કેવું સુંદર જોડું. કેટલો પ્રેમ ભાવ બંને વચ્ચે. એક વગર બીજુ ખોડું લાગે.
અ બંનેનો સહયોગ હોય અને તેમા જો ઉમેરાય ગરમાગરમ મસાલા વાળી
ચા. બસ પછી તો પુછવું જ શું?
આ ત્રિવેણી સંગમ જ્યારે જઈ પડે કોઈ ‘ચા’ના રસિયાના હાથમા તો ‘ચુસકી’
સાંભળવાની આવે મઝા.
આજે કપ રકાબીના દર્શન દુર્લભ છે. તેની જગ્યા લીધી છે ‘વિધુર’ યા ‘વાંઢા’ મગે.
અને અમેરિકામા તો વળી ‘પેપર કપે’. શોધ્ધ ગુજરાતીમા કહું તો કાગળના પ્યાલાએ.
આ બિચારા કપ અને રકાબીનો વાંક શું હતો? જાણે અસ્તિત્વ તેમનું ભુંસાઈ જવા આવ્યું.
પ્ણ ના એમ નથી જ્યાં હજુ’ જુનું તે સોનું’ એ ચલણમા છે ત્યાં કપ અને રકાબી હજુ વપરાય
છે. ગુજરાતમા જાવ કપ અને રકાબીના મિલનની ઘંટડી હજુ કાને સંભળાય છે. તેમાંય વળી
અમદાવાદમા જો કોઈ ધંધાના સ્થળે મુલાકાતી આવે તો દુકાનદાર કહેશે ‘એક કપ ચા, બે રકાબી’
તેમાં વળી જો આવનાર મુલાકાતી અણગમતો હોય તો બે રકાબી વાળી આંગળીઓ એવી રીતે
હલાવે કે એ ચાના દર્શન જ દુર્લભ હોય. તો પછી ન ચા દેખાય કે બે રકાબી તેમેની સાથે આવે.
જાણે એક આદમી તેબની બે પત્નીને લઈને ન આવવાનો હોય. જો કે તે કાયદેસર નથી પણ—
કપ અને રકાબી ભલે રોજિંદા વપરાશમાંથી વિદાય થયા હોય પણ ‘ફાઈવ સ્ટાર’ હોટલમાં
તેમનું બહુમાન થાય છે. વેઈટર હાથમાં ટ્રે લઈને આવે, સાથે કપ રકાબી અને ચાની કિટલી
પણ સોહાવે. પછી ભલેને એક કપ ચાનો ‘ઓર્ડર’ કર્યો હોય બે કપ કરતાં વધારે ચા નિકળે.
એક વખત મીના તેના વેવાઈને ત્યાં ગઈ હતી. જમાઈની મા એ સરસ મઝાના ચાઈનાના
કપ રકાબીમા તેને ચા આપી. હવે મીના બેનને જોઈએ મગ ભરીને ચા. જેમાં લગભગ દોઢથી
બે કપ ચા સમાય. એક તો ચામા ખાંડ ઓછી અને તે પણ કપ ભરીને. કપ છલકાય નહી તેથી
થોડો ઉંડો ભર્યો હોય. મીના બેનની હાલત વિચારી જુઓ. ત્યાર પછી મીના બેને નક્કી કર્યું જ્યારે
વેવાઈને ત્યાંકે કોઈને પણ ત્યાં જઈએ ત્યારે ઘરેથી ચા પીને જ જવું.
મોંઘવારી સહુને નડે છે. તેમાંય વળી મુંબઈ જેવા પચરંગી શહેરમા. ચા પીવાનો આગ્રહ કરશે
પણ પછી કહેશે અડધો કપ પીશો ને? કપ તો બિચારો આવો પ્રશ્ન સાંભળીને જ ઠરી જાય. જેને આ
સવાલ પૂછવામાં આવ્યો હોય તે તો જડબે સલાક જવાબ આપે ‘ભાઈ પિવડાવવી હોય તો આખો
કપ, નહી તો નથી પીવી! જો લહાવો મળે તો જરૂર જો જો કપ કેટલા બધા નાના થતા જાય છે.
જાણે ડાયેટીંગ ન કરતા હોય ?
કાચના સામનનું ( શો કેસ) ગોઠવતાં મને કોઈના ડુસકાં સંભળાયા. જોયું તો મગની હાર પાછળ
ઢગલો વાળી મુકેલા કપ રડતા હતા. રકાબીઓ બિચારી તેમને છાના રહેવા સમજાવી રહી હતી. એક
રકાબીને મારો હાથ અડકી ગયો મારા બદનમા કંપન ફેલાઈ ગયું. ધીરે રહીને કપ અને રકાબીને નિરખી
રહી. જાણે તે અબોલની ભાષા હું સમજી ગઈ હોંઉ તેમ બધાને ત્યાંથી બહાર કાઢ્યા. વર્ષો થયા વાપર્યા
ન હતા તેથી સાબુથી ધોયા અને ‘મગની જે એક હાર હતી તેને બદલે આગળ પાછળ ગોઠવી કપ અને
રકાબી સરસ રીતે ગોઠવ્યા.
મારા પોતાને માટે ચાંદીની કિટલીમા ચા કાઢી. ટ્રે માં લઈ વરંડામા જઈને બેઠી. બહારનું નૈસર્ગીક
સૌંદર્યનું અવલોકન કરતાં ચા પીવા લાગી. જો કે રકાબીમા ચા રેડીને પીવાની આદત છૂટી ગઈ છે. ત્યાં
અચાનક બાજુવાળા ગોમતી માસી આવી ચડ્યા. ચા નો વિવેક કર્યો. તેમણે હા પાડી. રકાબીમા ચા રેડીને
પીતા હતા તે મધુરો અવાજ મારા કાનને પણ સારો લાગ્યો અને કપ તથા રકાબી બંને ઝુમી ઉઠ્યા.—–