Archive for the ‘સ્વરચિત રચના’ category

મસ્ત મન

July 18th, 2010

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

 તે ઉંડા ભેદ પેલા મનના ખોલે

 

હીરા જેવી વાણી ને પામ્યો

 

વારંવાર વાંકુ શાકાજે બોલે

 

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

સમય ન જોયો સ્થળ ના જોયું

 

મીઠી વાણી કાં નવ બોલે

 

સહુને રીઝવે પ્રેમને પામે

 

મનને ત્રાજવે શું તોલે

 

 મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

આત્મા અંતર માંહી બિરાજે

 

બહાર ભટકી શું ખોળે

 

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

સંયમનું આભૂષણ ધારી

 

સારા જગમા જો વિચરે

 

સહુને પ્યારો ને બને દુલારો

 

મન મસ્ત બની મીઠું બોલે 

પ્રેમે પસવાર્યો રે લોલ

July 14th, 2010

 

પ્યારો છે ચાંદ શિતળ  ચાંદનીરે લોલ

એથી પ્યારો છે મારો તાત રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

આંગળી ઝાલી ચાલતા શીખવ્યું રે લોલ

મૌનમા વરસે જેનો પ્યાર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વહાલે પંપાળી મુજને થાબડે રે લોલ

ઉછાળે ગગને આંબવા ચાંદ રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વાણી ભલેને તેની આકરી રે લોલ

હર શબ્દે વહે પ્રેમનો પ્રવાહ રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

આબેહૂબ પ્રતિકૃતિ તાતની રે લોલ

શીર તેનુ ગર્વે ઉંચકાય રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વિશ્વાસને ધૈર્ય જેણે શિખવ્યા રે લોલ

આદરથી મસ્તક જેને નમે રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

સંયમનો ઘુઘવે પેલો સગર રે લોલ

અસ્તિત્વ મારું જેને શીર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

જીવનભર ઋણ જેનું પામ્યો રે લોલ

તાત તારો અગણિત ઉપકાર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

 મીઠા મધુને મીઠા મેહુલારે લોલ

એથી મીઠી છે મારી માત રે

જનનીની જોડ સખી નહી જડે રે લોલ

હળવાશ અનુભવીશુ

July 11th, 2010

 

Go to fullsize image

ગરમી ગરમી શું કરો છો

  દિમાગમા છે ભુસુ

નરમી રાખો સારા બદનમા

    શિતળતાથી જીવશું

 ગરમી છે તો ઠંડીની

    મહત્વતા જાણીશું

ગરમી ઠંડી એકમેકથી

  અભિન્ન છે માનીશું

ગરમીથી બચવા છાશ, પનો

    હરખે ગટ ગટ પીશુ

ગરમી દિલે કે દિમાગે

સોચો ને  વિચારો

મલમલ સંગે નાતો બાંધી

   હળવાશ અનુભવીશુ

ડોલર

July 4th, 2010

ડોલર તો છે ચંચળ આજ અંહી કાલે તહીં

ડોલર સરતો રહેવાનો કોઈનો ના થવાનો

ડોલરની બોલબાલા કરે હરદમ ગોટાળા

ડોલરની મોહમાયા તેમાં ફસાઈ હર કાયા

ડોલરનૉ ખણખણાટ જીવનમા ઝણઝણાટ

ડોલર હશે મહેનતનો સુખેથી સૂશે મનવો

ડોલર અનિતીનો વ્યાપે જીવને બેચેની

ડોલર ના ખવાય તેની શૈયે ના સૂવાય 

ડોલર લઈ ન આવ્યા નહી લઈને જવાના

ડોલરથી કર ન પ્રીતિ ઉરે ધર ન ભીતિ

ડોલર ખર્ચો ખુલ્લે હાથે ઉલ્લાસ માણો હૈયે

ડોલરની મૂકો માયા મેઘધનુના રંગ છાયા

ધરા પર રહીને

July 2nd, 2010

  જેવું  વાવો તેવું લણો તેમાં ફેર પડે ના

આપો તેવું પામો તેમાં મીનીમેખ થાય ના

બંઝર ધરતીમાં જોયા કોઈ’દી આંબા પાકે

ગુલાબનું ફૂલ કાંટા સંગે મીઠી સુગંધ અર્પે

સંસારના અફર નિયમને તું કાં બદલાવે

ઝાંઝવા પાછળ દોડી મિથ્યા તરસ છિપાવે

ક્ષિતિજને આંબવા તું શાને હવાતિયાં મારે

નજીક જણાયને દૂર સરતી રેખા હાથ ન આવે

કર્મ કર્યે જા નિષ્કામ, કૂચ કર્યે જા હામ ભરીને

છૂલે ગગન, ભરીલે તારા થાળે ધરા પર રહીને

તારો ખૂબ આભાર

June 30th, 2010
જીવતરની જીજીવિષા  કાજે તારો  ખૂબ આભાર
પ્રેમાળ માતાપિતાને કાજે તારો ખૂબ આભાર
શ્વાસની આવન જાવન કાજે તારો ખૂબ આભાર
સઘળી ભૂલોને સહવા કાજે તારો ખૂબ આભાર
સુંદર પ્રભાતના પુષ્પો કાજે તારો ખૂબ આભાર
પ્રગતિમાં પ્રેરકતા કાજે તારો ખૂબ આભાર
પરિવારમા સ્નેહને કાજે તારો ખૂબ આભાર
ધિરજની ગંભિરતા કાજે તારો ખૂબ આભાર
સ્નેહની સરવાણી કાજે તારો ખૂબ આભાર
આપત્તિમા સાંત્વના કાજે તારો ખૂબ આભાર
સમૃધ્ધિમા સમતા કાજે તારો ખૂબ આભાર
વાણીમા વહાલ કાજે તારો ખૂબ આભાર
હ્રદયની વિશાળતા કાજે તારો ખૂબ અભાર
વેદનામા કોમળતા કાજે તારો ખૂબ આભાર
નિવૃત્તિમા પ્રવૃત્તિ કાજે તારો ખૂબ આભાર
મારગડો ચીંધવાને કાજે તારો ખૂબ આભાર 
  

મને શું ગમે?

June 28th, 2010

નાક નકશો સુંદર દીધાં મને તારા જેવું થાવું ગમે

ખિલૌના ઝાઝા દીધા મને તારી સંગે રમવું ગમે

આંખ કાજે અંજન દીધા મને તારું કાજળ નયણે ગમે

ગાડી વજીફા બંગલા દીધા તારે મંદિરીયે વસવું ગમે

ઢોલિયા છત્ર પલંગ દીધા તારી શૈયા પર સુવુ ગમે

ફરસાણને પકવાન દીધા તારા ભાણામા જમવું ગમે

ક્રોસને પારકર પેન દીધી મને તારી કલમે લખવું ગમે

સુહાના સ્વપ્ન દીધા મને ખુલ્લી આંખે તારું દર્શન ગમે

વિચારોની વણઝાર દીધી  તારા ધ્યાનમા બેસવું ગમે 

વણમાગ્યે તેં ઘણું દીધું મને તારા સાન્નિધ્ય શાંતિ ગમે

મન ભરીને પ્યાર દીધો મને તારા સ્નેહની છાંવ ગમે

જગમા આવી ભૂલી પડી તારા ચિંધ્યા માર્ગે ચાલવું ગમે

હાથમા હાથ ગ્રહી તારો મને અનંતની યાત્રાએ જાવું ગમે

તારે શરણે આવી છું મને તારા ચરણોમાં સ્થાન ગમે

પપ્પાજી

June 17th, 2010

 તમે છો ખૂબ વહાલા મારા પપ્પાજી

 તમે હતા તો આજે હું છું પપ્પાજી

 શિખામાણ સઘળી યાદ છે પપ્પાજી

તમારી ખુમારી આજે વિચારું પપ્પાજી

પરિસ્થિતિને કુશળ સંભાલે પપ્પાજી

પ્યારથી સહુની સાથે વર્તન પપ્પાજી

તમારી અદા કેવી અનેરી પપ્પાજી

તમારું શાણપણ રાહ બતાવે પપ્પાજી

તમારો ગુસ્સાનો વારસો પામ્યો પપ્પાજી

ગર્વથી આજે શિર છે મારું ઉંચુ પપ્પાજી

પરિવારને  તાંતણે બાંધી રાખ્યું પપ્પાજી

મા તુમ વિણ આજે સુની પપ્પાજી

તમારા ચરણે શિર ઝુકાવું પપ્પાજી

પ્રેરણાનો સ્તોત્ર બની રહ્યા પપાજી

   જેણે પાપા ગુમાવ્યા છે એ બાળકને આજે પાપાની યાદ સતાવે છે.

ખોરડું-મકાન

June 15th, 2010
              છાણ ગારો લીંપીને બનાવ્યું ખોરડું
             ધીરે ધીરે કામ ચાલ્યું થઈ ગયું મોડુ
              માયા વળગી એવી કે લાગે રૂપાળું
              નહી ટીવી કે ફ્રીજ તોયે મોહ્યું દિલડુ
             કિલકિલાટ હાસ્યથી આનંદે ઉભરાતું
             પસીનાની કમાઈના તેજે જળહળતું
            અડીને થયું એ ઈંટ સિમેન્ટનું મકાન
            કાળા ધોળા કરીને વળી નીચે દુકાન
            માલમલીદા વેચે તોયે સઢ ના સુકાન
            દાકતરના આંટા વધ્યા થયા પાયમાલ
           મહેનત સચ્ચાઈ પસીનાના તેજે ખોરડું
           બેઈમાનીના પૈસે   ડગુમગુ એ મકાન
          ઘર તો ઘર છે લાંબો વિચાર કરીજો
          પાયામા સજ્જનતાનો સિમેન્ટ ભરીજો

આ મુસાફરી કરવાની

June 9th, 2010

   જીવનની રેલગાડી હરપળ ચાલતી રહેવાની

   વિરામસ્થળની આશે મુસાફરી જારી રહેવાની

   હસીને કે રડીને જીંદગી હાથમાંથી સરવાની

   મેળવો યા ગુમાવો તે સદાય સરતી રહેવાની

   સુખ દુખમાં રાખો સમતા મઝા હસતા રહેવાની

   મંઝિલ સુધી પહોંચવા ધિરજ હૈયે ધરવાની

   ચડતી હોય કે પડતી વિશ્વાસ શ્રધ્ધા રહેવાની 

    સાથ સુહાનો હોય કે એકલા દિશા મળી રહેવાની

    ખોવાઈ જવામાં મઝા છે વાત ખાનગી કહેવાની

     ચાહો યા ના ચાહો સહુએ આ મુસાફરી કરવાની

   

  

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.