માની મમતા એ કોઈનો ઇજારો નથી. દરેક માના હ્રદયમા એ ઝરણું સતત વહેતું હોય છે.
પરિસ્થિતિ પ્રમાણે તેમા કોઈ વાર ભરતી કે ઓટ જણાય કિંતુ સતત વહેતા એ ઝરણાંના
સ્પંદનો અને શિતળતાના દર્શન દુર્લભ છે. તેનો તો માત્ર આહલાદક અનુભવ જ હોઈ શકે.
હલોવીન આવે એટલે સાંજ પડે વાનરની ટોળીની ધમાલ સંભળાય. ( મિત્રો, હલોવીન
અમેરિકામા ઉજવાતો તહેવાર છે. તેમા બાળકો જાતજાતના પહેરવેશ પહેરી આવે. તમારે
બારણે આવી ‘ટ્રીક ઓર ટ્રીટ’ કહે .એટલે તમે એને બેગમા ચોકલેટ આપો. ઘણા બાળકોને
રેસ્ટોરન્ટની કુપન આપે જેથી તેઓ જઈને આઇસક્રિમ ખાઈ આવે યા નાસ્તો કરી આવે.
ઘણા ૨૫ યા ૫૦ સેન્ટ આપે. બાળકો નાના હોય તો માબાપ તેમને લઈને નિકળે. આ
તહેવારમા કોઈ માને કોઈ ન માને . દરેકની અપની અપની પસંદ જેવું છે. ભારતના
મિત્રોની જાણ ખાતર થોડી માહિતિ લખી છે. કદાચ ખબર હોય પણ ખરી.)
બાળકો માટેના આ તહેવારમા દ્વારે આવેલ બાળકો સાથે ખૂબ મજા આવે. તેમની
આંખમાંથી ટપકતા પ્યારના દર્શન કરવા એ લહાવો છે. જો તેમને ભાવતી ચોકલેટ હોય તો
કહેશે મને વધારે આપોને. ખુશીથી છલકાતું હાસ્ય તમારી તરફ વેરી દોડી જાય.
કાંઇ કેટલાય બાળકો આવી રહ્યા હતા. ન દરવાજો ખોલવાનો કંટાળો આવે કે ન ચોકલેટ
આપવાનો. લગભગ બે કલાક સુધી પ્રવાહ ચાલતો રહે.
નિશાને થયું બસ હવે કોઈ નહી આવે. બહારની લાઈટ ચાલુ રાખી જમવાની તૈયારીમા
પરોવાઈ. તેના બાળકો પણ ઘર ભેગા થઈ ગયા હતા. ઘરમા આવીને પહેલું કામ ચોકલેટ ઠાલવી
બે જુદા સરખા ઢગ બનાવ્યા. નીલ કહે આ મારો ભાગ નીના આ તારો.
નિશા, સ્નેહલને હસતા હસતા કહે , જો તો ખરો બેય જણા બાપની મિલકતના ભાગ કરવા
બેઠા છે. જે નીલ અને નીનાને નહોતી ભાવતી એ બધી ચોકલેટ એક બેગમા જુદી ભરી.
કાલે ‘રોઝી’ આવશે તેની બાળકો ને આપીશ.
થાળીઓ મંડાઈ અને બધા ડાઈનીંગ ટેબલ પર જમવા ગોઠવાયા. નિશા પિરસતી હતી
ત્યાંજ બારણાની બેલ સંભળાઈ. દરવાજો ખોલ્યો તો એક બહેન બાબાગાડી સાથે હતા. જો કે
તેની ઉમર ૩૦ યા ૩૫ થી વધારે નહી હોય. નિશાએ તેને બેગમા ચોકલેટ આપી. હવે કોઈ
નહી આવે એમ સમજી બધી ઠાલવી દીધી. બાબાગાડીના બાળકને જોવાની ઇંતજારીથી
તેને ખોલીને જોયું તો પાંચેક વર્ષની છોકરી હતી. બાળકી બોલી ‘હાય’.
નિશાએ ‘હાય’ કરી પાછું બંધ કર્યું. છોકરીની મા કહે ‘છ મહિના પહેલાં તેને તાવ આવ્યો
હતો . તેમા તીની દૃષ્ટિને અસર થઈ છે. બહુજ આછું દેખાય છે. પગ પણ વળી ગયા છે.
મારી દિકરીને ‘હલોવીન’ ખુબ ગમે છે તેથી તેને બાબાગાડીમા બેસાડી ઘરે ઘરે
‘ટ્રીક ઓર ટ્રીટ’ કરવા નિકળી છું. તેથી થતો આનંદ એ મારે માટે બહુજ અગત્યનો છે.
ઘરે જઈને અમે બંને કેટલી ચોકલેટ ભેગી કરી તે જોઈને ખુશ થઈશું. તેના મુખ
પર ફેલાયેલી આનંદની આભા જોઇ આજે રાત્રે મને પણ નિંદર શાંતિથી આવશે.—–