આ મુંબઈ મારી જાન

November 30th, 2010 by pravinash No comments »

જન્મધરીને શ્વાસ લીધાંતા

ખોળો ખુંદ્યો ચેતના પામી

આ મુંબઈ મારી જાન

હવામાં ખુશ્બુ સાગર તરંગો

ગગનને આંબે ઉંચી ઇમારત

આ મુંબઈ મારી જાન

ભોળાભાલા મુખના સ્મિત

પ્રેમના અવધિની એ રીત

આ મુંબઈ મારી જાન

ગાયબ ચહેરા નવિન પાત્ર

ખણખાણાટનો મહિમા અપાર

આ મુંબઈ મારી જાન

હસ્તી વિલાશે મોંઘવારી વરતાયે

પ્રગતિના સોપાન સર થાયે

આ મુંબઈ મારી જાન

ભલે બદલાય કિમત રુપિયાની

ભલે ભદલાય દૃષ્ટિ માનવીની

આ મુંબઈ મારી જાન

ભોમકા વહાલી હોય

November 28th, 2010 by pravinash 1 comment »

વર્ષોના વહાણા વાયા તોય

મુજને  ભોમકા વહાલી હોય

માટીની સુગંધ સુહાની હોય

તેની   હવામાં  ખુશ્બુ   હોય

મુજને ભોમકા  વહાલી  હોય

દરિયાની લહેરો પાવન હોય

સડકની સહેલમા સાદગી હોય

મુજને ભોમકા  વહાલી હોય

વહાલાના વહાલ વરસતા હોય

પક્ષીઓનો કલરવ સુહાનો હોય

મુજને ભોમકા  વહાલી  હોય

દેશનો રૂબાબ  ઔર  હોય

તેની આત્મિયતા રંગીન હોય

મુજને  ભોમકા વહાલી હોય

દિલમાં હેમખેમ છે

November 18th, 2010 by pravinash No comments »

     બાળપણ સાથે ગુજારી જુવાનીમાં ડગ માડયા

     હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

    જુવાની હાથતાળી દઈ ગઈ છાપરું ધોળું થયું

    હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

   સગો નહતો પણ વહાલનો દરિયો લહેરાતો હતો

   હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

 કહેવાય છે બધા સંબધની નીંવ સ્વાર્થ ઉપર છે

 નિઃસ્વાર્થના સિમેન્ટ પૂરી  ચણ્યા હતા આશાના મહેલ

હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

કુટુંબની લીલી વાડી હરી ભરી થઈ આંગણું મહેક્યું

 સંસારના કંસારની મિઠાશ માણવી અવગણી

હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે 

પ્રૌઢતામા મનમૂકીને સત્સંગ કરવાના ટાંકણે

સમાજના ઋણ ઉતારવાના શુહાના અવસરે

હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે 

જીંદગીભર સાથ નિભાવવાના વચને  બંધાઈ

અધવચ્ચે હાથ તરછોડી આંસુના તોરણ બંધાયા

હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

હા, સામે સ્મશાન છે અને તારી મુઠ્ઠીભર રાખ

હે દોસ્ત તારી યાદો આ દિલમાં હેમખેમ છે

લગ્નની મોસમ

November 17th, 2010 by pravinash No comments »

લગ્નની મોસમ

        દેવઉઠી એકાદશી ગઈ નથી અને ઘરે ઘરે શરણાઈ ગુંજવા લાગી.

માબાપ તો લગ્નની વાડીથી માંડીને ઘરેણાં અને કપડામા ગુંથાયેલા

હોય.

             નવ યુગલો પોતાના ભવિષ્યના કિલ્લા બાંધતા હોય. તો પછી

કઈ દિશામાંથી વાવાઝોડું ફુંકાય છે કે મોટા ભાગના લગ્ન છ કે બાર

મહિનાથી વધુ ટકતા નથી.

     લાખો રૂપિયા કે હજારો ડોલરોનું પાણી કરી અંતે પરિણમે છે છૂટાછેડાના

લાંબા રકઝક મા . એમાંય કમાય પેલા વકીલો. કોણ સાચું અને કોણ ખૉટું એ

તો ઉપરવાળાને ખબર.

      આ સમસ્યા ઘર ઘરની છે. પુખ્ત વયના બાલકોના માતા પિતા ખુબ

મુંઝવણમા છે. શું આપણે અમેરિકા આવીને ભૂલ કરી. સમૃધ્ધિતો પ્રગતિને

આંબનારી હોય રુંધનારી નહી.

         આપણે ક્યાં ગોથું ખાઈ ગયાકે આવી પરિસ્થિતિનો સામનો કરવો

પડે છે. સ્વતંત્રતા અને સ્વચ્છદંતા વચ્ચે ખૂબ બારિક લક્ષમણ રેખા છે.

અમેરિકા હોય કે ભારત આ સમસ્યા બધાને સરખી નડે છે. અરે, ચાર

કે પાંચ વર્ષથી એક્બીજાથી પરિચિત હોય. મનપસંદ સાથી હોય તો

પણ પરિણામે છૂટાછેડામા.

               જો થોડા વર્ષો પહેલાની વાત કરીશું તો કહેવાશે “ઓલ્ડ ફેશન”.

અરે એવા ‘ઓલ્ડ ફેશન’વાળા પણ લગ્નના ૨૫ યા ૩૦ વર્ષ પછી અલગ

રાહના રાહી બને છે કારણ ? અમારી બંનેની વચ્ચે કશું સામ્ય નથી ! અમે

બંને બાળકોને લીધે ભેગા હતા હવે તેઓ માળો છોડી ગયા તેથી અમે અમારા

રસ્તા પકડ્યા.

             પતિ યા પત્ની કોઈ માંદગીના શિકાર બને તો પણ વાંધો નહી. બસ અમને

નથી ફાવતું અમે છૂટા થઈ જવાના. લગ્નની મોસમ પૂર બહારમા ખીલી છે. સોનાના

ભાવ આસમાને છે. પૈસા  પાણીની માફક ખરચાય છે. લગ્ન કરનાર વ્યક્તિઓ બે વખત

સવાલ પૂછે પોતાની જાતને શું ખરેખર હું જવાબદારી ઉઠાવવા તૈયાર છું ?

       આજકાલની ભણેલી ગણેલી વ્યક્તિઓ સમજી વિચારીને આ પગલું ભરે તે આવશ્યક

છે.  લગ્ન એતો પવિત્ર રિશ્તો છે. બે શરીરનું મિલન કરતાં બે પવિત્ર આત્માની ઐક્યતા છે.

                    તેમાં ઉતાવળ નહી સમઝણ મુખ્યભાગ ભજવે છે. એક બીજા માટે નિઃસ્વાર્થ પ્રેમ,

બંને કુટુંબની વ્યક્તિ તરફ આદરભાવ  અને પતિ પત્નીનો એકબીજા તરફની માનની દૃષ્ટિ.

      પ્રભુતામા પગલાં વિચારીને માંડજો કે એ ડગ પાછા ન ભરવ પડે!

તુલસી વિવાહ

November 16th, 2010 by pravinash 1 comment »

        તુલસી આજે ખુશ હતી. ‘તુલસી વિવાહનો’  દિવસ તેને માટે મંગલ હતો.

અમેરિકામા આવે ગઈ સાલ ૨૫ વર્ષ પૂરા કર્યા. છતાંય તેનુ જોમ જરાય

ઓસર્યું ન હતું. નોકરી પર જવાનું હોય તો તે દિવસે અચૂક રજા લેતી.

ભારત ભલે છોડ્યું પણ વાર તહેવાર ઉજવવા ,પ્રસંગ અનુસાર પકવાન

તેમજ ખાણીપીણી બનવવી તુલસીને ખૂબ ગમતું.

             પૈસે ટકે તેને કોઈ ચિંતા હતી નહી. કિસન પણ તુલસીને સર્વ રીતે

અનુકૂળતા મળે તેનો ખ્યાલ રાખતો. રાખેજ ને તુલસિ હતી જ એવી. દુશ્મનને

પણ વહાલી લાગે. શેર માટીની ખોટ માટે તે એકલી તો જવાબદાર હતી નહી

એ કિસન સારી રીતે જાણતો હતો. 

               પોતે રજા લે અને કિસનને પણ લેવડાવે. કિસન ભલેને ડોકટર

હોય પણ ઘરમા તેની કોઈ સલાહ કામ ન લાગતી. તુલસી હતી પણ

પ્રેમાળ. મીઠુ બોલી સ્નેહથી કુશળતા પૂર્વક કામ કઢાવતી.

         તુલસી અને કિસને આજના શુભ દિવસે પ્રભુતામાં પગલાં પાડ્યા

હતા. વકિલ તુલસી અને ડોક્ટર કિસન પછી અમેરિકાની જાહોજલાલીની

શું વાત કરવી. તેના સુંદર ઘરમા વચ્ચોવચ તુલસી ક્યારો બનાવડાવ્યો

હતો. રોજ સવારે ક્યારે ઘીનો દીવો કરી મસ્તક ઝુકાવીને આંગણા બહાર

પગ મૂકતી.

         ‘તુલસી વિવાહને  દિવસે ધુમધામથી તુલસીને કૃષ્ણ સાથે પરણાવી

પતિ પત્ની ખુશ થતા. હા, મિત્રો ને આમંત્રિ સુંદર પ્રસંગ ઉજવવાની તેને

હૈયે હોંશ રહેતી. કિંતુ લગ્નના આટલા વર્ષો પછી પણ ઘરમાં પા પા પગલી

પાડનાર ન હોવાને કારણે      ઘરમા બને જણા નવલા વર અને  વધુની જેમ

તૈયાર થઈ વિવાહનો પ્રસંગ ઉજવતા.

             ઘરમા કામ કરતી ‘જુલી’ પણ આજે સરસ તૈયાર થઈને આવી હતી.

બક્ષીસ પણ સારી પામતી. તેને પ્રથમ બાળક અવતરવાનું હતું બસ આજનો

પ્રસંગ ઉજવી તેની રજા શરૂ થતી હતી. તુલસીએ તેને ચાલુ પગારે રજા આપી

હતી.

     હોંશમાં ને હોંશમા જુલી કામ જરા ઝડપથી કરી રહી હતી.  ભારે વજનને કારણે

માર્ગમા પડેલી થાળી દેખાઈ નહી અને ઠેસ વાગી. જુલી પડી અને તેને દર્દ ચાલુ

થઈ ગયું.   ૯૧૧, ને ફોન કર્યો. તરત એમબ્યુલન્સ આવી જુલીએ પાંચ અઠવાડિયા

વહેલાં બાળકને જન્મ આપ્યા. તેને તો ખબર પણ ન હતી અને એક દિકરો તેમજ

દિકરી આવ્યા.

            બાળક વહેલા હોવાને કારણે તેમને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવી પડી. કિસન

પોતે ડોક્ટર હતો અને તેને ત્યાંજ આ પ્રસંગ બન્યો તેથી ખડે પગે ઉભા રહી તેની

સંભાળ રાખી.

   જુલી આમ તો સારી હતી. પણ બાળકો અકસ્માતથી આવ્યા તેની અસર ૧૨ કલાક

પછી જણાઈ.  અંદર કોમ્પલીકેશનને કારણે તેના આખા શરીરમા ઝેર ફેલાઈ ગયું. તેને

પોતાને ખબર પડી ગઈ હતી કે કદાચ તે લાંબુ નહી જીવે.

      જુલીનો પ્રેમી તો સગર્ભા જાણી ને છૂમંતર થઈ ગયો હતો. જુલીએ કિસન અને તુલસીની

સામે જોયું. તેની આંખો જાણે કહી રહી હતી ‘હું કદાચ આ દુનિયામા ન રહું તો મારા ફુલ જેવા

બાળકોને તમે મોટાં કરજો.’

            બનવા કાળ બનીને જ રહે છે. જુલી વિદાય થઈ. કિસન અને તુલસીતો સ્તબ્ધ થઈ ગયા.

આ શું બની ગયું. કિસને હોશ સંભાળ્યા અને કાયદેસર બાળકોના માતા તથા પિતા બન્યા.

                  તુલસી વિવાહને દિવસે બનેલી દુર્ઘટનાએ કિસન અને તુલસીની દુનિયા સંવારી

દીધી. જુલીની સંપત્તિ દિકરો અને દિકરી હવે કિસન અને તુલસીના હૈયાના હાર બની બેઠાં.

દિકરીનું નામ પાડ્યું વૃંદા અને દિકરાનું નામ શ્યામ.

                 હવે તો “દ્વારિકા” તુલસી અને કિસનના નવા ઘરનું નામ પડ્યું. ‘તુલસી વિવાહ’ની

ધુમધામ ઔર વધી ગઈ. હવે તો મિત્રોનો મેળો જામતો. ભારતથી કિસન અને તુલસીના

માતા પિતા પણ અનુકૂળતા પ્રમાણે જોડાતા.

       વિવાહ પછી આવતા વૃંદા અને શ્યામનો જન્મ દિવસ. જુલીને યાદ કરી તુલસી ઘીનો

દીવો કરતી અને બાળકોની પલટણ સાથે વૃંદા અને શ્યામની વર્ષગાંઠની ભવ્ય પાર્ટી ઉજવતી.

શિર્ષક વિનાનો લેખ

November 15th, 2010 by pravinash No comments »

શિર્ષક વિનાનો લેખ નવાઈ લાગશે. અરે માત્ર શિર્ષક નથી એવું નથી.

વાતમા કાંઇ માલ પણ નથી. કોઈ રાજા પણ નથી કોઈ રાણી પણ નથી.

નથી તેમાં તરવરતો નવજવાન યા સુંદર મેનકા જેવી તરૂણી.

           તો પછી શું નવું  તાજું ફૂલ જેવું બાળક છે કે નિર્દોષ કન્યા. જો તે પણ

નથી તો અરે, કોઈ આતંક્વાદી તો નથી ને. શું તે પણ નથી. હા, હા, હા જરૂર

લેખક યા લેખીકા હોવાના, અરે ભાઈલા તેઓ પણ નથી.

            તાજાં પરણેલા છે ? નવી નવેલી દુલ્હન અને તેનો પાગલ પ્રેમી. ચાલો

તમે રાજી તે પણ નથી.  ભલે ભાઈ ૨૫ વર્ષની વર્ષગાંઠ ઉજવતું સુંદર યુગલ

તેમના સુખી પરિવાર સાથે છે?  તેનો જવાબ પણ ના. તો તો ચોક્ક્સ નાના,

નાની છે. આજકાલ તેમનો ભાવ સોના જેટલો મોંઘો છે. શું કહો છો તેમની વાત

પણ નથી.

          હવે તો મારું મગજ બહેર મારી ગયું નક્કી દાદા અને દાદી છે. એકલા અટૂલા

ગામડે રહે છે. દિકરીને બે વર્ષ પહેલાં પરણાવી શહેરમા સાસરે વિદય કરી. માબાપનું

નામ ઉજાળે એવી છે. સાસરીમા દુધમા સાકર ભળે તેમ ભળી ગઈ. માબાપને કાળજે

ઠંડક છે. દિકરો ગોરી મઢમડી લાવ્યો આગ્રહ કરી અમેરિકા બોલાવે છે પણ દાદીનો ધરમ

વટલાઈ જાય એટલે જવાની ના પાડે છે. ઓ ભાઈલા આ પણ  નથી.

               તો તો પછી નક્કી વાત પેલા આઇ.ટી સાહેબની છે. એ વાત જૂની થઈ ગઈ.

ચાલ ત્યારે એમ.બી.એ. વાળા ભાઈ વિશે લખ્યું છે. તેમના વિશે શું લખવું. ચાલ ત્યારે

કોઈ સર્જન જરૂર હશે. પૈસા છાપવામા દુનિયાદારીનું ભાન નથી રાખતો અને બૈરી છોકરા

આડેધડ ખરચે રાખે છે. કહેજે બે પસા બચાવે અને ચાર પૈસાનું યોગ્ય સ્થળે દાન કરે.

           કોઈ ગરીબ વિદ્યાર્થિ નું ભણતર પૈસાને અભાવે રવળી ન જાય તેનો ખ્યાલ રાખે.

તેને બરાબર ખબર છે વિદ્યાની શક્તિ અપાર છે. આ વાત પણ  નથી. અરે, હું ભુલી પેલી

રાજકારણમા પ્રવેશેલી ‘માલા’ની વાત કરો છો. ઓ, તેનો જવાબ પણ ના.

              ખરેખર પેટછૂટી વાત કહું તમે પેલા ‘કાનજી ગોર’ ની વાત તો નથી કરતાને ?

કેટલાય લોકોને નવડાવી, તેમના પૈસા અને દાગીના લઈ રફુચક્કર થઈ ગયો હતો.

હવે સાધુ થઈ ગામે ગામ ફરી ‘ઉપદેશ’ આપે છે. ‘ભજન’ ગવડાવી માલ મલીદાવાળા

‘ભોજન’   આરોગે છે. વાડી વજીફાંવાળા લોકોની મહેમાનગીરી માણી હજારો ડોલર લઈ

ભારત ભેગા થાય છે. લોકોને સંસાર ત્યાગવાનો સંદેશ આપે અને પોતે દેશ જઈ મહેલ

બનાવડાવે ગાડીઓમા ફરે. આ વિશે પણ નથી.

                  હવે તો હદ થાય છે. મારું મગજ પણ વિચાર કરીને થાકવા આવ્યું. નાક્કી

ભારતમા ફેલાયેલી મોંઘવારી પર છે. કાંદા અને બટાકા જેવા સસ્તા શાક પણ ૪૦રૂ.

કીલો. ફલફળાદીને તો અડકવાના પણ પૈસા આપવાના. સુકોમેવો સુંઘવાનો કે ખાવાનો.

આવું તે કાંઈ લખાય.

        જરુર આપણા દેશના વસ્તિ વધારા વિશે વાત લખી હશે? અ ધ ધ ધ રસ્તા પર જાણે

૨૪ કલાક મેળો ભરાયો છે. સવારના ૪ વાગ્યા નથી ને લોકો બસ ચાલતા જ હોય. આખા

દિવસમા ક્યારેય કોઈ પોરો ખાતું હોય તેવું જણાતું નથી. આ જેમને ઘરે બે ગાડી અને ચાર

નોકર છે ત્યાં એક બાળક અને જ્યાં ભૂત ભુસ્કા મારે અને હનુમાન હડી કાઢે તેવા ઘરોમાં

૪ થી ૫ બાળકો. હાંલ્લાંય કુસ્તી કરતા હોય તે નફામા. બાપ રાતના મોડો આવે કે બાળકોના

દયામણા મોઢા જોવા ના પડે. મા, પતિની રાહ જોતી હોય અને નાના ધાવણા ને પસવારતી

હોય. પેલું ચૂસી ચૂસીને મરે. પણ હાય, ક્યાં ટીપુય જણાય. પેટનો ૬ ઇંચનો ખાડો દુધ બનાવે

તો ય શેનું?  આ વાત પણ નથી—–

              હવે હું થાકી પણ પ્રયત્ન નહી છોડું. કલમ તૈયાર છે વિચારશક્તિ ધીરી છે.

ઓલી નાટકિયણ રોજ નખરા કરી ટપ ટપ ચાલીમાંથી જાય છે તેના વિશે છે. એના

સેંડલના અવાજે ફટાફટ બારીઓ ખૂલે યા તિરાડમાંથી લોલુપ આંખો દર્શન કરી પાવન

થાય. 

           હવે તો હદ થઈ, પેલા ‘ટેલન્ટ’ શોવાળૉ નાનો મુન્નેરાજા છે કે સારેગમવાળી શિખા.

હા, પેલી નવી સિરિયલ ‘સો દા’ડા વહુના તો એક દા’ડો સાસુનો’ એકતા કપૂરની નવી

ખૂબ ચર્ચાને ચગડોળે ચડેલી———-

        બસ હવે હદ થઈ, છેલ્લો પ્રયાસ જરૂર પેલા ખૂણામા રહેતી , રાત દિવસ ખાંસતી

મરવાને વાંકે જીવતી ડોશી વિશે લખ્યું છે. ઘરના સહુને વળાવી ચૂકેલી ૯૨ વર્ષની

ડોશી પર ભગવાન ક્યારે કૃપા કરશે. જમડો પણ જેનું ઘર ભૂલી ગયો છે. તેને કાંધ

દેવા કોણ આવશે ? તેનું ખાંપણ કોણ લાવશે———

અજબ ગજબની વાત

November 14th, 2010 by pravinash No comments »

        આવું થવું એ કળવું પણ મુશ્કેલ છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે.

દુકાળગ્રસ્ત ગામમા રોજી રોટીના ફાંફા હતા. પૈસાના દરશન પણ દુર્લભ

હતા. એક વેપારી ગામમા આવ્યો.

           નાની પણ સુઘડ અને સ્વચ્છ હોટલ જોઈ ,હોટલના માલિકને કહે,

૧૦૦૦  રૂ. એડવાન્સ મને બધી રૂમો તપાસવા દો , પછી ગમશે તે રૂમમા 

રહીશ.

                   માલિક તો હજારની નોટ જોઈ છક્કડ ખાઈ ગયો. હસીને પરવાનગી

આપી. સરસ મજાની આદુ એલચી વાળી ચહા પણ પિવડાવી. પેલા ફક્કડરામ

ભાઈ તો કામે વળગ્યા. 

            આ બાજુ હોટલનો માલિક પૈસા લઈને દોડ્યો તેનું ઉધાર બીલ હતું

કરિયાણા વાળાનું  ચુકવી દીધું.  કરિયાણાવાળો ૧૦૦૦ રૂ. લઈ દોડ્યો તેના

દુધવાલાનું બીલ ચૂકવી આવ્યો.

     દુધવાળાને ખરાબ આદત હતી રાત પડે વેશ્યા પાસે જવાની તે જઈને

તેના ૧૦૦૦રૂ.  મોં પર ફેંકીને આવ્યો.  વેશ્યાએ પળના વિલંબ વગર તે પૈસા

હોટલનું બીલ ચૂકવી હિસાબ ચૂકતે કર્યો.

       હોટલવાળો તો હેબતાઈ ગયો અરે આ ૧૦૦૦ રૂ. પાછા આવ્યા. ત્યાંતો

પેલો ફક્કડરામ આવીને કહે, તમારી હોટલ સારી છે પણ મને બાથરૂમ ન

ગમ્યા. મારો વિચાર રાત રહેવાનો નથી. હોટલવાળાએ ઝિઝક વગર તેના

૧૦૦૦ રૂ. પાછા આપી દીધા.

        છે ને અજબ ગજબની વાત   !

માની મમતા

November 11th, 2010 by pravinash 1 comment »

માની મમતા એ કોઈનો ઇજારો નથી. દરેક માના હ્રદયમા એ ઝરણું સતત વહેતું હોય છે.

પરિસ્થિતિ પ્રમાણે તેમા કોઈ વાર ભરતી કે ઓટ જણાય કિંતુ સતત વહેતા એ ઝરણાંના

સ્પંદનો અને શિતળતાના દર્શન દુર્લભ છે. તેનો તો માત્ર આહલાદક અનુભવ જ હોઈ શકે.

         હલોવીન આવે એટલે સાંજ પડે વાનરની ટોળીની ધમાલ સંભળાય. ( મિત્રો, હલોવીન

અમેરિકામા ઉજવાતો તહેવાર છે. તેમા બાળકો જાતજાતના પહેરવેશ પહેરી આવે. તમારે

બારણે આવી ‘ટ્રીક ઓર ટ્રીટ’  કહે .એટલે તમે એને બેગમા ચોકલેટ આપો. ઘણા બાળકોને

રેસ્ટોરન્ટની કુપન આપે જેથી તેઓ જઈને આઇસક્રિમ ખાઈ આવે યા નાસ્તો કરી આવે.

ઘણા ૨૫ યા ૫૦ સેન્ટ આપે. બાળકો નાના હોય તો માબાપ તેમને લઈને નિકળે. આ

તહેવારમા  કોઈ માને કોઈ ન માને . દરેકની અપની અપની પસંદ જેવું છે. ભારતના

મિત્રોની જાણ ખાતર થોડી માહિતિ લખી છે. કદાચ ખબર હોય પણ ખરી.)

             બાળકો માટેના આ તહેવારમા દ્વારે આવેલ બાળકો સાથે ખૂબ મજા આવે. તેમની

આંખમાંથી ટપકતા પ્યારના દર્શન કરવા એ લહાવો છે. જો તેમને ભાવતી ચોકલેટ હોય તો

કહેશે મને વધારે આપોને. ખુશીથી છલકાતું હાસ્ય તમારી તરફ વેરી દોડી જાય.

             કાંઇ કેટલાય બાળકો આવી રહ્યા હતા. ન દરવાજો ખોલવાનો કંટાળો આવે કે ન ચોકલેટ

આપવાનો. લગભગ બે કલાક સુધી પ્રવાહ ચાલતો રહે.

               નિશાને થયું બસ હવે કોઈ નહી આવે. બહારની લાઈટ ચાલુ રાખી જમવાની તૈયારીમા

પરોવાઈ. તેના બાળકો પણ ઘર ભેગા થઈ ગયા હતા. ઘરમા આવીને પહેલું કામ ચોકલેટ ઠાલવી

બે જુદા સરખા ઢગ બનાવ્યા. નીલ કહે આ મારો ભાગ નીના આ તારો.

       નિશા, સ્નેહલને હસતા હસતા કહે , જો તો ખરો બેય જણા બાપની મિલકતના ભાગ કરવા

 બેઠા છે. જે નીલ અને નીનાને નહોતી ભાવતી એ બધી ચોકલેટ એક બેગમા જુદી ભરી.

   કાલે ‘રોઝી’ આવશે તેની બાળકો ને આપીશ.

          થાળીઓ મંડાઈ અને બધા ડાઈનીંગ   ટેબલ પર જમવા ગોઠવાયા. નિશા પિરસતી હતી

ત્યાંજ બારણાની બેલ સંભળાઈ. દરવાજો  ખોલ્યો તો એક બહેન બાબાગાડી સાથે હતા.  જો કે

તેની ઉમર ૩૦ યા ૩૫ થી વધારે નહી હોય. નિશાએ તેને બેગમા ચોકલેટ આપી. હવે કોઈ

નહી આવે એમ સમજી બધી ઠાલવી દીધી. બાબાગાડીના બાળકને જોવાની ઇંતજારીથી

તેને ખોલીને જોયું તો    પાંચેક વર્ષની છોકરી હતી. બાળકી બોલી ‘હાય’.

       નિશાએ ‘હાય’ કરી પાછું બંધ કર્યું. છોકરીની મા કહે ‘છ મહિના પહેલાં તેને તાવ આવ્યો

હતો . તેમા તીની દૃષ્ટિને અસર થઈ છે. બહુજ આછું દેખાય છે. પગ પણ વળી ગયા છે.

                     મારી દિકરીને ‘હલોવીન’ ખુબ ગમે છે તેથી તેને બાબાગાડીમા બેસાડી ઘરે ઘરે

‘ટ્રીક ઓર ટ્રીટ’ કરવા નિકળી છું. તેથી થતો આનંદ એ મારે માટે બહુજ અગત્યનો છે.

                ઘરે જઈને અમે બંને કેટલી ચોકલેટ ભેગી કરી તે જોઈને ખુશ થઈશું. તેના મુખ

પર ફેલાયેલી આનંદની આભા જોઇ આજે રાત્રે મને પણ નિંદર શાંતિથી આવશે.—–

જીવનની સચ્ચાઈ

November 8th, 2010 by pravinash 1 comment »

જીવનની સચ્ચાઈ શું છે?  પ્રેમનો અર્થ શું છે?  શું  તે માત્ર બે વ્યક્તિ વચ્ચેનું શારીરિક

આકર્ષણ છે. લગ્ન એ બે આત્મા અને શરિર નો સંબધ છે. કાગળની ચબરખીકે કોર્ટનો

કાયદો તેને અલગ ન કરી શકે. હા, આજે એ સ્વાભાવિક છે. કિંતુ જો ‘માનવીના મન’ની

અંદર પ્રવેશી અવલોકન કરી શકાતું હોય તો તે કોઈ જુદી વાત કરશે.

              મિતા અને અમિતે ૩૦ વર્ષથી એક છતની નીચે જીવન વિતાવ્યું.  જૂવાનીના 

રંગીન દિવસો હાથમા હાથ ઝાલી ગીતો ગાતાં, બાળકોને સંવારતા વિતાવ્યા.  તનતોડ

મહેનત કરી પગભર થયા.

       અમોલ, અવની અને અમીને પ્રેમથી ઉછેરી સ્થાયી કર્યા. શિક્ષણ આપવામા કશી

કમી ન રાખી. અરે એટલે સુધીકે ભણવાનો બધો ખર્ચો માબાપે ઉઠાવ્યો. આ અમેરિકામા

બાળક વિધ્યાલયનો અભ્યાસ કરી આગળ ભણવા માગતું હોય તો ધારો છે કે બેંકમાંથી

પૈસા વ્યાજે લે. ભણીલે પછી ધીરે ધીરે ચૂકવે.

          ના, મિતા અને અમિતને તે મઝૂર ન હતું. ત્રણેય સુંદર સાથી મેળવી સ્થાયી થયા.

મુસિબત હવે આવી. અત્યાર સુધી બાળકોની આસપાસ ગુંથાયેલી જીંદગીમા ક્યાંય ખાલીપો

જણાતો ન હતો.

     અમિત ૬૦નો થવા આવ્યો અને મિતા ૫૬ની.  કામકાજમાંથી થોડા નવરા થયા હતા. અમિતે  

શેરબજારમા સારા ડોલર બનાવ્યા હતા. નસિબ જોગે શેરબજાર ટૂટી પડે તે પહેલાં પૈસા રોકડા કરી

હોસ્પિટલોમા રોક્યા હતા જે તેને સારું વળતર આપી રહ્યા હતા.

                  મિતા વિચારતી હતી ક્યાં અને કઈ રીતે તેનું વર્તન વ્યાજબી ન હતું કે અમિત તેનાથી

અડધી ઉમરની છોકરીના પ્રેમમા પાગલ થયો. પત્ની તરીકેની સઘળી જવાબદારી પ્રેમપૂર્વક નિભાવી

હતી. માતા તરીકે તેનો જોટો જડે તેમ ન હતો.

       એતો વળી અમિતના કપડાં ધોવા લઈ જવા માટે ખિસા તપાસતા સિગરેટ અને નાની ચબરખી

હાથ પડી અને અમિતનો ભાંડો ફૂટી ગયો.” સાંજના સાત વાગે હિલ્ટનની લોબીમા , ૧૧ પહેલા ઘરે જેથી

મારી પત્નીને શંકા ન થાય.  ”

        મિતા હોશ ગુમાવી બેઠી.  સાંજ પડી ગઈ અને અમિત નોકરી પરથી આવ્યો. મિતાને ખ્યાલ પણ ન

રહ્યો.  અમિત આવીને કહે કેમ આજે ‘રસોડામા હડતાલ છે’? મિતા ગુમસુમ બેઠી હતી એકદમ ફિક્કુ હાસ્ય

ફેંકી ચા મૂકવા ગઈ.

           વર્ષોથી ધારો હતો કે અમિત આવે પછી બંને જણ સાથે ચાની મોજ માણે. અમિતે જમવાની ના

પાડી કહે’ સાંજે ડિનર મિટિંગમા જવાનું છે.’ મિતા કહે તો મારે માટે કાલની દાળઢોકળી રહી છે તે ચાલશે.

            અમિત ફાંકડો તૈયાર થઈને નિકળી પડ્યો. મિતા બે હાથ વચ્ચે    માથું પકડી વેચારી રહી. હવે  શું ?

આ સ્થિતિમા રહેવું ઉચિત નથી. જે વ્યક્તિને તન મનથી ચાહ્યો હોય તે આવી રીતે ચોરી છુપીથી કોઈના

પ્રેમમા પડી પત્નીની આંખમા ધુળ નાખે તેની સાથે કેવી રીતે જીવાય. તેને લાગ્યું કે જો આનો ખુલાસો

માંગીશ તો નર્યું જુઠાણું સાંભળવાનો સમય આવશે.

          શાણી મિતા જીવનમા હતી તેનાથી વધારે કડવાશ હવે ઉમેરવા માગતી ન હતી. અમિત આવે તે

પહેલાં પોતાના કપડાની બેગ ભરી ચાલી નિકળી. કોઇને જણાવ્યા વગર. અરે, બાળકો સુધ્ધા ને ખબર ન

આપી.

      તેને થયું બાળકો માતા અને પિતા વિશે શું વિચારશે. આવા સુખી કુટુંબને કોની નજર લાગી ગઈ.

માતા અને પિતાને પૂજતા બાળકો પિતા માટી પગા નિકળશે એ વિચારે મિતા કાંપી ઉઠી. પૈસાની તેને

ચિંતા નહતી. બેંકમા દાગીના અને રોકડ જોઈએ તેટલા હતા.

     હાય રે નસિબ ‘ડાઇવોર્સનું ડાયેટિંગ’  મિતાને ભરખી ગયું. પતિનો પ્રેમ ગુમાવવો એ પત્ની માટે ખુબ

અસહ્ય હોય છે. જો પતિ હયાત ન હોય તો તેની યાદ અને પ્રેમ બાકી જીંદગી ગુજારવા પૂરતા છે.

કિંતુ પતિ આવી શુશિલ પત્નીની પાછળ છાનાગપતિયાં કરે તે જીરવી ન શકાય તેવું દર્દ મિતાને

કોરી ખાઈ ગયું.

       સુંદર સંસ્કારી માબાપની દિકરી, અમેરિકા આવીને જીવનની સચ્ચાઈ પામી. રાહ બદલ્યો

રાહી ગુમાવ્યો કુદરતને શરણે આવી શાતા પામી.

તે ગમ્યું તે સહ્યું

November 6th, 2010 by pravinash No comments »

આવ્યા તે ગમ્યું ન આવ્યા તે સહ્યું

આહટ સુણી દિલડું  મારું  ઝુમ્યું

આહટ તમારી કાનોને છે પ્યારી

સુમિરન તમારું તમારાથી પ્યારું

આવ્યા— ન આવ્યા

આવ્યા તમે ને બહાર સંગે લાવ્યા

ન આવ્યા  નયણે આંસુ વહાવ્યા

આવ્યા—–ન આવ્યા

દિલની વિણાના તાર છેડે સરગમ

સૂરમાથી  નિસરે સંગીત હરદમ

તાલ પૂરાવે તેમાં ઉરની ધડકન

આવ્યા —–   ન આવ્યા

પ્રિતમ તારી યાદ આજે આવી

નૂતન વર્ષમાં સાંજી ભરી લાવી

કુટુંબ કબીલામા રોશની છવાઈ

આવ્યા—– ન આવ્યા

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.