મારા આગમને મારી દાદીમાએ જલેબી વહેંચી. હું ખૂબ શુભ પગલાની
ગણાઈ. સારા નસીબે, મામ્મી અને પપ્પા બંને ને જલેબી ખૂબ જ ભાવે છે.
અમારામા પહેલી પ્રસુતિ સાસરે જ થાય તેથી મમ્મી મારા દાદીના રાજયમા
સરસ મજાનું ખાવાનું પામતી. માના સ્તનને વળગી હું સંતોષ પૂર્વક અમીનું
પાન કરતી. પ્રથમ બાળક તરીકેના બધા લાડ પ્યાર અને કાળજી મને મળી.
સારા સંસ્કાર પામું તેથી મમ્મી દુધ પીવડાવતી વખતે ભજનની કસેટ સાંભળતી.
હું ખુબ ભાગ્યશાળી હતી . મને આવું સુંદર કુટુંબ તથા આવા પ્યારા માતાપિતા
મળ્યા.
મળવા આવનારની વાતો સાંભળવાની મને મઝા પડતી. એમ ન માનતા કે
હમણાં જ ધરા પર ડગ માંડ્યું છે તેથી મને શું ખબર પડે. હા, હું માત્ર માતાનું દુધ
પીંઉ છું. નથી બેસતી કે બોલતી કે ચાલતી. પણ ખાનગી વાત કહું છું મને સમઝ
બધી પડે છે. મારૂં નામ રાખ્યું “શાન”. સગા વહાલાની વણઝાર ઉમટતી. જેને
પહેલે ખોળે દિકરો જોઈતો હોય એવા મને જોઈને નિરાશ થતા. છતાં પણ મારા
મુખારવિંદની નિર્દોષતા તેમના હૈયાને સ્પર્શી જતી. ઘરમા મળેલી અનોખી
સરભરા મારા હૈયાને અડી હતી. મનમા સરજનહારનો આભાર માનતી કે
માગ્યા વગર મને કેટલું બધું આપ્યું હતું.
દિવસે દિવસે મારી પ્રગતિ સુંદર રીતે થઈ રહી હતી. બેશક તેમાં ભાગ ભજવતો
હતો, મારી માતાનો પ્યાર અને દાદીની ચીવટ પૂર્વકની કાળજી. સંસ્કારી હોવાને
નાતે મારી માતા દાદીની રોકટોક મનમા ન લેતાં તેમા રહેલા પ્યાર ને પિછાનતી.
કહેવાય છે કે દિકરી દિવસે ન વધે તેના કરતા રાતે વધારે વધે. મને
લાગે છે આ ઉક્તિ મને બરાબર બંધ બેસતી હતી. જો કે મને સાપનો ભારો નહી
પણ “લક્ષ્મી” માનવામા આવી હતી. ખરેખર મારા પિતાની ચડતી મારા આગમનથી
શરૂ થઈ હતી. પણ બધો જશ ખાટું એવી સ્વાર્થી હું નથી. મારા દાદા દાદીના પ્રતાપે
મારા પિતા સુંદર વિદ્યા વર્યા હતા. ભણતર અને વિદ્યાતો જીવનની મૂડી છે નહી કે
લાખો રૂપિયા.
માના દુધનો મધુરો સ્વાદ માણતી હું ક્યારે છ મહિનાની થઈ ગઈ ખબર પણ
ન પડી. બેસતા શિખી અને મને મમ્મીએ ધીરે ધીરે વાટકીથી દુધ પિવડાવવાનું
શરું કર્યું. જેથી બાટલી ધોવાની જફામાંથી તેને છૂટકારો મળ્યો. રમકડાનો તો મારી
ચારે બાજુ મેળો જામેલો હોય. રંગબેરંગી રમકડા મને ખૂબ આનંદ આપતા. હાથપગ
ઉલાળી હું મારા આનંદની અભિવ્યક્તિ કરતી. ધીરે ધીરે દાંત આવ્યા અને પકડીને
ચાલતી થઈ ગઈ.
પહેલી વર્ષગાંઠ આવી અને ઘરમા સરસ મજાના ફુગ્ગા દ્વારા સજાવટ કરી. ચાલો
ત્યારે તમને આમંત્રણ મળ્યું છે તો આવજો અને મને રમાડવાનો લહાવો લેજો. હું
તો કદાચ મારા નિયમિત સમયે સૂઈ પણ ગઈ હોંઉ. તમે મમ્મી પપ્પાની સાથે
આનંદ માણજો. મારા નાના નાની અને મામા માસીને પણ મળજો જરૂર——–