તુલસી આજે ખુશ હતી. ‘તુલસી વિવાહનો’ દિવસ તેને માટે મંગલ હતો.
અમેરિકામા આવે ગઈ સાલ ૨૫ વર્ષ પૂરા કર્યા. છતાંય તેનુ જોમ જરાય
ઓસર્યું ન હતું. નોકરી પર જવાનું હોય તો તે દિવસે અચૂક રજા લેતી.
ભારત ભલે છોડ્યું પણ વાર તહેવાર ઉજવવા ,પ્રસંગ અનુસાર પકવાન
તેમજ ખાણીપીણી બનવવી તુલસીને ખૂબ ગમતું.
પૈસે ટકે તેને કોઈ ચિંતા હતી નહી. કિસન પણ તુલસીને સર્વ રીતે
અનુકૂળતા મળે તેનો ખ્યાલ રાખતો. રાખેજ ને તુલસિ હતી જ એવી. દુશ્મનને
પણ વહાલી લાગે. શેર માટીની ખોટ માટે તે એકલી તો જવાબદાર હતી નહી
એ કિસન સારી રીતે જાણતો હતો.
પોતે રજા લે અને કિસનને પણ લેવડાવે. કિસન ભલેને ડોકટર
હોય પણ ઘરમા તેની કોઈ સલાહ કામ ન લાગતી. તુલસી હતી પણ
પ્રેમાળ. મીઠુ બોલી સ્નેહથી કુશળતા પૂર્વક કામ કઢાવતી.
તુલસી અને કિસને આજના શુભ દિવસે પ્રભુતામાં પગલાં પાડ્યા
હતા. વકિલ તુલસી અને ડોક્ટર કિસન પછી અમેરિકાની જાહોજલાલીની
શું વાત કરવી. તેના સુંદર ઘરમા વચ્ચોવચ તુલસી ક્યારો બનાવડાવ્યો
હતો. રોજ સવારે ક્યારે ઘીનો દીવો કરી મસ્તક ઝુકાવીને આંગણા બહાર
પગ મૂકતી.
‘તુલસી વિવાહને દિવસે ધુમધામથી તુલસીને કૃષ્ણ સાથે પરણાવી
પતિ પત્ની ખુશ થતા. હા, મિત્રો ને આમંત્રિ સુંદર પ્રસંગ ઉજવવાની તેને
હૈયે હોંશ રહેતી. કિંતુ લગ્નના આટલા વર્ષો પછી પણ ઘરમાં પા પા પગલી
પાડનાર ન હોવાને કારણે ઘરમા બને જણા નવલા વર અને વધુની જેમ
તૈયાર થઈ વિવાહનો પ્રસંગ ઉજવતા.
ઘરમા કામ કરતી ‘જુલી’ પણ આજે સરસ તૈયાર થઈને આવી હતી.
બક્ષીસ પણ સારી પામતી. તેને પ્રથમ બાળક અવતરવાનું હતું બસ આજનો
પ્રસંગ ઉજવી તેની રજા શરૂ થતી હતી. તુલસીએ તેને ચાલુ પગારે રજા આપી
હતી.
હોંશમાં ને હોંશમા જુલી કામ જરા ઝડપથી કરી રહી હતી. ભારે વજનને કારણે
માર્ગમા પડેલી થાળી દેખાઈ નહી અને ઠેસ વાગી. જુલી પડી અને તેને દર્દ ચાલુ
થઈ ગયું. ૯૧૧, ને ફોન કર્યો. તરત એમબ્યુલન્સ આવી જુલીએ પાંચ અઠવાડિયા
વહેલાં બાળકને જન્મ આપ્યા. તેને તો ખબર પણ ન હતી અને એક દિકરો તેમજ
દિકરી આવ્યા.
બાળક વહેલા હોવાને કારણે તેમને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવી પડી. કિસન
પોતે ડોક્ટર હતો અને તેને ત્યાંજ આ પ્રસંગ બન્યો તેથી ખડે પગે ઉભા રહી તેની
સંભાળ રાખી.
જુલી આમ તો સારી હતી. પણ બાળકો અકસ્માતથી આવ્યા તેની અસર ૧૨ કલાક
પછી જણાઈ. અંદર કોમ્પલીકેશનને કારણે તેના આખા શરીરમા ઝેર ફેલાઈ ગયું. તેને
પોતાને ખબર પડી ગઈ હતી કે કદાચ તે લાંબુ નહી જીવે.
જુલીનો પ્રેમી તો સગર્ભા જાણી ને છૂમંતર થઈ ગયો હતો. જુલીએ કિસન અને તુલસીની
સામે જોયું. તેની આંખો જાણે કહી રહી હતી ‘હું કદાચ આ દુનિયામા ન રહું તો મારા ફુલ જેવા
બાળકોને તમે મોટાં કરજો.’
બનવા કાળ બનીને જ રહે છે. જુલી વિદાય થઈ. કિસન અને તુલસીતો સ્તબ્ધ થઈ ગયા.
આ શું બની ગયું. કિસને હોશ સંભાળ્યા અને કાયદેસર બાળકોના માતા તથા પિતા બન્યા.
તુલસી વિવાહને દિવસે બનેલી દુર્ઘટનાએ કિસન અને તુલસીની દુનિયા સંવારી
દીધી. જુલીની સંપત્તિ દિકરો અને દિકરી હવે કિસન અને તુલસીના હૈયાના હાર બની બેઠાં.
દિકરીનું નામ પાડ્યું વૃંદા અને દિકરાનું નામ શ્યામ.
હવે તો “દ્વારિકા” તુલસી અને કિસનના નવા ઘરનું નામ પડ્યું. ‘તુલસી વિવાહ’ની
ધુમધામ ઔર વધી ગઈ. હવે તો મિત્રોનો મેળો જામતો. ભારતથી કિસન અને તુલસીના
માતા પિતા પણ અનુકૂળતા પ્રમાણે જોડાતા.
વિવાહ પછી આવતા વૃંદા અને શ્યામનો જન્મ દિવસ. જુલીને યાદ કરી તુલસી ઘીનો
દીવો કરતી અને બાળકોની પલટણ સાથે વૃંદા અને શ્યામની વર્ષગાંઠની ભવ્ય પાર્ટી ઉજવતી.
સુંદર ભાવભરી વાર્તા.