુ શાન સહેલી હતી અને નેહા બહેન તેથી ચૂપ રહેતી.

          મોરના ઈંડા ચીતરવા ન પડે  . એ ઉક્તિ શાનને બરાબર લાગુ પડતી. એવામા સમાચાર સાંભળ્યા કે

મમ્મી ફરીવાર ‘મા’ બનવાની છે. શાનની ખુશીનો પાર ન રહ્યો. દિકરી તરીકેના લાડપાડમા દિવસો, વર્ષો

વહી રહ્યા.  સોહમને લઈને મમ્મી જ્યારે ઘરે આવી ત્યારે નાચીને ભાઈનું સ્વાગત કર્યું .

         દાદીમા પૌત્રને લાડ કરતા તે શાન દૂરથી જોયા કરતી. જેવી બંનેની નજર મળતી ત્યારે આંગળીને

ઇશારે દોડીને દાદીના ખોળામા લપાઈ જતી.  પપ્પા ઘણીવાર સોહમના વખાણ કરતા ત્યારે મમ્મી શાનની

વાત ચાલુ કરતી. નાના બાળકમા ઈર્ષ્યાના બીજ ન રોપાય તેથી સતત પ્રયત્નશીલ રહેતી .

            સગા વહાલા આવતા અને દેવના દીધેલની તારીફ કરી પુત્રીતો પારકી થાપણ છે. આવી બધી વાતો

સોનમને ગમતી નહી તે તરત શાનને લઈ બીજા ઓરડામા જતી યાતો તેની સાથે રમવામા પડી જતી.

શાનને મમ્મીની રીત પસંદ આવતી પણ ‘દિકરી’ હોવું એ ગુન્હો ન હોય એવા ભાવને નજીક સરવા ન દેતી.

બાળ માનસ સમજી નશક્તું કે છોકરો હોય કે છોકરી બંનેમા તફાવત શું?  શાનને થતું સોહમને પણ બધું જ

મારા જેવુ છે. બે આંખ,બે કાન, બે હાથ , બે પગ , મોઢું વિ. વિ. ખેર વિચારમા ગરકાવ થવાને બદલે રમકડા

રમવમા મશગુલ થઈ જતી.  જે પણ રમત રમતી તેમા તે પારંગત થતી. સોનમની ચકોર આંખો તેની નોંધ

અચૂક લેતી. ઘરકામમા પરોવાયેલી હોય કે સોહમની સાથે, માતાને ભગવાને ચાર આંખ, ચાર હાથ અને ૪૮

કલાકનો દિવસ આપ્યો હોય છે.

       આજે શાન થોડી શાંત લાગી. સોનમ ઘણો પ્રયત્ન કર્યો પણ જવાબ આપતી ન હતી.  શાળામા મૂકવા ગઈ

 ત્યારે રીયાની મમ્મી સાથે વાત કરતા ખબર પડી. નેહાને લોહીમા ગાંઠ પકડાઈ અને દાકતરી તપાસમા ખબર

પડી કે તેને લોહીનું કેન્સર છે.  શાનને વાત એટલીજ સમજાઈ હતી કે નેહા ગંભીર રીતે બિમાર છે.  પાંચ વર્ષની

 શાન ‘મોત’ શબ્દથી અજાણ હોય તે સ્વભાવિક છે.   પાંચ વર્ષની કુમળી વયે શાન ઘણું બધું જાણતી થઈ.

          ધરા પર જ્યારે ડગ માંડ્યા છે જ્યાં એક ઉઠાવીને બીજું કેટલી સાવચેતીથી મુકવું પડે છે તે પાઠ ભણી

રહી હતી. બાળ માનસ મોતનો કરુણ ઘા સહી માતાને ભેટી પડી. આંખમા પ્રશ્ન ડોકિયા કરતો સોનમ નિહાળતી.

જવાબ આપવાની જરૂરત ન જણાતા ‘નેહા ક્યાં ગઈ’ ?  તેનો જવાબ શાનને વહાલથી નવડાવી વિસરાવતી.

શાન પણ વધું પુછવુ ઉચિત ન સમજતા માતાની ગોદની હુંફ માણતા નિંદરરાણી ને શરણે પહોંચી સપનાના દેશની

સહેલગાહે ઉપડી જતી——–

એક ડગ ધરા પર–૪

December 19th, 2009

      વર્ષગાંઠમા મને તો ખૂબ મઝા આવી.  સુંદર સુંદર ભેટ પણ આવી.  મારા મમ્મીએ

મારો ફોટો અને લ્ક્ષ્મીની નાની મૂર્તી બધાને ભેટમા આપી.  કિંતુ મમ્મી, પાપા અને દાદા

દાદી ખૂબ થાકી ગયા હતા.  અચાનક મેં રડવાનું ચાલુ કર્યું.  મમ્મી દોડતી આવી મારા

પારણામા પ્લાસ્ટિકનો ઘુઘરો જે મને વાગતો હતો તે દૂર કર્યો. મારું રડવાનું બંધ થઈ

 ગયું.  ગઈકાલે મમ્મીની ખાસ સહેલી આવી શકી ન હતી તે આજે ખાસ મને રમાડવા

 આવી.  શરૂઆતમા તો બને સહેલી વાતે વળગી પણ થોડીવાર પછી મારા દાદી સૂઈ

 ગયા ત્યારે મમ્મીના કાનમા એક વાત કરી. મારી મમ્મીથી રાડ નિકળી ગઈ.

      મારી ઉંઘ ઉડી ગઈ ને મેં કાન સરવા કર્યા. મમ્મીના માનવામા વાત જ ન

આવી તેતો ગુસ્સાથી કહી રહી હતી, વીની, તે હા કેવી રીતે પાડી. તને ખબર છે

તેં કેવું ભયંકર પગલું ભર્યું.   હું વિચારમા પડી ગઈકે એવું તો વીની માસીએ શું કર્યું

હશે.  ધીરે ધીરે મારાથી  વાતનો દોર પકડાયો. મારું હૈયું ધબકારો ચૂકી ગયું.  બાપરે,

આવું પણ થઈ શકે?

      વાત એમ હતી કે વીની માસીને બે દિકરીઓ હતી.  કુળદીપકની આશાએ  ત્રીજી

 વખત દિવસ ચડ્યા, ને ત્રીજી પણ દિકરી છે તેની જાણ થતા તેનો નિકાલ કરી આવ્યા.

 હું તો ડરની મારી થર થર કાંપતી હતી.  મમ્મી મને વહાલથી પકડી ચૂમી લેતી હતી.

 ખબર નહી તેને મારામાં સ્પંદનનો અનુભવ થયો હશે. 

       આજે મને અહેસાસ થયો કે દિકરી થઈને અવતરે તો આવું પરિણામ પણ ભોગવવું

પડે. જો બે દિકરા હોત અને ત્રીજીવાર પણ દિકરો હોતતો શું તેનું પરિણામ આવું આવત

ખરું?  હજુ તો મારા પગ ધરા પર ટકતા પણ  નથી. ઘણીવાર ચાલતા ચાલતા પડી જવાય

છે.  આ અનુભવે મને હચમચાવી મૂકી. પ્રથમ વાર આવા સમાચાર સાંભળીને મને ‘દિકરી’

છું તેનો અહેસાસ થયો. જો કે હું તો ખૂબ લાલન પાલન પામી રહી હતી.

          નવા રમકડાંથી રમવાની મઝા માણી રહી હતી. અંદરના ડંખને કારણે થોડી ઢીલી

થઈ ગઈ હતી. બહુ વિચાર કરતા આવડતું નહતું. મમ્મીની હાલત પણ જોવા જેવી હતી.

પોતાનો ગભરાટ છુપાવવા મને વારે વારે વહાલ કરતી. મને ખૂબ ગમ્યું.  પપ્પાની પાસે

રાતના એકાંતમા રડી પોતાનું હૈયું હળવું કર્યું. પપ્પાની વાત પરથી લાગ્યું કે તેઓ પણ

નારાજ થયા. ખરેખર મને સુંદર કુટુંબ મળવાનો દિલે ઉમંગ હતો.  વિચારમા માનું દુધ પીતા

પીતા હું ક્યારે સૂઈ ગઈ ખબર પણ ન પડી. સ્વપનામા ચાંદનીની શિતલતા માણી રહી હતી.

ફૂલોથી શણગારેલ ઝુલા પર ઝુલવાની   અને પરીઓની સાથે રમવામા મસ્ત હતી—–

એક ડગ ધરા પર—૩

December 15th, 2009

     મારા આગમને મારી દાદીમાએ જલેબી વહેંચી. હું ખૂબ શુભ પગલાની

  ગણાઈ. સારા નસીબે, મામ્મી અને પપ્પા બંને ને જલેબી ખૂબ જ ભાવે છે.

   અમારામા પહેલી પ્રસુતિ સાસરે જ થાય તેથી મમ્મી મારા દાદીના રાજયમા

   સરસ મજાનું ખાવાનું પામતી. માના સ્તનને વળગી હું સંતોષ પૂર્વક અમીનું

   પાન કરતી. પ્રથમ બાળક તરીકેના બધા લાડ પ્યાર અને કાળજી મને મળી.

   સારા સંસ્કાર પામું તેથી મમ્મી દુધ પીવડાવતી વખતે ભજનની કસેટ સાંભળતી.

   હું ખુબ ભાગ્યશાળી હતી . મને આવું સુંદર કુટુંબ તથા આવા પ્યારા માતાપિતા

   મળ્યા.

         મળવા આવનારની વાતો સાંભળવાની મને મઝા પડતી. એમ ન માનતા કે

  હમણાં જ ધરા પર ડગ માંડ્યું છે તેથી મને શું ખબર પડે. હા, હું માત્ર માતાનું દુધ

 પીંઉ છું. નથી બેસતી કે બોલતી કે ચાલતી. પણ ખાનગી વાત કહું છું મને સમઝ

 બધી પડે છે. મારૂં નામ રાખ્યું “શાન”.  સગા વહાલાની વણઝાર ઉમટતી. જેને

 પહેલે ખોળે દિકરો જોઈતો હોય એવા મને જોઈને નિરાશ થતા. છતાં પણ મારા

 મુખારવિંદની નિર્દોષતા તેમના હૈયાને સ્પર્શી જતી.  ઘરમા મળેલી અનોખી

 સરભરા મારા હૈયાને અડી હતી.  મનમા સરજનહારનો આભાર માનતી કે

 માગ્યા વગર મને કેટલું બધું આપ્યું હતું. 

     દિવસે દિવસે મારી પ્રગતિ સુંદર રીતે થઈ રહી હતી. બેશક તેમાં ભાગ ભજવતો

  હતો, મારી માતાનો પ્યાર અને દાદીની ચીવટ પૂર્વકની કાળજી. સંસ્કારી હોવાને

 નાતે મારી માતા દાદીની રોકટોક મનમા ન લેતાં તેમા રહેલા પ્યાર ને  પિછાનતી.

                    કહેવાય છે કે દિકરી દિવસે ન વધે તેના કરતા રાતે  વધારે વધે. મને

  લાગે છે આ ઉક્તિ મને બરાબર બંધ બેસતી હતી.  જો કે મને સાપનો ભારો નહી

 પણ “લક્ષ્મી” માનવામા આવી હતી. ખરેખર મારા પિતાની ચડતી મારા આગમનથી

  શરૂ થઈ હતી. પણ બધો જશ ખાટું એવી સ્વાર્થી હું નથી.  મારા દાદા દાદીના પ્રતાપે

  મારા પિતા સુંદર વિદ્યા વર્યા હતા.  ભણતર અને વિદ્યાતો જીવનની મૂડી છે નહી કે

  લાખો રૂપિયા.

       માના દુધનો મધુરો સ્વાદ માણતી હું ક્યારે છ મહિનાની થઈ ગઈ ખબર પણ

     ન પડી. બેસતા શિખી અને મને મમ્મીએ ધીરે ધીરે વાટકીથી દુધ પિવડાવવાનું

    શરું કર્યું.  જેથી બાટલી ધોવાની જફામાંથી તેને છૂટકારો મળ્યો.  રમકડાનો તો મારી

   ચારે બાજુ મેળો જામેલો હોય. રંગબેરંગી રમકડા મને ખૂબ આનંદ આપતા. હાથપગ

   ઉલાળી હું મારા આનંદની અભિવ્યક્તિ કરતી.  ધીરે ધીરે દાંત આવ્યા અને પકડીને

   ચાલતી થઈ ગઈ.

         પહેલી વર્ષગાંઠ આવી અને ઘરમા સરસ મજાના ફુગ્ગા દ્વારા સજાવટ કરી.  ચાલો

   ત્યારે તમને આમંત્રણ મળ્યું છે તો આવજો અને મને રમાડવાનો લહાવો લેજો.  હું

   તો કદાચ મારા નિયમિત સમયે સૂઈ પણ ગઈ હોંઉ.  તમે મમ્મી પપ્પાની સાથે

   આનંદ માણજો. મારા નાના નાની અને મામા માસીને પણ મળજો જરૂર——–

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.