લોટરી લાગી, એ શબ્દો કેટલા રોમાંચક છે. પછી ભલેને સો રૂપિયાની લાગે
કે લાખ રૂપિયાની. સ્ત્ય ઘટનાને આધારિત આ વાત વાંચવાનું ચૂકશો નહી.
ગંગા, મારી સહેલીને ત્યાં છેલ્લા ૪૫ વર્ષથી કામ કરે છે. હવે તો તેને “નોકરાણી”
કહેવી તે અપમાન જનક શબ્દ લાગે છે. ઘરની પ્રતિભા જાળવનાર ગંગા, આખા
ઘરને ચલાવનાર ગંગા, રસોડાની રાણી ગંગા, બાળકોની દેખરેખ પણ ગંગા નિત્ય
કરે. અરે વખત આવે ઘરનાને ખખડાવે પણ ખરી.
વર્ષો થયા અમેરિકા આવ્યે. એ ગંગાને છેલ્લે હું દસેક વર્ષ પર મળી
હતી. આ વખતે ભારત ગઈ ત્યારે મને ફરી મળવાનો મોકો મળ્યો. પુરાણા
દિવસોની યાદ તાજી થઈ. જ્યારે હું મારા બે બાલકો વખતે ગર્ભવતી હતી
ત્યારે હંમેશ કહે ‘હેં નીના બહેન અંહી રોજ જમવા આવતા હો તો તમને રોજ
ગરમ ગરમ રોટલી જમાડું. આજે જ્યારે યાદ આવે છે ત્યારે આંખના ખૂણા
તગતગી ઉઠે છે. નિર્મળ પ્યાર હવે તો જાણે સ્વપનું થઈ ગયું.
આ વખતે ગંગા મળી.ખુબ ખુશ હતી. મારી સહેલીતો દસ વર્ષ થવા
આવ્યા “કેન્સર” તેને ભરખી ગયો. પણ ગંગા હજુ તેના પરિવારની દેખરેખ
રાખે છે. નામ તેવા ગુણ. એ જ નિષ્ઠાપૂર્વક રસોઈ પાણીનું કામકાજ સંભાળે
છે. ઘરમા શું છે ને શું લાવવાનું છે તે બધી વાતની ગંગાને ખબર. અરે તેના
હાથ નીચે બે માનસો પણ કામ કરે છે. એવી આ ગંગા મને પાછી મળી.
નીના બહેન, હરખ જતાવતી આવી અને મને ખુશીના સમાચાર દેવા અધુરી
કહે મને “લોટરી લાગી”. હું તો ખુશખુશાલ થઈ ગઈ.
હવે વાત એમ હતી કે તે વર્ષો થયા ઝુપડપટ્ટીમા રહેતી હતી. મુંબઈમાં ત્યાં ટાવર
બનાવવાનું સરકારે નક્કી કર્યું. રાજા, વાજા અને વાંદરા સરખા.બધા ત્યાંનારહેવાસીઓને
કહે કે જગ્યા ખાલી કરો. બિચારી ગરીબ પ્રજા ક્યાં જાય. જેના નામના ઝુંપડા હતા તે
બધાને પૈસા આપવાનું નક્કી થયું .ગંગાએ આખી જીંદગી નહોતું ભાડું ભર્યું કે કોઈ પણ
વાર પાણી અને વિજળીનાપૈસા ભર્યા. માત્ર તેના નામ પર એ સરનામાનું રેશન કાર્ડ
હતું.
ભલું થજો રેશન કાર્ડનું કે જેને લીધે આખી જીંદગી સસ્તી ખાંડ, ચોખા અને ઘંઉ તે
લાવતી. આ રેશન કાર્ડે તો તેને સાબિતી પૂરી પાડી કે ‘ગંગા ‘ આ સરનામા પર છેલ્લા
૩૦ વર્ષથી રહે છે.
પછી તો તેના શેઠે તેને પીઠબળ પુરું પાડ્યું. તેની સાથે બધી સભામા ગયા અને
મકાન બાંધવાવાળા પાસેથી પૂરા “૨૫ લાખ” રૂપિયા મેળવ્યા. ગંગા જેણે આખી જીંદગી
એક જ શેઠની નોકરી કરી હતી. અરે એ કુટુંબની જે એક મોભાદાર સદસ્ય બની ગઈ હતી
તેને આજે પોતાનું કહી શકાય તેવું સુંદર ઘર છે.
તેના શેઠે તેને આખું ઘર વસાવી આપ્યું . તેના મુખ પરની સંતોષની લકીર જોઈ
મારું મન પણ પ્રફુલ્લિત થઈ ઉઠ્યું અને ‘ગંગાને લોટરી’ લાગી તેનો આનંદ સર્વત્ર હવામાં
ઘુમરાઈ રહ્યો.