લગ્નની મોસમ
દેવઉઠી એકાદશી ગઈ નથી અને ઘરે ઘરે શરણાઈ ગુંજવા લાગી.
માબાપ તો લગ્નની વાડીથી માંડીને ઘરેણાં અને કપડામા ગુંથાયેલા
હોય.
નવ યુગલો પોતાના ભવિષ્યના કિલ્લા બાંધતા હોય. તો પછી
કઈ દિશામાંથી વાવાઝોડું ફુંકાય છે કે મોટા ભાગના લગ્ન છ કે બાર
મહિનાથી વધુ ટકતા નથી.
લાખો રૂપિયા કે હજારો ડોલરોનું પાણી કરી અંતે પરિણમે છે છૂટાછેડાના
લાંબા રકઝક મા . એમાંય કમાય પેલા વકીલો. કોણ સાચું અને કોણ ખૉટું એ
તો ઉપરવાળાને ખબર.
આ સમસ્યા ઘર ઘરની છે. પુખ્ત વયના બાલકોના માતા પિતા ખુબ
મુંઝવણમા છે. શું આપણે અમેરિકા આવીને ભૂલ કરી. સમૃધ્ધિતો પ્રગતિને
આંબનારી હોય રુંધનારી નહી.
આપણે ક્યાં ગોથું ખાઈ ગયાકે આવી પરિસ્થિતિનો સામનો કરવો
પડે છે. સ્વતંત્રતા અને સ્વચ્છદંતા વચ્ચે ખૂબ બારિક લક્ષમણ રેખા છે.
અમેરિકા હોય કે ભારત આ સમસ્યા બધાને સરખી નડે છે. અરે, ચાર
કે પાંચ વર્ષથી એક્બીજાથી પરિચિત હોય. મનપસંદ સાથી હોય તો
પણ પરિણામે છૂટાછેડામા.
જો થોડા વર્ષો પહેલાની વાત કરીશું તો કહેવાશે “ઓલ્ડ ફેશન”.
અરે એવા ‘ઓલ્ડ ફેશન’વાળા પણ લગ્નના ૨૫ યા ૩૦ વર્ષ પછી અલગ
રાહના રાહી બને છે કારણ ? અમારી બંનેની વચ્ચે કશું સામ્ય નથી ! અમે
બંને બાળકોને લીધે ભેગા હતા હવે તેઓ માળો છોડી ગયા તેથી અમે અમારા
રસ્તા પકડ્યા.
પતિ યા પત્ની કોઈ માંદગીના શિકાર બને તો પણ વાંધો નહી. બસ અમને
નથી ફાવતું અમે છૂટા થઈ જવાના. લગ્નની મોસમ પૂર બહારમા ખીલી છે. સોનાના
ભાવ આસમાને છે. પૈસા પાણીની માફક ખરચાય છે. લગ્ન કરનાર વ્યક્તિઓ બે વખત
સવાલ પૂછે પોતાની જાતને શું ખરેખર હું જવાબદારી ઉઠાવવા તૈયાર છું ?
આજકાલની ભણેલી ગણેલી વ્યક્તિઓ સમજી વિચારીને આ પગલું ભરે તે આવશ્યક
છે. લગ્ન એતો પવિત્ર રિશ્તો છે. બે શરીરનું મિલન કરતાં બે પવિત્ર આત્માની ઐક્યતા છે.
તેમાં ઉતાવળ નહી સમઝણ મુખ્યભાગ ભજવે છે. એક બીજા માટે નિઃસ્વાર્થ પ્રેમ,
બંને કુટુંબની વ્યક્તિ તરફ આદરભાવ અને પતિ પત્નીનો એકબીજા તરફની માનની દૃષ્ટિ.
પ્રભુતામા પગલાં વિચારીને માંડજો કે એ ડગ પાછા ન ભરવ પડે!