એક પંખી રામે પાળ્યું
હો એક પંખી રામે પાળ્યું
કરૂણામયી સીતાએ એને
વ્હાલે ચૂમી પંપાળ્યું
હો એક પંખી——
તેજ તિમિરની લીલા નિહાળી હસતી એની આંખો
નભગંગાઓ સમેટી લેતી એની પવન પાંખો
પાંખ પસારી રમતાં એણે વાયુ મંડળ ખાળ્યું
હો એક પંખી—-
ઊંડે આભલું આંબી, એને સ્વર્ગ પ્રુથ્વી સૌ સરખાં
સાત ગગનની આરપાર ઊડવાના એને અભરખા
ઊડી ઊડીને આખર એણે જિવન રામપદ ઢાળ્યું
હો એક પંખી—–
જાનકીને લોચનિયેથી કંઈ ટપક્યાં મોંઘા મોતી
ચણ્યા સ્નેહથી એણે સઘળાં મોતી ગોતી ગોતી
ત્યજી ટચૂકડો દેશ વિરાટે પ્રયાણ એણે વાળ્યું
હો એક પંખી——
poet: Chandrakant Desai