Archive for the ‘સ્વરચિત રચના’ category

સ્ત્રીની કહાણી

December 16th, 2010

સ્ત્રીની  કહાણી નરવી સુહાની

સ્ત્રી જીવને ત્રણવાર વિંધાણી

નાનપણમા કાન વિંધાયા

લિમડાની સળી ખોસાણી

કન્યા બનીને નાક વિંધાણું

હીરાની સુંદર જડ જડાણી

નવોઢા બની સાસરે સમાણી

પિયુના પ્યારમા હૈયું વિંધાણું

ત્રણ વાર જીવનમા  વિંધાણી 

હૈયેથી કદી ‘ઉફ’ ન સેરવવાની

આ છે સ્ત્રીની રમણિય કહાની

ભારતમા બારીએથી

December 10th, 2010

ઉગતા સૂરજનું પહેલું કિરણ તિરાડમાંથી પ્રવેશ્યું

નયનરમ્ય  ઉષા  નિહાળી   અંતઃસ્તલને સ્પર્શ્યું 

બારીએથી દૃશ્ય  નિરખી  નયનેથી  અશ્રુ  સર્યુ

અપાહિજ ભીડ ચિરતો સાયકલ સવાર    દીઠો

કોને ખબર ક્યાં દોટ મૂકી હતી શહેરના મેળામા

 લોખંડના સળીયા ભરેલ હાથગાડી ખેંચતો દરિદ્ર

કમરેથી બેવડ અને ગણી શકાય તેવું હાડપિંજર

ફાંદવાળો શેઠ દરવાનને વિના વાંકે  તતડાવતો 

લબરમૂછિયો હરએક આંગણમા છાપા પહોંચાડતો

ઘંટડી વગાડી ‘દૂધ’ કહી ઘરની નારને જગાડતો

ભાજી લ્યોની રાડ પાડતો ત્રાજવું ખખડાવતો કાછિયો

દુધ વગરની છાતીએ વળગેલને પુચકારતી કાછિયણ

ડબલરોટી તાજી ચાને સમયે લાવતો પેલો સુલેમાન 

ઘણા વર્ષો પછી આ દૃશ્યો ભૂતકાળમા સેરવી ગયા

આ મુંબઈ મારી જાન

November 30th, 2010

જન્મધરીને શ્વાસ લીધાંતા

ખોળો ખુંદ્યો ચેતના પામી

આ મુંબઈ મારી જાન

હવામાં ખુશ્બુ સાગર તરંગો

ગગનને આંબે ઉંચી ઇમારત

આ મુંબઈ મારી જાન

ભોળાભાલા મુખના સ્મિત

પ્રેમના અવધિની એ રીત

આ મુંબઈ મારી જાન

ગાયબ ચહેરા નવિન પાત્ર

ખણખાણાટનો મહિમા અપાર

આ મુંબઈ મારી જાન

હસ્તી વિલાશે મોંઘવારી વરતાયે

પ્રગતિના સોપાન સર થાયે

આ મુંબઈ મારી જાન

ભલે બદલાય કિમત રુપિયાની

ભલે ભદલાય દૃષ્ટિ માનવીની

આ મુંબઈ મારી જાન

ભોમકા વહાલી હોય

November 28th, 2010

વર્ષોના વહાણા વાયા તોય

મુજને  ભોમકા વહાલી હોય

માટીની સુગંધ સુહાની હોય

તેની   હવામાં  ખુશ્બુ   હોય

મુજને ભોમકા  વહાલી  હોય

દરિયાની લહેરો પાવન હોય

સડકની સહેલમા સાદગી હોય

મુજને ભોમકા  વહાલી હોય

વહાલાના વહાલ વરસતા હોય

પક્ષીઓનો કલરવ સુહાનો હોય

મુજને ભોમકા  વહાલી  હોય

દેશનો રૂબાબ  ઔર  હોય

તેની આત્મિયતા રંગીન હોય

મુજને  ભોમકા વહાલી હોય

દિલમાં હેમખેમ છે

November 18th, 2010

     બાળપણ સાથે ગુજારી જુવાનીમાં ડગ માડયા

     હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

    જુવાની હાથતાળી દઈ ગઈ છાપરું ધોળું થયું

    હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

   સગો નહતો પણ વહાલનો દરિયો લહેરાતો હતો

   હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

 કહેવાય છે બધા સંબધની નીંવ સ્વાર્થ ઉપર છે

 નિઃસ્વાર્થના સિમેન્ટ પૂરી  ચણ્યા હતા આશાના મહેલ

હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

કુટુંબની લીલી વાડી હરી ભરી થઈ આંગણું મહેક્યું

 સંસારના કંસારની મિઠાશ માણવી અવગણી

હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે 

પ્રૌઢતામા મનમૂકીને સત્સંગ કરવાના ટાંકણે

સમાજના ઋણ ઉતારવાના શુહાના અવસરે

હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે 

જીંદગીભર સાથ નિભાવવાના વચને  બંધાઈ

અધવચ્ચે હાથ તરછોડી આંસુના તોરણ બંધાયા

હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે

હા, સામે સ્મશાન છે અને તારી મુઠ્ઠીભર રાખ

હે દોસ્ત તારી યાદો આ દિલમાં હેમખેમ છે

શિર્ષક વિનાનો લેખ

November 15th, 2010

શિર્ષક વિનાનો લેખ નવાઈ લાગશે. અરે માત્ર શિર્ષક નથી એવું નથી.

વાતમા કાંઇ માલ પણ નથી. કોઈ રાજા પણ નથી કોઈ રાણી પણ નથી.

નથી તેમાં તરવરતો નવજવાન યા સુંદર મેનકા જેવી તરૂણી.

           તો પછી શું નવું  તાજું ફૂલ જેવું બાળક છે કે નિર્દોષ કન્યા. જો તે પણ

નથી તો અરે, કોઈ આતંક્વાદી તો નથી ને. શું તે પણ નથી. હા, હા, હા જરૂર

લેખક યા લેખીકા હોવાના, અરે ભાઈલા તેઓ પણ નથી.

            તાજાં પરણેલા છે ? નવી નવેલી દુલ્હન અને તેનો પાગલ પ્રેમી. ચાલો

તમે રાજી તે પણ નથી.  ભલે ભાઈ ૨૫ વર્ષની વર્ષગાંઠ ઉજવતું સુંદર યુગલ

તેમના સુખી પરિવાર સાથે છે?  તેનો જવાબ પણ ના. તો તો ચોક્ક્સ નાના,

નાની છે. આજકાલ તેમનો ભાવ સોના જેટલો મોંઘો છે. શું કહો છો તેમની વાત

પણ નથી.

          હવે તો મારું મગજ બહેર મારી ગયું નક્કી દાદા અને દાદી છે. એકલા અટૂલા

ગામડે રહે છે. દિકરીને બે વર્ષ પહેલાં પરણાવી શહેરમા સાસરે વિદય કરી. માબાપનું

નામ ઉજાળે એવી છે. સાસરીમા દુધમા સાકર ભળે તેમ ભળી ગઈ. માબાપને કાળજે

ઠંડક છે. દિકરો ગોરી મઢમડી લાવ્યો આગ્રહ કરી અમેરિકા બોલાવે છે પણ દાદીનો ધરમ

વટલાઈ જાય એટલે જવાની ના પાડે છે. ઓ ભાઈલા આ પણ  નથી.

               તો તો પછી નક્કી વાત પેલા આઇ.ટી સાહેબની છે. એ વાત જૂની થઈ ગઈ.

ચાલ ત્યારે એમ.બી.એ. વાળા ભાઈ વિશે લખ્યું છે. તેમના વિશે શું લખવું. ચાલ ત્યારે

કોઈ સર્જન જરૂર હશે. પૈસા છાપવામા દુનિયાદારીનું ભાન નથી રાખતો અને બૈરી છોકરા

આડેધડ ખરચે રાખે છે. કહેજે બે પસા બચાવે અને ચાર પૈસાનું યોગ્ય સ્થળે દાન કરે.

           કોઈ ગરીબ વિદ્યાર્થિ નું ભણતર પૈસાને અભાવે રવળી ન જાય તેનો ખ્યાલ રાખે.

તેને બરાબર ખબર છે વિદ્યાની શક્તિ અપાર છે. આ વાત પણ  નથી. અરે, હું ભુલી પેલી

રાજકારણમા પ્રવેશેલી ‘માલા’ની વાત કરો છો. ઓ, તેનો જવાબ પણ ના.

              ખરેખર પેટછૂટી વાત કહું તમે પેલા ‘કાનજી ગોર’ ની વાત તો નથી કરતાને ?

કેટલાય લોકોને નવડાવી, તેમના પૈસા અને દાગીના લઈ રફુચક્કર થઈ ગયો હતો.

હવે સાધુ થઈ ગામે ગામ ફરી ‘ઉપદેશ’ આપે છે. ‘ભજન’ ગવડાવી માલ મલીદાવાળા

‘ભોજન’   આરોગે છે. વાડી વજીફાંવાળા લોકોની મહેમાનગીરી માણી હજારો ડોલર લઈ

ભારત ભેગા થાય છે. લોકોને સંસાર ત્યાગવાનો સંદેશ આપે અને પોતે દેશ જઈ મહેલ

બનાવડાવે ગાડીઓમા ફરે. આ વિશે પણ નથી.

                  હવે તો હદ થાય છે. મારું મગજ પણ વિચાર કરીને થાકવા આવ્યું. નાક્કી

ભારતમા ફેલાયેલી મોંઘવારી પર છે. કાંદા અને બટાકા જેવા સસ્તા શાક પણ ૪૦રૂ.

કીલો. ફલફળાદીને તો અડકવાના પણ પૈસા આપવાના. સુકોમેવો સુંઘવાનો કે ખાવાનો.

આવું તે કાંઈ લખાય.

        જરુર આપણા દેશના વસ્તિ વધારા વિશે વાત લખી હશે? અ ધ ધ ધ રસ્તા પર જાણે

૨૪ કલાક મેળો ભરાયો છે. સવારના ૪ વાગ્યા નથી ને લોકો બસ ચાલતા જ હોય. આખા

દિવસમા ક્યારેય કોઈ પોરો ખાતું હોય તેવું જણાતું નથી. આ જેમને ઘરે બે ગાડી અને ચાર

નોકર છે ત્યાં એક બાળક અને જ્યાં ભૂત ભુસ્કા મારે અને હનુમાન હડી કાઢે તેવા ઘરોમાં

૪ થી ૫ બાળકો. હાંલ્લાંય કુસ્તી કરતા હોય તે નફામા. બાપ રાતના મોડો આવે કે બાળકોના

દયામણા મોઢા જોવા ના પડે. મા, પતિની રાહ જોતી હોય અને નાના ધાવણા ને પસવારતી

હોય. પેલું ચૂસી ચૂસીને મરે. પણ હાય, ક્યાં ટીપુય જણાય. પેટનો ૬ ઇંચનો ખાડો દુધ બનાવે

તો ય શેનું?  આ વાત પણ નથી—–

              હવે હું થાકી પણ પ્રયત્ન નહી છોડું. કલમ તૈયાર છે વિચારશક્તિ ધીરી છે.

ઓલી નાટકિયણ રોજ નખરા કરી ટપ ટપ ચાલીમાંથી જાય છે તેના વિશે છે. એના

સેંડલના અવાજે ફટાફટ બારીઓ ખૂલે યા તિરાડમાંથી લોલુપ આંખો દર્શન કરી પાવન

થાય. 

           હવે તો હદ થઈ, પેલા ‘ટેલન્ટ’ શોવાળૉ નાનો મુન્નેરાજા છે કે સારેગમવાળી શિખા.

હા, પેલી નવી સિરિયલ ‘સો દા’ડા વહુના તો એક દા’ડો સાસુનો’ એકતા કપૂરની નવી

ખૂબ ચર્ચાને ચગડોળે ચડેલી———-

        બસ હવે હદ થઈ, છેલ્લો પ્રયાસ જરૂર પેલા ખૂણામા રહેતી , રાત દિવસ ખાંસતી

મરવાને વાંકે જીવતી ડોશી વિશે લખ્યું છે. ઘરના સહુને વળાવી ચૂકેલી ૯૨ વર્ષની

ડોશી પર ભગવાન ક્યારે કૃપા કરશે. જમડો પણ જેનું ઘર ભૂલી ગયો છે. તેને કાંધ

દેવા કોણ આવશે ? તેનું ખાંપણ કોણ લાવશે———

તે ગમ્યું તે સહ્યું

November 6th, 2010

આવ્યા તે ગમ્યું ન આવ્યા તે સહ્યું

આહટ સુણી દિલડું  મારું  ઝુમ્યું

આહટ તમારી કાનોને છે પ્યારી

સુમિરન તમારું તમારાથી પ્યારું

આવ્યા— ન આવ્યા

આવ્યા તમે ને બહાર સંગે લાવ્યા

ન આવ્યા  નયણે આંસુ વહાવ્યા

આવ્યા—–ન આવ્યા

દિલની વિણાના તાર છેડે સરગમ

સૂરમાથી  નિસરે સંગીત હરદમ

તાલ પૂરાવે તેમાં ઉરની ધડકન

આવ્યા —–   ન આવ્યા

પ્રિતમ તારી યાદ આજે આવી

નૂતન વર્ષમાં સાંજી ભરી લાવી

કુટુંબ કબીલામા રોશની છવાઈ

આવ્યા—– ન આવ્યા

તુજમાં શ્રધ્ધા છે

November 5th, 2010

નિરાકાર આકાર નથી તુજમાં શ્રધ્ધા છે

રામ કૃષ્ણ સાકાર રૂપે તુજમા શ્રધ્ધા છે

સૂર્ય ચંદ્ર તારામંહી તારું અસ્તિત્વ છે

પવન વિજળીમા વ્યાપી ચોગરદમ તું છે

સાગર સરિતા મિલને કલરવ રૂપે છે

વૃક્ષ રૂપે હાથ હલાવી આમંત્રે તું છે

ગ્રંથોએ ગરબડ કરી અસ્તિત્વ ડોલાવ્યું છે

સરળતાના સાન્નિધ્યે તારું આસન છે

નરી આંખે નિરખવો કઠીન કાર્ય તે છે

આંખડી મુંદી અંતરમા બિરાજ્માન તું છે

જન્મ મૃત્યુની ઘટમાળનો સંચાલક તું છે

તારું અટલ સામ્રાજ્ય તુજમા શ્રધ્ધા છે

ધરા

October 13th, 2010

ધરા બની દુલ્હન આજ સોળ સજ્યા શણગાર

આભનો ઘુંઘટ ઓઢ્યો શરમાએ નવલી નાર.

 

પિયરિયાથી અળગી થઈ કર્યો  સાસરવાસ

પાછું વળી ના નિરખે માણે પ્રિતમનો સંગાથ

 

હરિયાળા વસ્ત્રોમાં લપેટાઈ પર્વત પાડે ભાત

ખળખળ વહેતું હ્રદયે ઝરણું મોજાની મસ્તી સાથ

 

અંગ અંગ શોભી રહી તેની શોભા અપરંપાર

ક્ષિતિજ કેરા નેણ કટાક્ષે નિરખે પાલવની આડ

 

તોફાન  ધરતીકંપે અડગ છો ને દિનરાત ઉભરાય

સહનશીલતાની મૂરત કદી વિચલિત નવ થાય

 

   

શુભ નવરાત્રી

October 8th, 2010

            નવલી રાતમાં  , નવલી રાતમાં 

  નવરાત્રીની નવલી રાતમાં  સોળ સજ્યા શણગાર

                             મહારાણીમા ગરબે ઘુમવા આવ

  ગરબે ઘુમતી સુહાની નારીની શોભા અપરંપાર

                              મહારણીમા ગરબે ઘુમવા આવ

 સોહાગણનું ઝાંઝાર ઝમકે ધરણી ધમધમ થાય

                                મહારાણીમા ગરબે ઘુમવા આવ

  કોડભરી કન્યાના પૂરજે અંતરના ઉલ્લાસ

                               મહારાણીમા ગરબે ઘુમવા આવ

 સહેલીઓના સંગે ઘુમતી સહેલાણીઓ હરખાય

                              મહારાણીમા ગરબે ઘુમવા આવ.

યમુના તારા માધવને લઈ વિશ્રામ ઘાટે આવ

                             મહારાણીમા ગરબે ઘુમવા આવ.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.