નામ વાંચીને કૂતુહલ જરૂર થયું. આ વળી શું હશે?
કેમ ખરું ને? નાનપણમાં ચાર આશ્રમ વિષે આપણે
સહુ સાથે જ ભણ્યા હતા.
વિદ્યાર્થી કાળનો બ્રહ્મચર્ય આશ્રમ, જુવાનીનો ગ્રુહસ્થ
આશ્રમ, ઢળતી ઉમરનો વાનપ્રસ્થ આશ્રમ અને
જીવન દિપક માં જ્યારે તેલ ખૂટવા આવે ત્યારનો
સંન્યાસ આશ્રમ.
આ વિચ્છેદ આશ્રમ એ વળી શું હશે? ધિરજ ધરો
હમણાં જ જ્યારે તેનો અર્થ જાણશો ત્યારે તમે સંમતિ
પૂર્વક હકારમાં તમારી દસ શેરી હલાવશો.
તેના બે વિભાગ છે. ૧. દિલધડક વિચ્છેદ આશ્રમ
૨. બેધડક વિચ્છેદ આશ્રમ
દિલધડક વિચ્છેદઆશ્રમ કાંઈક નવીન લાગશે કિંતુ એક
પળ થોભો અને વિચારો. સમજી ગયાને. ૨૧મી સદીનો
સળગતો પ્રશ્ન ‘છૂટાછેડા’. જ્યારે પ્યારની બત્તી ઓલવાઈ
ગઈ, દિલે ધડકવાનું બંધ કર્યું, ઘરસંસારમાં મેં,મેં તું,તું
ચાલુ થઈ ગયું ત્યારે લેવાતો નિર્ણય એટલે છૂટાછેડા નુ
નામ તે દિલધડક વિચ્છેદ આશ્રમ.
બેધડક વિચ્છેદ આશ્રમ એ તો વળી અદભૂત છે. તેમાં
ન મારું ચાલે ન તમારું. એની દોર એક એવા અજ્ઞાતનાં
હાથમાં છે જેનો પાર કોઈ પામી શક્યું નથી.
સમજી ગયાને આપણા સહુમાં બિરાજેલ ઈશ્વર. નથી
તે રાખતો વયની મર્યાદા કે નથી તે જોતો સાજ સવાર.
માંદા જેની કાગડોળે રાહ જોતા હોય અને સાજોનરવો
વ્યક્તિ બેધડક ચાલવા માંડે. તે આ બેધડક વિચ્છેદ
આશ્રમ.
આ પાંચમો આશ્રમ લેખકના ફળદ્રુપ ભેજાંની ઉપજ
છે. આશા છે તમે આવકારશો.
જયહિંદ
વિચ્છેદ આશ્રમ
March 17th, 2007 by pravinash 2 comments »છંદ
March 16th, 2007 by pravinash No comments »અનુષ્ટુપ છંદની આજ્ઞા અનુસરી
મંદાક્રાંતા માં મંદ મંદ સરી
શિખરીણી દ્વારા શિખર સર કરી
નારી છંદમાં નરી નિરવતા ભરી
પ્રભુનો રચેલ એ છંદ છે અનેરો
એનો અર્થ જીવનમાં કળવો અઘરો
એ જુવાન પંક્તિ છે પ્રેમે અનુસરી
એનો પરિચયને સમસ્યા છે ભારી
વિદ્યાર્થી જીવનમાં વિદ્યાની લગની
પ્રેમીકા બની તે લાગે મનમોહિની
સાહસની તેને અંગે ફૂટે સરવણી
નવિનતાથી જીવને સુગંધ રેલાણી
એ કાવ્ય છે જેનું સંગીત સુરીલું
તેના મધુર તાલે ફરે ચક્ર નભનું
સુરક્ષિત હોય ત્યારે સર્જને શોભતું
સરજનહારનું રહસ્ય છતું થાતું
આમ કેમ?
March 15th, 2007 by pravinash No comments » જ્યાં જુઓ ત્યાં એકજ વાત
આમ કેમ?
નિર્દોષ માસૂમ બાળકોને પાગલ
ગોળી મારી મોતને ઘાટ ઉતારે
આમ કેમ ?
નાના નાના બાળકોના માબાપ
ઘરોમાં કરે છૂટાછેડાની વાત
આમ કેમ ?
પિતા થઈ પુત્રીનું રક્ષણ કરવાને
બદલે તેનું શિયળ ભંગ કરે
આમ કેમ ?
દિકરી માબાપની આંતરડી ઠારવાને
બદલે ઘરમાં લોહી ઉકાળા કરાવે
આમ કેમ ?
પુત્ર માબાપને સહારો દેવાને બાજુ
પર રાખી ઘર બહાર કાઢી મૂકે
આમ કેમ ?
પુત્રવધુ ઘરની આબરૂનું છડેચોક
લિલામ કરતાં જરાકે ન ખચકાય
આમ કેમ ?
પુખ્ત ઉંમરે સંસારી થવાને બદલે
નિત્ય નવીન સંગે મોઝ મઝા માણે
આમ કેમ ?
સજાતીય સંગે લગ્ન તથા સમાગમ
ભોગવી જાહેરમાં પ્રદર્શન કરે
આમ કેમ ?
ધર્મના નામે પ્રજાને ગુમરાહ કરી
તેમના પૈસે ધર્મગુરૂ જલસા કરે
આમ કેમ ?
બાળા હજુ કન્યામાં રૂપાંતર પામે
તે પહેલાં કુંવારી માતામાં પરિણમે
આમ કેમ ?
માથા ફરેલ ત્રાસવાદીઓના આતંકથી
કેટલાય નિર્દોષ કિંમતી જાન ગુમાવે
આમ કેમ ?
લગ્ન પહેલાં સહજીવનનાં ચસકા
માણી ખતરાને આમંત્રે
આમ કેમ ?
જમાનો બદલાયો છે એવા બોદા
કારણો દર્શાવી સમાજમાં ભેડિયા ફરે
આમ કેમ ?
સત્ય
March 14th, 2007 by pravinash No comments » અંધકારની પછેડી જેને ઢાંકવાનોને અસમર્થ બને.
સૂર્યપ્રકાશમાં સારા જગમાંહી જે ઝળહળી રહે.
ધૂળના ગોટેગોટા જેને ઉડાડવા અશક્ત બને.
વર્ષાની રિમઝિમ જેને પલાળવા નાકામયાબ રહે.
વાદળોની વણઝાર તળે છુપાઈ ના શકે .
સ્વચ્છ નિલાંબર ની નીચે પ્રકાશી રહે .
કાયાના કામણ જેને ડગમગાવી ના શકે.
સંજોગોની થાપટ ઝીલે છતાં અડીખમ રહે.
હિમાલય જેવી સ્થિરતા જેનો જોટો ના જડે.
નદીના ઘોડાપૂર નીર જેને વહાવી ના શકે.
બાળપણ જુવાની ઘડપણ ચલિત કરી ના શકે.
તેનું એકચક્રી સામ્રાજ્ય સમસ્ત જગે છાઈ રહે.
ડગલે પગલે આવતી કઠીનાઈ નો સામનો કરે.
જીવન પથપર દિવાદાંડીની જેમ ઝળહળી રહે.
હર્ષમાં કે શોકમાં તેનું તેજ સદા પ્રકાશી રહે .
આશાકે નિરાશાની હોડીમાં તે સદા તરતું રહે.
ચડતીમા સ્વયં તેની આભા તેજોમય બની રહે.
પડતીમાં તેનો આશ્રય વધુ ને વધુ ગાઢ બને.
સંસારી કે વૈરાગી તેનું એક સરખું પાલન કરે.
વિલાસી, વેપારી તેના મોલ મૂલવી ના શકે.
સમસ્ત સૃષ્ટિ હોય કે પરિવાર તેનું પ્રાંગણ.
તે હંમેશ તટસ્થ રહેવાનું કદી ન ઝુકવાનું.
સત્યને અસત્ય હાની પહોંચાડી ના શકે.
સત્યના પ્રભાવનો અસત્ય સામનો કરી ના શકે.
સ્ત્રી-પુરૂષ
March 14th, 2007 by pravinash No comments » સ્ત્રી સ્ત્રી જ રહેવાની
ઈશ્વર તારી મહેરબાની
જે સ્ત્રી કરી શકે
તે પુરૂષ કરી શકે?
કાગડો હંસની ચાલ ન ચાલે
તે તો કા કા કરવામાં મહાલે
સ્ત્રી માતૃત્વ ધારણ કરી
ગૌરવવંતી માતા બની શકે
સ્ત્રી ભણીગણીને નોકરી કરે
રાજકારણમાં સ્ત્રીનો જયજયકાર
પુરૂષના મનમાં ભલે જાગે વિકાર
સ્ત્રીની ઋજુતા સ્ત્રીનો પ્રેમ
પુરૂષ પાંગળો દાખવે વહેમ
સ્ત્રીનું માધુર્ય અને સૌમ્યતા
પુરૂષને સ્પર્શે તેની મોહકતા
સ્ત્રી રણચંડી થાય યા માર્દવ
પુરૂષને સ્ત્રી બનાવે આર્જવ
સ્ત્રી સરજનહાર અને ધર્મરક્ષક
પુરૂષ તારણહાર બને ના ભક્ષક
સ્ત્રી માતા બની ગૌરવવંતી થાય
પુરૂષ સમોવડી સ્ત્રી કદી ન થાય
સ્ત્રી સ્ત્રી જ રહેવાની
નારાયણી બની દીપવાની
સ્ત્રીની સહનશીલતા ને કરૂણા
પુરૂષ લોખંડી પીરસે પ્યારના ભાણા
અજમાવી જુઓ
March 13th, 2007 by pravinash No comments » આજે સવારના પહોરમાં સરસ વિચાર આવ્યો. તમારી સમક્ષ
રજુ કરું છું. જ્યારે હું કાંઈ પણ પ્રસ્તુત કરું ત્યારે શુધ્ધ ગુજરાતી
લખવાની હિમાયતી છું. પણ આજે જે પીરસીશ તેમાં અંગ્રેજીનો
ઉપયોગ આવશ્યક છે. તે બદલ પહેલેથી માફી માગી લઉં છું.
આશા છે માફ કરશો.
અંગ્રેજીના શબ્દો વાતે વાતે વાપરવાની પ્રથા ખૂબ પ્રચલિત
છે. તેનો અર્થ એમ ન કરશો કે હું ભદ્રંભદ્રના ગુજરાતીમાં જ
વ્યવહાર કરવાનું પસંદ કરું છું.
સામાન્ય રીતે
Family
I love you
Attitude
શબ્દો રોજબરોજની ભાષામાં વપરાય છે. હવે alphabet માં
૨૬ અક્ષરો છે. જો A=1,B=2, C=3 પ્રમાણે ગણીએ તો Z=26 થાય.
ચાલો ત્યારે થઈ જાવ તૈયાર અને ગણવા માંડો. સહુથી વધારે ગુણાંક
કોને આપશો.ઈંતઝાર કરો બે દિવસ પછી મળીશ અને તમને જણાવીશ.
જવાબ ખુલ્લા દીલે લખીને મોકલજો.
બહાર આવી હતી
March 12th, 2007 by pravinash 6 comments » વસંતના વાયરા વચ્ચે મુલાકાત થઈ હતી
હ્રદય ધક ધક થતું હતું લટ ઉડતી હતી
હજી પણ અહેસાસ છે ને દિલમાં રોમાંચ
એક બીજાને પામી આનંદ ઉમટ્યો હતો
દિલોએ જીવનભર સાથનો કોલ દીધો હતો
હર્ષનાં જામ છલકાયાને ઉમંગ ઉભરાણો હતો
પ્રથમ પ્યારની મહેક મારા અંતરે માણી હતી
‘અવિ’ને પામી ‘પમી’એ સંસાર માણ્યો હતો
એથી જ તો હા, હા, એથી જ તો આજે
જીવનમાં બહાર આવી હતી
લગ્નની વર્ષગાંઠ નિમિત્તે
——————
મનોહર છબિ
March 11th, 2007 by pravinash 1 comment »પથ્થર પર કંડાર્યો કાં
કાગળ પર જરૂરત કાં
તારી દિલમાં ઉતારી છે
એ છબિ મનોહર છે
તને કેમ કરી બતાવું
તું કેટલો વહાલો છે
તું ખૂબ સુહાનો છે
એ રિશ્તો પુરાણો છે
તારા શું કરું ગુણગાન
તને ભાળું રહેના ભાન
તારો કણકણમાં આવાસ
તને માણું હરપળ પાસ
તારું નિત્ય સુંદર સ્વરૂપ
તારું શિવમ પવિત્ર રૂપ
તું સત્ય સભર પાવન
તું સહુને મન ભાવન
તારી દિલમાં ઉતારી છે
એ છબિ મનોહર છે
સંઘર્યો સાપ
March 9th, 2007 by pravinash 4 comments » આપણામાં કહેવત છે ‘સંઘર્યો સાપ કામ આવે.’ જોકે મને
સંઘરવાની આદત નથી. કરીગરીથી ભરપૂર બે ઘડા ઘરમાં શોભી
રહ્યા હતા. એકમાં કાણું હતું પણ તેને હું ફેંકતી ન હતી. તેને જો
હું સમારવા જાઊંતો બેડોળ બની જવાનો ભય મને સતાવતો.
તેના વિચારમાં ક્યારે સૂઈ ગઈ ભાન ન રહ્યું. સ્વપનામાં
કાણાંવાળા ઘડાનું દુઃખ મારાથી સહ્યું જતુ ન હતું. મને કહે જુઓને
વરસાદનું પાણી ઝરમર ઝરમર વરસી રહ્યું છે. હું કમભાગી પીવા
યા સંઘરવાના કામમાં આવી શકતો નથી. કેમ કરીને તેને સમજાવું
ભલેને તારામા નજીવી ખૉડ છે પણ તારી શોભા તારા ભઈબંધ કરતા
જરા પણ ઉતરતી નથી. પણ કેમે કર્યો તે માનવા તૈયાર ન હતો.
મારે એને સાબિત કરીને તેની ગુણવત્તા સમજાવવી હતી.તેની જાણ
બહાર બગીચામાં ડાબી બાજુએ સુંદર ફૂલોના બી વેરી મૂક્યા. દરરોજ
બગીચાના નળમાંથી પાણીભરી જમણા હાથમા કાણા વગરનો ઘડો અને
ડાબાહાથમાં કાણાવાળાને લઈ ચાલતી. દસેક દિવસ આ ક્રમ ચાલુ રહ્યો.
નાના મઝાના સુંદરછોડ બહારઆવી ઝુમી રહ્યા હતા. કાણાવાળા ઘડાને
દર્શાવી મેં કહ્યું ‘જો તારા કાણાંમાંથી પડતા પાણીનું પરિણામ.’
દરરોજ અજાણતા તારાથી કેટલું સુંદર કાર્ય થયું, તારી જાણ વગર કાણાંમાંથી
પડતા પાણીનું આ કાર્ય.
કાણાવાળો ઘડો તો આ માનવા તૈયાર ન હતો. પણ નરી આંખે તે નિહાળી
રહ્યો અને ફરિયાદ કરવાનું વિસરી ગયો.
કહો તો
March 8th, 2007 by pravinash 3 comments » વાણીનો વિલાસ છે કે વિલાસી વાણી છે
વાદળામાં વરસાદ છે કે વરસી રહ્યાં વાદળા છે
કેરીમાં ગોટલો છે કે ગોટલામાં કેરી છે
તનમાં અહંકાર છે કે અહંકાર તનનો છે
સમતા સહજ છે કે સહજતામાં સમતા છે
માધુર્યભરી વાણી છે કે વાણીમાં મધુરતા છે
અજવાળાં વ્યાપ્યા છે કે વ્યાપકતામાં અજવાળું છે
રાગમાં અનુરાગ છે કે અનુરાગનો રાગ છે
ઈર્ષ્યામાં દ્વેષ છે કે દ્વેષમાં ઈર્ષ્યા છે
અસંતોષ જીવનમાં છે કે જીવનનો અસંતોષ છે
હાજરીમાં ગેરહાજરી છે કે ગેરહાજરીમાં હાજરી છે
ટેટામાં વડ છે કે વડ પર ટેટા છે
ઉંઘમાં જાગે છે કે જાગતો ઉંઘે છે
વહાલ વરસે છે કે વરસી રહ્યું વહાલ છે
અંતરનાં અંતર છે કે અંતર અંતરમાં છે
ખુશી મિલનમાં છે કે મિલનથી ખુશી છે
માનવી માનવ બને કે હર માનવી માનવ છે