શિર્ષક વિનાનો લેખ નવાઈ લાગશે. અરે માત્ર શિર્ષક નથી એવું નથી.
વાતમા કાંઇ માલ પણ નથી. કોઈ રાજા પણ નથી કોઈ રાણી પણ નથી.
નથી તેમાં તરવરતો નવજવાન યા સુંદર મેનકા જેવી તરૂણી.
તો પછી શું નવું તાજું ફૂલ જેવું બાળક છે કે નિર્દોષ કન્યા. જો તે પણ
નથી તો અરે, કોઈ આતંક્વાદી તો નથી ને. શું તે પણ નથી. હા, હા, હા જરૂર
લેખક યા લેખીકા હોવાના, અરે ભાઈલા તેઓ પણ નથી.
તાજાં પરણેલા છે ? નવી નવેલી દુલ્હન અને તેનો પાગલ પ્રેમી. ચાલો
તમે રાજી તે પણ નથી. ભલે ભાઈ ૨૫ વર્ષની વર્ષગાંઠ ઉજવતું સુંદર યુગલ
તેમના સુખી પરિવાર સાથે છે? તેનો જવાબ પણ ના. તો તો ચોક્ક્સ નાના,
નાની છે. આજકાલ તેમનો ભાવ સોના જેટલો મોંઘો છે. શું કહો છો તેમની વાત
પણ નથી.
હવે તો મારું મગજ બહેર મારી ગયું નક્કી દાદા અને દાદી છે. એકલા અટૂલા
ગામડે રહે છે. દિકરીને બે વર્ષ પહેલાં પરણાવી શહેરમા સાસરે વિદય કરી. માબાપનું
નામ ઉજાળે એવી છે. સાસરીમા દુધમા સાકર ભળે તેમ ભળી ગઈ. માબાપને કાળજે
ઠંડક છે. દિકરો ગોરી મઢમડી લાવ્યો આગ્રહ કરી અમેરિકા બોલાવે છે પણ દાદીનો ધરમ
વટલાઈ જાય એટલે જવાની ના પાડે છે. ઓ ભાઈલા આ પણ નથી.
તો તો પછી નક્કી વાત પેલા આઇ.ટી સાહેબની છે. એ વાત જૂની થઈ ગઈ.
ચાલ ત્યારે એમ.બી.એ. વાળા ભાઈ વિશે લખ્યું છે. તેમના વિશે શું લખવું. ચાલ ત્યારે
કોઈ સર્જન જરૂર હશે. પૈસા છાપવામા દુનિયાદારીનું ભાન નથી રાખતો અને બૈરી છોકરા
આડેધડ ખરચે રાખે છે. કહેજે બે પસા બચાવે અને ચાર પૈસાનું યોગ્ય સ્થળે દાન કરે.
કોઈ ગરીબ વિદ્યાર્થિ નું ભણતર પૈસાને અભાવે રવળી ન જાય તેનો ખ્યાલ રાખે.
તેને બરાબર ખબર છે વિદ્યાની શક્તિ અપાર છે. આ વાત પણ નથી. અરે, હું ભુલી પેલી
રાજકારણમા પ્રવેશેલી ‘માલા’ની વાત કરો છો. ઓ, તેનો જવાબ પણ ના.
ખરેખર પેટછૂટી વાત કહું તમે પેલા ‘કાનજી ગોર’ ની વાત તો નથી કરતાને ?
કેટલાય લોકોને નવડાવી, તેમના પૈસા અને દાગીના લઈ રફુચક્કર થઈ ગયો હતો.
હવે સાધુ થઈ ગામે ગામ ફરી ‘ઉપદેશ’ આપે છે. ‘ભજન’ ગવડાવી માલ મલીદાવાળા
‘ભોજન’ આરોગે છે. વાડી વજીફાંવાળા લોકોની મહેમાનગીરી માણી હજારો ડોલર લઈ
ભારત ભેગા થાય છે. લોકોને સંસાર ત્યાગવાનો સંદેશ આપે અને પોતે દેશ જઈ મહેલ
બનાવડાવે ગાડીઓમા ફરે. આ વિશે પણ નથી.
હવે તો હદ થાય છે. મારું મગજ પણ વિચાર કરીને થાકવા આવ્યું. નાક્કી
ભારતમા ફેલાયેલી મોંઘવારી પર છે. કાંદા અને બટાકા જેવા સસ્તા શાક પણ ૪૦રૂ.
કીલો. ફલફળાદીને તો અડકવાના પણ પૈસા આપવાના. સુકોમેવો સુંઘવાનો કે ખાવાનો.
આવું તે કાંઈ લખાય.
જરુર આપણા દેશના વસ્તિ વધારા વિશે વાત લખી હશે? અ ધ ધ ધ રસ્તા પર જાણે
૨૪ કલાક મેળો ભરાયો છે. સવારના ૪ વાગ્યા નથી ને લોકો બસ ચાલતા જ હોય. આખા
દિવસમા ક્યારેય કોઈ પોરો ખાતું હોય તેવું જણાતું નથી. આ જેમને ઘરે બે ગાડી અને ચાર
નોકર છે ત્યાં એક બાળક અને જ્યાં ભૂત ભુસ્કા મારે અને હનુમાન હડી કાઢે તેવા ઘરોમાં
૪ થી ૫ બાળકો. હાંલ્લાંય કુસ્તી કરતા હોય તે નફામા. બાપ રાતના મોડો આવે કે બાળકોના
દયામણા મોઢા જોવા ના પડે. મા, પતિની રાહ જોતી હોય અને નાના ધાવણા ને પસવારતી
હોય. પેલું ચૂસી ચૂસીને મરે. પણ હાય, ક્યાં ટીપુય જણાય. પેટનો ૬ ઇંચનો ખાડો દુધ બનાવે
તો ય શેનું? આ વાત પણ નથી—–
હવે હું થાકી પણ પ્રયત્ન નહી છોડું. કલમ તૈયાર છે વિચારશક્તિ ધીરી છે.
ઓલી નાટકિયણ રોજ નખરા કરી ટપ ટપ ચાલીમાંથી જાય છે તેના વિશે છે. એના
સેંડલના અવાજે ફટાફટ બારીઓ ખૂલે યા તિરાડમાંથી લોલુપ આંખો દર્શન કરી પાવન
થાય.
હવે તો હદ થઈ, પેલા ‘ટેલન્ટ’ શોવાળૉ નાનો મુન્નેરાજા છે કે સારેગમવાળી શિખા.
હા, પેલી નવી સિરિયલ ‘સો દા’ડા વહુના તો એક દા’ડો સાસુનો’ એકતા કપૂરની નવી
ખૂબ ચર્ચાને ચગડોળે ચડેલી———-
બસ હવે હદ થઈ, છેલ્લો પ્રયાસ જરૂર પેલા ખૂણામા રહેતી , રાત દિવસ ખાંસતી
મરવાને વાંકે જીવતી ડોશી વિશે લખ્યું છે. ઘરના સહુને વળાવી ચૂકેલી ૯૨ વર્ષની
ડોશી પર ભગવાન ક્યારે કૃપા કરશે. જમડો પણ જેનું ઘર ભૂલી ગયો છે. તેને કાંધ
દેવા કોણ આવશે ? તેનું ખાંપણ કોણ લાવશે———