Archive for the ‘ટુંકી વાર્તા’ category

એક ડગ ધરા પર—૨

December 10th, 2009

         આજે માતા પિતાની ખુશીનો પાર ન હતો. એક તો હું પ્રથમ બાળક.

   બીજું બંનેને પહેલું સંતાન પુત્રી જોઈતી હતી. થોડીક તેમેના મનમા

   ગડમથલ હતી કે તેઓ બંનેનો વડીલ વર્ગ આ સમાચારને  કેવી રીતે

   વધાવશે.   મમ્મીને ચિંતા હતી તેના પ્રાણ પ્રિય પતિના માબાપની. ઉંઘ

    તેની વેરણ થઈ ગઈ હતી જેથી મને પણ થોડી પરેશાની વેઠવી પડી.

     રાતના સમયે હું શાંતિથી ઉદરમાં પોઢી  મારા સ્વાસ્થ્યના અણુઓ સાથે

      ગેલ કરતી. કિંતુ માની મુંઝવણ મને પણ ડોલાવી ગઈ.

             સવારે નાસ્તાના ટેબલ પર સહુ સાથે બેસીને ચાપાણીની લિજ્જત

      માણી રહ્યા હતા. મમ્મી પ્રોટિનેક્સ વાળું દુધ પીતી હતી. પપ્પા એ ધીરે   

      રહીને વાતનો દોર હાથમા લીધો. ડોક્ટર પાસે ગયા હતા. મમ્મીની તથા

      બાળકીની તબિયત સારી છે. છાપું વાંચતા દાદા અને ચા હલાવતી દાદી

        બંને સાથે બોલી ઉઠ્યા શું આવનાર બાળક ‘લક્ષ્મી” છે. તેઓના આનંદનો

          પાર ન રહ્યો.  દાદા, દાદીને ઘરના આંગણમા દિકરી ને રમતી જોવાની

        અભિલાષા જાણે મેં પૂરી કરી. માનું માથું ચુમ્યું અને તેના ઉદર પર હાથ

         ફેરવી મને સ્પર્શ કર્યાનો આનંદ માણ્યો. હું ભલે આ કશું સમજી શક્તી ન

        હતી. દાદીના સ્પર્શનો આનંદ મારા રોમરોમ પુલકિત કરી ગયા. નાના, નાની

        દિકરી જમાઈની ખુશી એ ખુશી હતા.

                હાશ, મારે હૈયે ટાઢક થઈ. મારું આગમન સહુને રુચ્યું.  હરખ ઘેલી થઈ, ભાન

      ભૂલી હું હાથ પગ હલાવવા મંડી પડી. મમ્મીથી હળવો સિસકારો નિકળી ગયો. મને

      પંપાળી (ઉદર ઉપર હાથ ફેરવી)  શાંત કરી.  ક્યારે નિંદર આવી ગઈ ખબર પણ ન

       રહી. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. કાંઈ આખી જીંદગીતો મા મને રાખવાની

       ન હતી. પછી તે હું હોંઉકે આવનાર બાળક ‘દેવનો દીધેલ’ હોય. માતા પિતાને એક

        સરખું કષ્ટ સહન કરવાનું હોય છે.  એ જ સનાતન સત્ય છે.  બાળકની  પરવરિશમાં

        પણ સમાન મહેનત તેમને પડે છે. નવ મહિના જોતજોતામા પૂરા થયા.  હવે મારે

         ધરતી પર પગરણ માંડવાનો સમય પાકી ગયો. માતા પિતાના પ્યારભર્યા અહેસાસમા

          મેં વિચાર્યું ‘હું મમ્મીને ઓછી તકલિફ આપીશ’. બને ત્યાં સુધી કુદરતી રીતે બહાર આવી

           સ્વતંત્રતા પૂર્વક શ્વાસ લઈશ. હા, જે દર્દ માને થશે તેનો તો મારી પાસે કોઈ ઉપાય નથી.

         એ તો તે સહન કરશે.  

               ટેબલ ઉપર ઓજારોનો રણકાર સાંભળી હું તૈયાર થઈ ગઈ. ચાલ, જીવ આ અંધારી

       સુંવાળી ઓરડીમાંથી બહાર નિકળ, રડીને જગને તારા આગમનની જાણ કર. માતા સાથે

       તું જે ‘નાળ’થી જોડાઇ છે તેનાથી વિખૂટા પડવાનો સમય પાકી ગયો છે. હવે તું માતા પિતા

       સાથે લોહીના અને લાગણીના બંધનથી બંધાઈશ.  સરજનહારે તારા લલાટે જેટલા વર્ષ,

       મહિના, દિવસ, કલાક અને ક્ષણ લખી હશે તે ધરા પર ભોગવવા તૈયાર થઈ જા. મારા

     રડવાનો અવાજ સાંભળીને માતાના મુખ પર ખુશીની લહેર દોડી ગઈ. મને પ્રથમ વાર

     ગોદમા લીધીને તેનું સઘળું દર્દ ગાયબ.  આવી ગઈ હું આ ધરા પર——

એક ડગ ધરા પર

December 8th, 2009

        હજુ તો મારું અસ્તિત્વ ખૂબ જ નાજુક છે. જનનીના જઠરે પળ પહેલાં

   મેં જીવન પ્રાપ્ત કર્યું. આ અંધારી કોટડીમાં નવ માસ ગાળીશ.  પરમ શાંતિ

  નો પહેલો અનુભવ. ભલે ને સૂર્યનું પ્રથમ કિરણ મને દૃષ્ટિ ગોચર નથી થતું,

   કશો વાંધો નહી.  ખૂબ જતન પૂર્વક મારું લાલન પાલન થાય છે. મારી ખુશીનો

    પાર નથી. મારા માતા અને પિતા બંને ખુશ છે.  સમાજ, નાના, નાની, દાદા કે

     દાદીના પ્ર્ત્યાભાવ મને ખબર નથી.

               હજુ કોઈને ખબર નથી કે ઉદરે પોષાઈ રહેલું પારેવડું દિકરો છે કે

     દિકરી. માત્ર મને જ જાણ છે કે હું ‘લક્ષ્મી’ છું. તે સહુનો આનંદ મને ખૂબ

    શાંતિ તથા ઉત્સાહ પ્રેરે છે. ધીરે ધીરે મારો વિકાસ થઈ રહ્યો છે.  મારી માતા

    ખૂબ સંસ્કારી તથા કુશળ હોવાને કારણે મને સુંદર ભોજન દ્વારા તંદુરસ્તી

    તથા સારા વિચારોનું પોષણ મળી રહ્યું છે.  સમય તો પાણીના રેલાની જેમ

     વહી રહ્યો છે. મારી પ્રગતિ ખૂબ સંતોષકારક જણાઈ રહી છે.  પ્રથમ બાળક

      હોવાને નાતે મારી જનનીને થોડી ઘણી તકલિફ આપી રહી છું . તે આ દર્દને

     પ્રેમ પૂર્વક માણી રહી છે.  મારા માતા તથા પિતાના પ્રેમની હું નિશાની છું.

                   અનૂકૂળ સમય પાકી ગયો. આજે ડોક્ટર માને તપાસી પ્રથમ વાર તેને

    જાણ કરશે કે આવનાર બાળક ‘દિકરી’ છે. મને ગભરામણ થય છે. મને ખબર નથી

    માતા તથા પિતા ને શું અનુભવ થશે? બરાબર તબિયત ની તપાસ થઈ ગઈ.  પડદા

    ઉપર મારી ફરતી તસ્વિર નિહાળી માના અંગ અંગમાં રોમાંચ થયો.  તે સ્પંદનો મને

   બહુ ગમ્યા.  આજે તો પિતા પણ સાથે આવ્યા હતા. રહસ્ય છતું થવાનું હતું.  બંને જણા

    હાથમાં હાથ પરોવી ઇંતજારની ઘડીઓ ગણી રહ્યા હતા.  પ્રથમ પ્યારની, પ્રથમ મહેક

    સમાચાર સાંભળીને તેમની ખુશીનો પાર ન રહ્યો. ઉદરમાં મને પણ અતિ આનંદનો

    અહેસાસ માણવા મળ્યો. હવે તો રાહ જોતી હતિ કે ક્યારે નવ માસ પૂરા કરી મારું

   અવતરણ ધરતી પર થાય.

             ક્યારે અમ્રૂત સમુ માના દુધનું પાન કરું?  ક્યારે તેની અંગુલીઓ મારા મસ્તક

   પર પ્રેમ પૂર્વક પસારે.  ક્યારે મારા પિતા મને હાથમા લઈ ગૌરવભેર નિહાળે. ક્યારે

   બને જણા વચ્ચે મીઠો વિવાદ થાય કે હું કોના જેવી દેખાઉ છું.   હજુ તો સારો એવો

   સમય માતાના ઉદરે પોઢવાનો છે.  તેને ઉદરમા હિલચાલ દ્વારા આનંદની અનુભૂતિ

    કરાવવાની છે.  જ્યારે મારા પગની હિલચાલ દ્વારા તેના મુખમાંથી સરી પડતી ‘ઓય

    મા’ના ઉદગાર સાંભળવાના છે. મારા પિતા જ્યારે માના પેટ ઉપર કાન મૂકી, મારો

    અનુભવ કરે છે તે ધન્ય ક્ષણને મારે હૈયે જડવાની છે. 

    

      આરંભનો રસાસ્વાદ માણો———–

ત્રિવેણી સંગમ

November 26th, 2009

         અંજની, રંજન અને મંજરી સાથે કોલેજમાં ભણતા હતા. ત્રણેય સખીઓ શાળા કાળથી

સાથે હતી. હવે કોલેજમાં પણ . સુહાના એ દિવસો આમ ઝડપથી અને આમ જોઈએ તો ધીરે

ધીરે સરી રહ્યા હતા. ઝડપથી એટલા માટે કે કોલેજના ચાર વર્ષ પૂરા થઈ ગયા. હવે શું? તો

કહે કે મૂરતિયા જોવાના. મન પસંદ મળે તો લગ્નની બેડીમાં જકડાઈ ને આઝાદી ગુમાવવાની.

             ધીરે એટલે લાગે કે પરિક્ષા પછી પરિણામ આવે ત્યાં સુધીમા ધિરજ ખૂટી જતી. દિવસો

ગણતા હોઈએ. નવરાશના સમયે સિનેમા ભેગા થતા. શું એ દિવસો હતા. આજે યાદ કરીને તેમાં

ડૂબકી લગાવવાની પણ મઝા આવે.  એવામા ‘તીન દેવીયા” સિનેમા રોક્સી સિનેમા ગૃહમા આવ્યું.

અમે ત્રણે સાથે જોવા ગયા.     તીન દેવીયા, તીન દેવીયા જોવા નિસરી.

      મંજરી બાળપણની યાદમાં મશગુલ આરામ ખુરશીમા બેસી વિચારોમા ખોવાઈ ગઈ હતી. તેને

ભાન પણ ન રહ્યું કે ક્યારે દબાતે પગલે મિલન આવ્યો અને તેને એકીટશે નિહાળી રહ્યો હતો.  વર્ષોના

વહાણાં વાઈ ગયા છતાંય મંજરી અને મિલન એકબીજામાં ગુલતાન રહેતા.  બાળકો મોટા થઈ ગયા,

પરણ્યા , પાંખો આવી વિદેશની ધરતી પર જઈ વસ્યા. નસીબ સારું હતું કે તેમનો સંસાર વ્યવસ્થિત

પણે ચાલતો  હતો.  નાના નાના ભૂલકાંઓથી ઘર ભર્યું ભર્યું થયું હતું.

                રંજન અને રજની નો સંસાર સુખી હતો. માત્ર શેર માટીની ખોટ હતી. રંજન હંમેશા અનાથ આશ્રમ

જઈ સમય પસાર કરતી. રજની ધંધામા ગળાડૂબ હોવાને કારણે વ્યસ્ત રહેતો. જરૂરિયાતવાળા બાળકોની

ભણવાની સવલત પૂરી પાડવામા રંજન કદી પાછી ન પડતી. રંજનને ખુશ જોઈ રજની ખુશ થતો. આ એ

જમાનાની વાત છે જ્યારે ‘છૂટાછેડા’  શબ્દ પ્રચલિત ન હતો. દિકરી સાસરામા જઈને સમાતી. માબાપનું નામ

ઉજાળતી.

   અંજની અને અનુપમ બંને ડોકટર હતા. માબાપની સતત પ્રવૃત્તિ વાળી જીંદગી જોઈ બાળકો ડોક્ટર થવાની

વિરૂધ્ધમા હતા. એકે એમ.બી.એ. કર્યું અને બીજો ગયો ફિલ્મ લાઈનમાં. હા, પૈસે ટકે ખૂબ સુખી હતા. સારા સંસ્કારને

કારણે કોઈ ઘાલમેલ અંજની તથા અનુપમ કરતા નહી.

     ત્રણેય ખાસ બહેનણીઓ હિંદુસ્તાનના ત્રણ ખૂણાઓમાં વસી હતી.  હા, અવારનવાર મળવાનું થતું.  કિંતુ પરિવારની

સાથે મળવું લગભગ અશક્ય હતું. મંજરી મિલનનો પરિવાર અમેરિકાથી આવી રહ્યો હતો. રંજન અને રજની એક

બાળકો માટેની સંસ્થા શરૂ કરવાની પેરવીમાં પરોવાયા હતા. અંજની અને અનુપમને આ વાતની ખબર પડી.

          અંજનીએ તકનો લાભ લેવાનું વિચાર્યું. એણે મંજરીને ઈ મેઈલ કરી કે તારા બાળકો આવે છે. ચાલો આપણે

બધા રંજન અને રજનીનું સપનું સાકાર થતુ નિહાળીએ. આમ પણ દશેરાનો દિવસ છે. અમારું દવાખાનું ત્રણ

દિવસ બંધ છે. મારા બાળકો પણ અમારી ખૂબ ઈજ્જત કરે છે. પૌત્ર અને પૌત્રીઓને દિલ્હી તથા તાજમહાલ

જોવાને બહાને સાથે લાવી શકીશું. રંજન તથા રજાનીને આશ્ચર્યમા ગરકાવ કરી દઈએ.

     ઈશ્વર કૃપાએ બધું સરસ રીતે ગોઠવાઈ ગયું. અંજની, અનુપમનો પરિવાર અને મંજરી મિલન બાળકો સહિત

દિલ્હી પાલમ વિમાનઘર પર ભેગા થયા.  ગંગા અને જમુનાના પવિત્ર મિલન જેવો સુંદર શંભુમેળો ભેગો થયો.

               બધા હોટલ પર ગયા. સરસ મજાના નાહી ધોઈ નાસ્તા માટે ભેગા થયા. એક બીજાનો પરિચય વિધી

ચાલ્યો.  અંજની અને મંજરીતો આનંદભેર સુહાનું દૃશ્ય નિરખી રહ્યા. જીંદગીની રફતાર ક્યાંથી ક્યાં લઈ આવી!

આવતીકાલે સંસ્થાનું ઉદઘાટન હતું. આજેતો જાણે વાતોનો ઉદધિ ઉમટ્યો હતો. બાળકો તેમની વાતોમા, જુવાનિયા

તેમની ચર્ચામા અને વડીલો તો ભાવભર્યા દર્શનમા મશગુલ હતા.

         દશેરાના દિવસની સવાર પડી સહુ તૈયાર થયા. મોટી ગાડી ભાડે કરી હતી.  રંજન તથા રજની આ બધાથી

અજાણ હતા. ગાડી સંસ્થાના આંગણમા આવીને ઉભી રહી. પૂજા વિધિ ચાલુ હતી. પાછલી હરોળમા જઈને સહુ

ગોઠવાયા. રજની ઉધ્યોગપતિ હતો. રંજનનું નામ પણ સમાજમા આદરપૂર્વક લેવાતું.  પૂજા સમાપ્ત થઈ અને

બને ઉઠ્યા. અચાનક રંજનનું ધ્યાન મંજરી અને અંજની વાત કરતા હતા તેના પર ગયું . એક પળતો તે માની

પણ ન શકી. પછી ધીરેથી રજની ને કહે ‘જો તો મને સ્વપનું તો નથી આવ્યું ને?’    રજનીએ પણ સમર્થન આપ્યું.

બંને જણા પાછળની કતારમા ગયા અને જુએ છેતો વાહ, બને સહેલીઓ પરિવાર સહિત, તેમની ખુશીના પ્રસંગ

વખતે આવી પહોંચ્યા હતા. મંજરી અને અંજની તેમના પતિદેવો સાથે આવે તેતો માની શકાય. કિંતુ ઈશ્વરે જેમેને

શેર માટીની ખોટ આપી હતી. ત્યારે બહેનપણીઓ તેમના બાળકો તથા પૌત્ર અને પૌત્રીઓની સાથે આવ્યા.

       રંજન અને રજની ગદગદ થઈ ગયા. બાળકો મોટા હતા સુખી હતા. સારા એવા પૈસા સંસ્થાને આપી ‘સોનામા

સુગંધ’ ભેળવી . પ્રસંગને ચાર ચાંદ લગાવ્યો. રંજન, મંજરી અને અંજનીનો ત્રિવેણી સંગમ દિલમા હરખાઈ ઉઠ્યો.

બાળપણની પ્રિત કેવી સરસ રીતે ફૂલીફાલી હતી તેને ધન્યતા પૂર્વક નિરખી રહ્યા.

વંદન તેને

September 18th, 2009

   કોલેજની પદવી પ્રાપ્ત કરી તે ૨૧ વર્ષનો જુવાન “યોગ” વીશે ભણવા

પ્રશાંતિ કુટિરમા આવ્યો હતો.  ભારતમા રહેવું ,ભરતના ભિન્ન ભિન્ન રાજ્યોના

યુવકોનો સંગ માણવો એ એક લહાવો છે.  કુદરતની મહેર વરસી અને તે

લહાવો મેં એક વર્ષ માણ્યો. આજે પણ આંખ બંધ કરું ને હું બેંગ્લોર પહોંચી

જાઉં છું.

           વિરલ તેનું નામ, ગુજરાત તેનું ગામ. માસ્ટર્સ યોગમા ભણી તેને પોતાની

કારકિર્દી બનાવવી હતી. ખુબ જ સોહામણો યુવાન, તેની સાથે વાત કરવાની મને

ખૂબ મજા આવતી. ભણવામા ખૂબ હોંશિયાર હતો. કિંતુ  ગુજરાતમા, ગુજરાતીમા

ભણ્યો હતો તેથી થોડી તકલીફ પડતી હતી. જ્યારે પણ તે ગુમસુમ દેખાય ત્યારે

તેની સાથે વાત કરી તેને હસાવવાનો મારો પ્રયત્ન રહેતો.

       આન્ટી, મારા મમ્મીને  જરા ઠીક નથી. મેં તેને પ્રેમથી પાસે બેસાડ્યો. ખબર

પૂછ્યા. કહે મારા મમ્મી છેલ્લા ૨૦ વર્ષથી નોકરી કરે છે. પપ્પા પણ નાનો ધંધો

કરે છે.  અમે બે ભાઈ છીએ નાનો ભાઈ મારાથી ૪ વર્ષ નાનો છે. આન્ટી ‘હું ક્યારે

ભણી રહીશ જેવો કમાવા માડીશ કે મારી મમ્મીને કહીશ ,’મા હવે તું આરામ કર.’

હું માસ્ટર્સનું ભણ્યો હવે સારા પૈસા કમાઈશ તારે નોકરી કરવાની જરૂર નથી.’ તારો

મોટો દિકરો કમાતો થઈ ગયો છે.

       આ શબ્દો ભારતમા રહેતા ભારતિય યુવાનના જ હોઈ શકે——. મારું  મસ્તક

તેને વંદન કરતું નમી પડ્યું.

તને શું કહું?

September 10th, 2009

           આજે મકાનમાં કોઈ નવું રહેવા માટે આવવાનું છે. શિરીષના અવસાન પછી

આવડું મોટું ઘર ખાવા આવતું. સ્નેહ વિચારતી કોઈ કોલેજમા જતા વિદ્યાર્થીને ઘરમા

રાખું તો મને સથવારો પણ રહે. બંને બાળકો અમેરિકા રહેતા હતા. દિકરીઓતો સાસરે

જ શોભે એ યુક્તિમા તેને ગળા સુધીનો વિશ્વાસ હતો.

       સારિકા અને શિતલ સુખચેનથી પોતાના પરિવાર સાથે મિલવોકીમા રહેતા. બંને

બહેનો નજદીક હતી તેથી સ્નેહને ખૂબ સારુ લાગતું. નવી આવનાર પણ છોકરી હતી.

 નામ હતું અનુજા. ત્રણ વર્ષ રેસીડન્સીના કરવાના હતા. તેને બરાબર સરનામું આપ્યું

હતું ગાડી બપોરે એક વાગે દિલ્હીથી આવવાની હતી. સ્ટેશનથી ઘરે આવતા કલાક તો

સહજ નિકળી જાય. વરલી દરિયા કિનારે બંગલો અને તેની કોલેજ દાદરમા. અનુજા માટે

અનુકૂળ જગ્યા હતી. સ્નેહ વરંડામા આંટા મારી રહી હતી.  જસુ પણ કામકાજમાંથી પરવારી

જરા આડે પડખે થઈ હતી. રસોઈ થઈ ગઈ હતી. અનુજા આવે મુસાફરીનો થાક ઉતારે પછી

સાથે જમવાનું નક્કી કર્યું હતું.

      સ્નેહ વિચારે ચઢી ગઈ. કદી કોઈ દિવસ ઘરમાં કોઈને ભાડે રાખ્યા ન હતા. પૈસાની

અછત ન હતી. છતાંય જો બે પૈસા મળે તો એમા ખોટું શું હતું. મનથી નક્કી કર્યું હતું,

ભાડાના જે પણ પૈસા આવશે તેનાથી બને એટલા વિદ્યાર્થીને   સહાય કરીશ. ઠાકોરજીની

દયાથી પૈસાની બાબતની તેને ચીંતા ન હતી.  જીંદગીમા અજાણ્યાને પણ હાની ન પહોંચે

તેનો ખ્યાલ રાખનાર સ્નેહ બેચેન હતી. અનુજા સાથે સુંદર વ્યવહાર, તેના ગમા અણગમા

પ્રત્યેના ખ્યાલમા ગરકાવ થઈ ગઈ.  ત્રણ વર્ષનો સમય તેને માટે અગત્યનો હતો.

              ભલેને ઘરમા જસુ હતી. કામ કરવા માટે અલગ માણસ પણ હતો. કિંતુ અનુજા

નવી આંગતુક એક આગવું સ્થાન ધરાવતી હતી.  એટલામા ઘંટડી વાગી. સ્નેહ જાતે

બારણું ખોલવા ગઈ. રૂપરૂપના અંબાર જોઈને બારણામા ખોડાઈ ગઈ. અનુજા ખૂબ

સુંદર હતી. સ્તબ્ધ બનેલી સ્નેહ તેને આવકાર આપવો પણ વિસરી ગઈ. આંખોથી

તેનું દર્શન કરી રહી. અનુજા ના પણ એવાજ હાલ હતા. પ્રેમાળ પતિ અને વહાલસોયા

સાસુ ,સસરાને છોડી આગળનો અભ્યાસ કરવા આવી હતી. બંને જણા જાણે નિંદરથી

જાગ્યા હોય તેમ હસી પડ્યા. સ્નેહે લાગણીઓને અંકુશમા કરી, મીઠો આવકાર આપી

અનુજાને ઘરમા આમંત્રી. બણે જણ સોફા પર ગોઠવાયા. જસુ ઠંડુ પાણી લઈને દાખલ

થઈ.  તેને ન્યાય આપતા પાછા વાતે વળગ્યા. અનુજા દિલ્હીની તેથી હિંદીમા વાતનો

દોર સંધાયો.  રાષ્ટ્ર્ભાષાની પ્રેમી સ્નેહને તો ઔર આનંદ આવ્યો.

        જમી કરીને અનુજા આરામ કરવા ગઈ. તેના આનંદનો પાર ન હતો. તે અસંજસમા

હતી કે મુંબઈ નગરીમાં તેને શું મળશે. કહેવાય છે કે મુંબઈમા ‘રોટલો મળવો સહેલો છે

ઓટલો મળવો અઘરો’. કુટુંબ છોડીને આવી હતી, મુસાફરીનો થાક. આંખ ક્યારે મિંચાઈ

ગઈ તેનું પણ તેને ભાન ન રહ્યું. પાંચવાગે જસુ ચા લઈને આવી ત્યારે તે ઉઠી. બીજા

દિવસથી હોસ્પિટલમા જવાનું ચાલુ કરવાનું હતું. સ્નેહે પહેલો દિવસ હતો તેથી ડ્રાઈવરને

સુચના આપી મોકલ્યો. અનુજાને ખૂબ આનંદ થયો. કહે આંન્ટી તમે કેટલા સારા છો. હું

તમને ઓછામા ઓછી તકલીફ આપીશ. આમને આમ દિવસો વિતતા રહ્યા.

        રવીવારનો દિવસ હતો, સ્નેહ ચાના ટેબલ ઉપર અનુજાના આવવાની રાહ જોતા

છાપામાના સમાચાર વાંચવામા તલ્લીન હતી. ત્યાં અનુજા આવી, દુલ્હનની જેમ તૈયાર

થઈને, આન્ટીને પગે લાગી, સુંદર સાડી તથા પૈસાનું કવર આન્ટીના ખોળામા ધર્યું. અનુજા

કઈ સમજે યા બોલે તે પહેલા તે રણકી ઉઠી , આન્ટી, आज करवांचौथका त्योहार है, मेरी

मा या सास नही है. दोनो दिल्हीमें और मैं यहां आपके पास.. आप मुझे आशिर्वाद दीजए. 

અનુજા આ ધન્ય પળ માણી રહી. અનુજાને અંતરના આશિર્વાદ આપ્યા. પ્રેમથી ગળે લગાવી.

ઉભી થઈ કબાટમાંથી શિતલ માટે લાવેલા ઝુમખા અનુજાને પહેરાવ્યા.

      ગુજરાતીઓમા આ તહેવાર યા રિવાજ હોતો નથી.  અનુજાને તો આજે ઉપવાસ હતો. સાંજે

ચાંદો નિકળશે ,તેના દર્શન કરશે પછી જમશે. જસુને સરસ વાનગી બનાવવાની સૂચના આપી.

આજે સ્નેહનો આનંદ સમાતો ન હતો, પતિ તથા બંને દિકરીઓની યાદમા ખોવાઈ ગઈ. મનમાં

ગણગણી ઉઠી અનુજા બેટા મને આટલો સુંદર અવસર સાંપડ્યો “તને શું કહું?———-

યાદ છે ખરું?

September 1st, 2009

   સવારનો સમય હતો. સૂરજ વિચારી રહ્યો હતો કે આભે ઘુમવા નિકળું કે નહી?

હા, પણ વિચારમાં ગરકાવ હોવા છતાં, આભ તો લાલ ચટાક જણાતું હતું. પેલો

કૂકડો ક્યારનો સંગીતના આલાપ છેડી રહ્યો હતો. પક્ષીઓ અંહી તહી ઉડી ચણની

શોધમાં ગગને વિહરી રહ્યા હતા. બાળકોની ચીંતા તેમને પણ હોયતો ખરીને?

           સૂરજ ભલે વહેલો મોડો નિકળે, સાડા છના ટકોરે નિમ્મીને ઉઠયા વગર ન

     ચાલે. બે બાળકોને તૈયાર કરવાના, તેમને નાસ્તામા શું આપવું તેની તૈયારી

   કરવાની. પતિદેવની તથા પોતાની સરસ મસાલાવાળી ચા બનાવી સાથે બેસી

  તેની લિજ્જત માણવી. આ તેનો નિત્ય ક્રમ હતો. બધા વિદાય થાય પછી પ્રાતઃ-

  કર્મ પતાવી માત્ર દિવસના પાંચ કલાક નોકરી પર પોતે જતી.

            કામકાજમા ચોકસાઈ જાળવતી તેથી, તેને ધમાલ ન રહેતી. આજે સવારે,

  નિશા ઉઠી રડતી હતી. નિમ્મી , વિચારમા પડી ગઈ શું થયું? શું કોઈ ખરાબ

  સ્વપનું આવ્યું કે તેની પ્રેમાળ દિકરી ડરી ગઈ. દોડીને તેની પાસે પહોંચી ગઈ.

  નિશા હિબકાં લઈને રડતી હતી. કેમે કરી શાંત ન થાય . નિમ્મી પૂછીને થાકી

  પણ જવાબ આપે તે બીજા. બધુંજ કામકાજ ડહોળાઈ ગયું. નિશાએ તેને પડતી

   મૂકીને તેના શાળાના કપડાં કાઢવા લાગી. શાળાએ લઈ જવાનું દફ્તર શોધી

    રહી. તે જોઈ નિશાએ મોટેથી ભેંકડો મૂક્યો. નિશાને થયું જે વિચાર તેના મનમાં

   છે, તે સાચો છે. ધીરે રહીને નિશાને પૂછ્યું બેટા દફ્તર નથી મળતું. નિશાએ દસ

   શેરની મુંડી હલાવી.

         ધીરે રહીને વાત કઢાવી, ગઈ કાલે શાળાએથી ઘરે આવતા રસ્તામા બહેનપણી

  સાથે પગથિયા રમવા રોકાઈ હતી. રમત પછી ઘરે આવતા દફ્તર લેવાનું ભૂલી ગઈ.

   નિમ્મી ગુસ્સે થવાને બદલે જોરથી હસી પડી. બીજા રુમમા તૈયાર થતો નયન દોડીને

    આવ્યો. નિમ્મી શું વાત છે સવારના પહોરમા તું તો હંમેશા કામમા જ વ્યસ્ત હોય છે.

   આજે આ હું આવું સુંદર દ્રશ્ય કેવી રીતે નિહાળી રહ્યો છું. નિશાને માટે મમ્મીનું આ વર્તન

  કળવું અશક્ય હતું. રડવાનું પણ ભૂલી ગઈ. એટલામાં નીર પણ બાથરુમમાંથી ટુવાલ

  વીંટાળી દોડી આવ્યો.

           નિમ્મી બધાને લઈને ડાઈનીંગ ટેબલ પર ગઈ અને વાતનો ઘટોસ્ફોટ કરવા બેઠી,

   નિશાની વાત કરીને પછી કહે ‘ હું જ્યારે ચોથા ધોરણમા હતી ત્યારે આ જ રીતે મારું

  દફ્તર ભૂલીને ઘરે ગઈ હતી.’ મારા પિતાજી તે દિવસે દુકાને મોડા ગયા મને નવું

 દફ્તર અપાવી શાળાએ મૂકવા આવ્યા હતા.”

          આજે નિશાની વાત સાંભળી મને મારું બાળપણ——————-

સાવ સાચી વાત

August 17th, 2009

     સવારથી મન બેચેન હતું. કોઈ ખોટા વિચારોમા મગજ અટવાયું પણ ન હતું.

છતાં દિલમાં બેચેની હતી. બાળકો તો બંને કોલેજમાં હતા તેથી ઘરમાં હતા

હુતો અને હુતી બે જણ . તેમાંય વરજી ગયા હતા ધંધાના કામકાજે ન્યુયોર્ક

તેથી એકલતા પણ સાલતી હતી. બંને બાળકો સાથે થોડી વાર વાત કરી.

તેમની પરીક્ષા હતી તેથી બહુ સમય ન બગાડ્યો.

        હર્મોનિયમ પર થોડી વાર રિયાઝ કર્યો. ઠાકોરજી પર લખેલાં નવા કિર્તન

ગાયા. મન ને કહ્યું ચાલ કાંઈ ખરીદી કરવા નિકળું.  ગરાજમાંથી ગાડી કાઢીને

સીધી ઉપડી મેસીઝ માં. આવતે અઠવાડિયે જન્મદિન નિમિત્તની પાર્ટીમાં જવાનું

હતું. અવિ કહીને ગયા હતાકે નવો સરસ મઝાનો ડ્રેસ ખરીદી લાવજે.  હું એક સરસ

મઝાનો ડ્રેસ લઈને ફિટિંગ રૂમમાં ગઈ.  બહાર આવીને પૈસા આપવા જતી હતી

ત્યાં કોઈ અજાણી સુંદર છોકરી આવીને મને કહે માફ કરજો આન્ટી તમે મને

ઓળખતા નથી પણ જો હું ભૂલ ન કરતી હોંઉ તો તમારું નામ પન્ના છે?  હવે

અચંબો પામવાનો વારો મારો હતો. મેં મસ્તક હલાવી ને કહ્યું ‘હા’. હજુ તો હું

મારા મગજને કસરત આપતી હતી કે આવી સુંદર છોકરીને હું ક્યાં મળી હતી.

ત્યાં તો બીજો પ્રશ્ન આવ્યો, આન્ટી તમે ફેલોશિપ સ્કૂલમાં ભણતા હતા?  હવે

મારા વિસ્મયનો પાર ન રહ્યો. મેં માથૂં ધુણાવીને હા પાડી.

            મને તે છોકરીમા રસ પડ્યો. હશે માંડ ૨૫ થી ૩૦ વર્ષની. પૈસા આપવાનું

મુલતવી રાખી હું તેની સાથે વાતે વળગી. આમ પણ મારે ઘરે કાંઈ કામ હતું નહી.

અમે બંને જણા એક ખૂણામા જઈને વાતે વળગ્યા. મેં કહ્યું બેટા મને યાદ નથી આપણે

ક્યાં અને ક્યારે મળ્યા હતા?  નિશા કહે આપણે આજે પહેલી વાર જ મળીએ છીએ. તો

પછી તું મારી બાબત માં નામ ,શાળાનું નામ સઘળી વિગતથી કેવી રીતે માહિતગાર છે?

નિશા કહે એ એક એવો કોયડો છે હું કહીશ તો તમે સાચું માનવાનો ઇન્કાર કરશો. હવે તો

જાણે હદ થઈ ગઈ. મેં કહ્યું મારી પાસે સમય છે જો તને વાંધો ન હોય તો મને વિગતે કહે.

 નિશાએ ફોડ પાડ્યો.

           આન્ટી હું પણ ફેલોશિપની છું જ્યારે તમે એસ.એસ. સી. માં હતા ત્યારે આપણી

ફેલોશીપમા  ‘બેબી ડ્રેસીંગની’ હરિફાઈ થઈ હતી. ઓ બાપરે મારી બાળપણની યાદ શક્તિ

સારી હોવાને કારણે મેં કહ્યું હા, એ વર્ષે સ્પોર્ટ થયો હતો અને હું ૩ રેસમાં જીતી હતી.  નિશા

કહે આન્ટી એ તો મને ખબર નથી પણ તમે બેબી ડ્રેસીંગની હરિફાઈમાં જીત્યા હતા. મેં કહ્યું

હા મને બીજું ઈનામ મળ્યું હતું.  મારી બેબી અલમસ્ત હતી તેથી તેને તૈયાર કરીને ઉંચકીને

 દોડવામા હું બીજે નંબરે આવી હતી. હવે તેણે ઘટોસ્ફોટ કર્યો’ આન્ટી તે બેબી હું હતી.’

             હું તો કાપોતો લોહી ન નિકળે એવી હાલતમાં તેની સામે ટગર ટગર જોઈ રહી.

પણ બેટા તેં મને ઓળખી કેવી રીતે. અરે આન્ટી, ફેલોશીપ સ્કૂલના આલ્બમમાં તમારો

અને મારો ફોટો છે. હું તો તે વર્ષે મેટ્રિક પાસ થઈને વિલ્સન કોલેજમાં ભણવા જતી રહી

હતી.  B.A. પાસ થઈ , ગવર્મેન્ટ લો કોલેજમાં એક વર્ષ ભણીને  લગ્ન કર્યા અને અમેરિકા

આવીને સ્થાયી થઈ.

        આજે આટલા વર્ષે આવી રીતે નિશા સાથે મુલાકાત થશે એવો તો સ્વપ્ને પણ વિચાર

ન આવે.  નિશા ઉનાળાની રજામાં પતિ સાથે ફરવા આવી હતી.  હ્યુસ્ટનમાં તેના નણંદ રહેતા

હતા.  તેની પાસેથી ફોન નંબર લીધો.  ખરીદી કરીને ઘરે ગઈ. બીજા દિવસે અવિ પાછા આવી

ગયા હતા. તેમને વાત કરી શનિવારે નિશા, તેના પતિ અને નણંદના કુટુંબને ઘરે જમવા તેડ્યા.

ફેલોશિપની વાત કરી હસી મઝાક કરી સહુ મોડેથી છૂટા પડ્યા.

          વાચક મિત્રો તમે માનો યા ન માનો આ સાવ સાચી વાત —————–

રક્ષાબંધન

August 2nd, 2009

      આખું વર્ષ રાહ જોવડાવીને, થકવીને જ્યારે આ દિવસ આવતો ત્યારે પૂજાની

ખુશીનો સમુદ્ર હિલોળા લેતો. પૂજાને એક ભાઈ જે તેના કરતા સાત વર્ષ નાનો હતો.

પૂજાને તે ખૂબ પ્યારો. સૂતરના તાંતણાની રાખડીના તાર ગણી શકાય, આભલાના

તારા ગણી શકાય અરે પૂજાના સુંદર વાળની સેરો ગણી શકાય પણ પૂજાનો તેના

ભાઈ માટેનો પ્યાર કળવો મુશ્કેલ. પૂજાના માતા અને પિતા ભાઈ બહેનની જોડી

 જોઈ ખૂબ હરખાતા. પૂજા ભાઈના ઉછેરથી માડી ભણવાની પ્રવત્તિ નું ખૂબ

ચોકસાઈથી ધ્યાન રાખતી.

   રક્ષાબંધનના દિવસે તેને નવા કપડાં પહેરાવતી, લલાટે સુંદર તિલક કરતી

પાટલા પર બેસાડી તેની પૂજા કરી આરતી ઉતારી રાખડી તેની જમણી કલાઈ

પર બાંધતી. પાવન પણ પોતાની દીદીને ખૂબ ચાહતો હતો. ભાઈ બહેનનો નિર્મળ

 પ્રેમ દિવસ રાત પાંગરતો.

          વર્ષો વીતી ગયા પૂજાના લગ્ન લેવાયા અને પૂજા પ્રેમલને પરણી અમેરિકા

ગઈ.  સમયસર રાખડી મોકલતી, ફોન કરતી. પણ બચપનના એ દિવસો ભૂલી ન

શકતી. બે વર્ષ પછી પ્રેમલના નાના ભઈના લગ્નમા આવ્યા ત્યારે રક્ષાબંધનનો

 તહેવાર થોડો વહેલો મનાવીને પાછી ગઈ. પાવન પણ દીદીને હાથે રક્ષા બંધાવી

ખુશ થયો.

      પાવન એન્જીનિયર થઈ ગયો. મામો પણ બની ગયો. આગળ ભણવા અમેરિકા

આવવું હતું . જરા પણ મુશ્કેલી ન હતી. દીદી હતી ને. પૂજા તો ખુશ ખુશાલ થઈ ગઈ.

મમ્મી અને પાપાને નિરાંત થઈ. પાવને એમ.બી.એ. કર્યું. રજાઓમા અમેરિકા ફરવાની

મઝા માણી. ૨૫ વર્ષથી વધારે તેની ઉંમર હતી.  જ્યારે તે લાસવેગાસ ગયો ત્યારે નશીલી

હાલતમા બ્રીન્ડા ને મળ્યો. ખબર નહી શું પીધું હતું. આગળ પાછળનો કોઈ પણ વિચાર

કર્યા વગર તેને પરણીને પાછો આવ્યો.   

  પૂજાતો આશ્ચર્યમા ગરકાવ થઈ ગઈ. કાપો તો લોહી ન નિકળે. જો પ્રેમલે તેને પ્રેમથી

સંભાળી ન હોત તો પાગલ થવાની અણી પર આવી ગઈ હતી. પાવને, બ્રીન્ડાને પોતાની

 બહેનના પ્યારથી વાકેફ કરી હતી. નવો નવો પ્રેમ પાંગરે અને પરિપક્વ થાય તે પહેલાં

લગ્નના પવિત્ર બંધનથી બંધાયેલ પ્રેમ પંખીડા અવઢવમા હતા. બ્રીન્ડા ભલે અમેરિકન

હતી પણ તેના કુટુંબના સંસ્કાર સારા લાગ્યા. આપણે ભારતિયો ખૉટા ખ્યાલમા રાચીએ

છીએ કે પશ્ચિમની રીતભાત અને વર્તન કુટુંબને અલગ કરવામા માને છે. તેઓ સ્વતંત્ર અને

સ્વછંદ છે.  એ માન્યતા ભૂલ ભરેલી છે.  અંહીના લોકોને પણ કુટુંબ, માતા પિતા અને ભાઈ

બહેનો પ્રત્યે લાગણી છે.

      હજુ ભારતમા આ ખબર આપ્યા નહતા.  પાવન કરતાં પૂજા વધારે ગભરાતી હતી. તેને

થતું કે મારો ભાઈ પ્રત્યે નો પ્રેમ ઉણો સાબિત થયો. પાવન હવે દીદીથી સંકોચાતો હતો. તેની

સ્થિતી સાપે છછુંદર ગળ્યા જેવી હતી. હા, તે જરૂર માનતો કે ઉતાવળ થઈ ગઈ. પણ બ્રિન્ડા

તેની સાથે હતી જે તેને ખુશ રાખવામા સફળ થઈ હતી. પરિસ્થિતી કાબૂમા હતી છતા બંને

ભાઈ બહેન નિખાલસતાથી વાત કરતા અચકાતા હતા.

       મુંબઈમા રહેતા માતા પિતાને જાણ કેવી રીતે કરવી. પાવન દીદીની સાથે રહીનેજ

ભણતો હતો. પ્રેમલ ડોક્ટર હતો તથી પૈસે ટકે કાંઈ જોવાનું ન હતું. તેમની દિકરી વેદા

બધાને ખૂબ જ પ્યારી હતી.  જમવાના ટેબલ ઉપર જો વેદા ગેરહાજર હોય તો શાંતિનું

સામ્રાજ્ય છવાતું  નહિતર વેદાની આસપાસ વાતો ઘુમતી.

      પાવનથી આ સહન થતું નહી. કઈ રીતે દીદીને મનાવવી. ઘરની અંદરનું વાતાવરણ

હળવું કરવાના પ્રયાસ શોધતો રહેતો. મમ્મીનો ભારતથી ફોન હતો, પાવનને કહી રહી હતી

આ વર્ષે રક્ષાબંધન ઉપર તેમનો આવવાનો વિચાર હતો.  હવે તો પાવન ખરેખર ધર્મસંકટમા

આવી ગયો. ન તે દીદીને કાંઈ કહી શકે ન મમ્મીને વાત જણાવી શકે.

     મુંજવાયેલા પાવનને જોઈને બ્રિન્ડાએ ખુલાસો માંગ્યો. પાવને બધી વાત જણાવી.

 બ્રિન્ડા હાથમા આવેલી તકને ઝડપવા આતુર થઈ ગઈ. એણે પાવનને અંગ્રેજીમા પૂછી

રક્ષાબંધન વીશે જાણી લીધું. પાવન અને પૂજાની જૂની વિડીઓ પણ જોઈ. ખૂબ ખુશ

થઈ. હજુ દસેક દિવસની વાર હતી પોતાની હિંદુસ્તાની ફ્રેન્ડ પાસેથી સાડી પહેરતા

 શીખી.  ઈંન્ડિયન  સ્ટોરમા જઈને  રક્ષાબંધન માટેની  બધી વસ્તુઓ લઈ આવી.

 પાવનતો ડઘાઈ જ ગયો. તેને થયું વાહરે વાહ શું બુધ્ધિ દોડાવીને આ મારી

 વાઈફ કામ કરી રહી છે. બ્રિન્ડા પાવન અને પૂજાના પ્યારથી સંપૂર્ણ વાકેફ હતી.

   હાથમા સાંપડેલી આ સુવર્ણ તકને જવા દેવા કરતા તેનો સુંદર લાભ મેળવવા

બંને જણા તત્પર થયાં.  એ શુભ દિવસ આવી ગયો.  જ્યારે પાવન માતા  પિતાને

લેવા એરપોર્ટ ગયો. નસિબજોગે તેઓ પણ રક્ષાબંધનને દિવસે જ આવ્યા. પૂજા

પોતાની લાગણીઓને છુપાવવામા સફળ નિવડી.  તેણે રક્ષાબંધનની કોઇ જ

તૈયારી કરી ન હતી.  પૂજા અને પ્રેમલ દવાખાનેથી એરપોર્ટ પહોંચ્યા અને

પાવન ઘરેથી નિકળ્યો.

    બધાની ગેરહાજરીનો લાભ લઈ બ્રિન્ડાએ રક્ષાબંધનની બધી તૈયારી

કરી લીધી. પાટલો, આરતીની થાળી, કુમકુમ, અક્ષત, ફુલ અને પૈસાનું

કવર. પોતે પણ સાડી પહેરી શણગાર સજી તૈયાર થઈ ગઈ હતી. 

મનમા ફડફડાટ હતો કિંતુ આત્મશ્રધ્ધાથી  ભરપૂર તે ઉત્સુક હતી.

     માતા પિતાને લઈને બધા ઘરે આવ્યા. શું થશે એવો પ્રશ્નાર્થ

સહુના મુખ પર સ્પષ્ટ જણાતો હતો. પાવન પણ આખે રસ્તે ખાસ

બહુ બોલ્યો ન હતો.  પૂજા ઘરમા આવી અને જોઈને દરવાજામાંજ

ખોડાઈ ગઈ. પ્રેમલ કંઈક સમજવામા સફળ થયો. માતા અને પિતાતો

હરખના માર્યા કાંઈ બોલીજ ન શક્યા. ભાઈ બહેનનો નિર્મળ પ્રેમ હજુ

પણ તેવોજ છે જોઈ ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા. પૂજા તેમજ પ્રેમલ

એક પણ શબ્દ ન બોલ્યા. પાવન શાંતિથી પાટલા ઉઅપર જઈને

ગોઠવાઈ ગયો. હવે તો પૂજા પાસે બીજો કોઈ ઉપાય જ ન હતો.

ચૂપચાપ પાટલા પર બેઠેલા ભાઈની આરતી ઉતારી, ચાંદલો કર્યો

અને રક્ષા બાંધવા જેવી રાખડી હાથમા લીધી કે તરત જ બોલ્યો

‘બ્રિન્ડા આવ મુવી ઉતાર અને મમ્મી પપ્પાને પગે લાગ.

         બસ કાંઇ કહેવાની જરુરિયાત જ ન રહી————

ઉમંગ

July 31st, 2009

    જેવું નામ તેવી જ તેની પ્રતિભા. નખશીખ ઉમંગ છલકાતો. તેની ચાલમા તરંગ,

 તેની વાણીમા ઉમંગ, તેના નયનોમા સરગમ અને તેની અદાઓમાં અભંગ.

    એવી સુંદર ઉમંગ અને તેમાંય પાછી કાર્યદક્ષ. જ્યારે તેને પહેલી વાર મળી

 ત્યારે હું મંત્ર મુગ્ધ થઈ ગઈ હતી. તેની છબી અંતરના ખૂબ ઊંડા ખૂણામા

 સચવાઈ ગઈ હતી. ઉમંગ નામ પણ મને ખૂબ પસંદ પડ્યું હતું.  જ્યારે તેને

 ફરી મળવાનો મોકો મળ્યો ત્યારે એજ આબેહૂબ છબીની મેં કલ્પના કરી હતી.

 ઊમંગભેર આવશે અને મને જો પગે લાગવાની ચેષ્ટા કરશે તો તેને બાથમા

 ભીડવા માટે હું તત્પર હતી.

           અરે, પણ આ હું શું નિહાળી રહી છું. જાણે બે પગમા દસ દસ મણની

 બેડી ન પડી હોય. વેરવિખેર વાળ, મોઢાપર નિતરતી અસહાયતા અને રડી

 રડીને સુઝેલી બન્ને આંખડી. હું મારી આંખ પર વિશ્વાસ ન કરી શકી.  જો તેની

  માતાએ તેનો હાથ ઝાલ્યો ન હોત તો હું માનવાનો સાફ ઇન્કાર કરી બેસત

  કે આ એજ ઉમંગ છે જેને મળવા હું તરસતી હતી. જેની છબી મેં વર્ષોથી

 મનમા સંઘરી હતી.  એ સમયની વાત છે જ્યારે તે આશયના પ્યારમાં

ગળાડૂબ હતી. જીવનનો પહેલો પ્યાર તેને વર્ણવવો અતિ મુશ્કેલ છે. ઉમંગ

 અને આશય જાણે બન્નેને પ્રભુએ ખૂબ નવરાશના સમયે ઘડ્યા હતા. બન્ને

 એકબીજા માટે સર્જાયા હતા. પરિસ્થિતિ પણ એવીજ હતી કે બધી રીતે

 અનુકૂળતા સાંપડી હતી. ઉમંગ સુંદર, ભણેલી ,સુખી ખાનદાન કુટુંબની

  દિકરી અને આશય જુવાન , સોહામણો પૈસાદારનો એકનો એક દિકરો.

  ક્યાંય કશું ખૂટતું ન હતું. જન્માક્ષર મેળવ્યા, સારા નસીબે તેમાં પણ કશું

  વાંધાજનક ન હતું.  કંકોત્રી છપાઈ, લગ્ન લખાયા બન્ને પક્ષે જોરદાર તૈયારી

  ચાલતી હતી. બસ હવે તો બે દિવસની વાર હતી અને અચાનક લગ્ન બંધ

  રખાયા.  કોઈની હિંમત ચાલતી ન હતી કે કારણ જાણવાની કોશિશ કરે.

         નગારા અને ઢોલ વાગવાના બંધ થઈ ગયા. શરણાઈ રિસાઈ ગઈ,

  વાટેલી મહેંદી વાટકામા સુકાઈ ગઈ. હાર અને ગજરા ટોપલામાં જ કરમાઈ

  ગયા. જોકે લગ્નમા મારાથી રોકાવાય એવું ન હતું તેથી આ વાતની ખબર મને

  પડી નહી. હું તો એવા ભ્રમમા રાચતી હતી કે ઉમંગ અને આશય ખુબ સુંદરતાથી

  પોતાના સંસારમા ગુંથાયા હશે.

        જ્યારે બે વર્ષ પછી, ફરી મળવાનો મોકો મળ્યો ત્યારની પરિસ્થિતી કશું

  જુદું જ વર્ણવતી હતી. સામેથી આવી રહેલ ઉમંગ અને તેની મમ્મીને જોઈને

  વિમાસણમા ઉભેલી હું હલો, કહેવાનું પણ વિસરી ગઈ. ઉમંગ એકદમ નિર્લેપ

  ઉભી હતી. મારી સામે ટગર ટગર જોઈ રહી હતી. ઓળખવાનો ઠાલો પ્રયાસ

  કરી રહી. પછી તેના મમ્માએ કહ્યું એટલે ઓળખાણ પડી એવો દેખાવ કર્યો.

  જો કે મને તેમા શંકા જણાઈ હતી. હું તથા ઉમંગની મમ્મી વાતે વળગ્યા. એ

  અસહાય અબળા શું કહે.  ઉમંગના પિતાજી લગ્ન મુલત્વી રહ્યા એ સમાચાર

  સાંભળી આ ફાની દુનિયા છોડી વિદાય થયા.  બીજી બે નાની બહેનો હતી

  તેથી ઉમંગને તેની મમ્મીએ બીજવર સાથે પરણાવી.  હાય રે કમનસીબ

  કન્યા, હવે તને કોણ પરણે?  ઉમંગ માટે આ બધું સહેવું આસન ન નિવડતા

  તે બિમારીનો ભોગ થઈ પડી.  તેના પતિ ને બે બાળકો હતા, દવાદારૂ પાછળ

  પૈસા ખરચવાનો તેને વાંધો ન હતો. પણ ઉમંગે પોતાની જાતને અલગ કરી

  લીધી હતી.  ઉમંગને સ્થાને ઉદાસીનું સામ્રાજ્ય પથરાયું હતું.   તે કરમાઈ

  ગઈ હતી. જીંદગી તેને ખૂબ નિરસ જણાતી હતી. પહેલો પ્યાર ભૂલી શકતી

   ન હતી. લગ્ન થયા હતા તેને મંજૂરી આપી શકતી ન હતી.

        અસંમજસમા પડેલી હું આનું નિરાકરણ કેવી રીતે લાવું તેના વિચારમા

  ગરકાવ થઈ ગઈ. ઉમંગની માને ઢાઢસ બંધાવી ફરી મળવાનો વાયદો આપી

  મારી મંઝીલ તરફ  પગ ઉપાડ્યા——–

ચિંથરે વીંટ્યુ રતન

June 25th, 2008

સારા ગુણાંક મેળવવા અને કોલેજોમા ભણી આગળ જીવનમા કશું કરી દેખાડવાની

તમન્ના માત્ર તવંગરોના બાળકની જાગીરદારી નથી. મારા આશ્ચર્યનો અવધિ કાબૂમા ન

રહ્યો જ્યારે જાણવા પામી કે જ્યારે એક સાંધતા તેર ટૂટે એવા પરિવારની નેહા ૧૨મા

ધોરણમા ૮૯ ૦/૦ ગુણાંક મેળવી ગાંધીનગરમા ૧૦મા નંબરે પાસ થઈ છે. ડોક્ટર

બનવાની તમન્ના ધરાવતી નેહાના પિતાજી એમ.કોમ ભણેલા છે. માતા પણ પોતાની

હેસિયત પ્રમાણે ઘર ચલાવવામા ટેકો કરે છે.

નેહા, પોતાના માતા પિતાનું ઋણ કઈ રીતે ચૂકવી શકશે તેની મુંઝવણમા છે.

પરિવારમા પુષ્કળ પ્રેમ વહે છે. તેના પિતાનું માનવું છે કે ‘ પરિસ્થિતિ કોઈને કાયમ

એક સરખી રહેતી નથી. ‘ તેમના ભાઈ અવારનવાર ટેકો કરે છે. કોઈને કોઈ રસ્તો

રસ્તો નિકળશે એવી તેમને શ્રધ્ધા છે. પૈસાના અભાવે બાળકોની પ્રગતિ રુંધાય એ

તેમને માન્ય નથી. માસિક ૫૦૦૦રૂ.ની આવક ધરાવતું કુટુંબના વડા કહે છે ‘બનશે

તો વધારે કરકસર કરીને પણ નેહાને ભણાવીશ.’ ક્યાં અને કઈ રીતે એનો તો હું

વિચાર પણ કરી શકતી નથી.

પૈસાદાર કુટુંબના બાળકોજ કાયમ મેદાન મારી જતા હોય છે. છતાંય ખૂબ મહેનત

કરીને નેહા ૧૦મો ક્રમ મેળવી શકી એ નાની સૂની વાત નથી. તેની આ સફળતામા

કલોલની સંત આન્ના હાઈસ્કૂલે ઘણોજ મહત્વનો ભાગ ભજવ્યો છે. નેહાને ખૂબ ખૂબ

ધન્યવાદ. તે પોતાનું સ્વપ્ન સફળ કરી શકે તેવી પ્રભુને અંતરથી પ્રાર્થના

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.