એક ડગ ધરા પર—–૯
કંકુ તો ઘરે ગઈ પણ શાનની નિંદર સાથે લેતી ગઈ. ઘણા પ્રયત્ન
કર્યા શાને અને વિચારમા ગરકાવ થઈ ગઈ કે આવું પણ બની શકે. શહેરમા
રહેલી, જન્મેલી, મોટી થયેલી શાનની કલ્પના બહારની વાત હતી. વિચારમા
ને વિચારમા ક્યારે ઉંઘ આવી ગઈ તેની ખબર પણ પડી નહી. રાતના નિંદર
મોડી આવી તેથી સ્વાભાવિક છે સવાર પણ મોડી પડી. નાની સવારની ચા
પી રહ્યા હતા ‘આજે મારી દિકરી ખૂબ શાંતિથી સૂતી છે.’ તેમને ક્યાં ખબર
હતી કે શાનના દિમાગમાં શું ગડમથલ ચાલે છે.
સવારે ઉઠી મોં સાફ કરીને આવી શાન નાનીના ખોળામા લાડ કરવા આવી.
નાનીને અચરઝ તો થયું પણ કાંઈ બોલ્યા વગર તેના માથામા વહાલથી હાથ
પસવારવા લાગ્યા. ધીરે રહીને ગરમ કેસર બદામવાળા દૂધનો ગ્લાસ પકડાવ્યો.
દૂધ પીતા શાન કહે હેં નાની પંદર વર્ષની ઉંમરે લગ્ન થાય ખરા? હવે નાની
ચમક્યા. શું વાત કરે છે બેટા!
હા, કાલે કંકુ કહેતી હતી. હવે તેણે ભણવાનું છોડવું પડશે અને તેના માતા પિતા તેને
પરણાવી દેશે. નાની શાનને સમજાવવા લાગ્યા. બેટા સુથાર જાતિમા દિકરીઓને ભણાવે
ઓછું. તેઓ દિકરીઓને ‘સાપનો ભારો ગણે.’ બોલતાતો બોલાઈ ગયું પણ પછી શાનને
સમજાવતા નેવના પાણી મોભે ચડ્યા. નાનીને પસ્તાવો થયો પણ તીર કમાનમાંથી
છૂટી ગયું. પરિણામ જગજાહેર છે. ખૂબ પ્રેમથી નાની શાનને સમજાવી રહ્યા હતા.
શાન વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. જીવનમા પહેલીવાર તેના ડગ થરક્યા.
તે ખૂબ નાની પણ ન હતી તેમ જ મોટી પણ નહી. કિંતુ તેના માનસ પર ઉંડી છાપ
પડી. હવે કંકુ ને શું કહી સમજાવવી. નાની કહે બેટા આ તેના ઘરની વાત છે. આપણાથી
કાંઈ ન કહેવાય. કિંતુ શાન તે માનવાને તૈયાર ન હતી.
કંકુ આવી તેને શાન ઉપર ભરોસો હતો . શાન દીદી શહેરની છે, સુંદર છે. કુશળ છે.
શાન કહે ચાલ ને આપણે તારા માતા પિતા પાસે જઈએ. બંને કંકુને ઘરે આવ્યા. શાનની
પ્રતિભા અસરકારક નિવડી. ધીરે ધીરે કંકુની મા જમનાને વિશ્વાસમા લીધી. શહેરની વાતો
કરી. વિનમ્રતા અને સાલસતા જમનાને જચી ગયા. શાન પછી શાળાની પોતાની ડોક્ટર
બનવાની મહેચ્છા વિગેરે વિગેરે જનાવી રહી હતી. એકદમ જમના પણ બોલી ઉઠી, અરે
મારી કંકુને પણ ડોક્ટર થવું છે. બસ શાન સાવધ થઈ ગઈ. હા, માસી કંકુ ભલે નાના
ગામમા રહે છે. પણ ખૂબ હોંશિયાર છે. હવે તો ગામમા પણ કોલેજ શરૂ થઈ ગઈ છે.
વડોદરા તો ૩૦ કિલોમિટર દૂર છે. એસ.ટી. બસની સગવડ છે. હું પણ કદાચ વડોદરા
ભણવાની છું. વાતોનો દોર બંધાતો ગયોને કંકુની મા સ્વપનામાં ડૂબતી ગઈ. તીર
નિશાના પર બરાબર લાગ્યું હતું. જમનાને વિશ્વાસમા લીધી. પચાસ ટકા કામ થઈ ગયું.
શાનને ખબર હતી પોતાને ત્યાં મમ્મી પપ્પાને કેવી રીતે પટાવી શકતી હતી.
રાતના કંકુના પિતા જગાભાઈ વખારેથી ઘરે આવ્યા. જમનાએ તેમની ભાવતી
વાનગી પીરસી. કામકાજ પરવારીને આવીને વત છેડી. આજેતો બાજુવાળા શારદાબહેનની
ભાણી આવી હતી. આપણી કંકુને તેની જોડે બેનપણા થઈ ગયા છે. ભણવામા આપણી કંકુ
શહેરની છોકરીની બરાબરી કરે તેવી છે. અરે, સાંભળો છો? કંકુને ભણવું છે. શામાટે પરણાવવાની
ઉતાવળ કરવી. ટી.વી. માં જુઓ છો ને છોકરી હવે છોકરાઓની હારોહાર બધા કામ કરે છે. ભગવાને
આપણને એક છોડી આપી છે. ભલેને તેનું ગમતું કરે. પૈસે ટકે તો આપણે સુખી છીએ. ન્યાતમા
છોડીઉ જલ્દી પરણે તેથી આપણે પણ તેમ કરવું શું જરૂરી છે. તમને પણ હતુંને કે હું બેચોપડી
વધારે ભણી હોતતો તમને હિસાબ કિતાબમા સહાય કરત. પણ લગન પછી બાર મહિનામા
કાનો આવ્યો ને બીજે વરહે કંકુડી. તમારી મનની મનમા રહી ગઈ. એ તો ભગવાને હારો
દી દેખાડ્યો અને આપણે બે પાંદડે થયા.
જગાને જમના પર ખૂબ વહાલ. કેમ ન હોય. કાના ને કંકુ જેવા બે સુંદર બાળકો દીધા હતા.
જગાના માબાપને ખૂબ આબરૂભેર સાચવતી. તેને પણ થયું કંકુ દીકરી છે તેથી કાંઇ ગુન્હો
કર્યો. ભલેને જીવન પોતાની મરજી મુજબ બનાવતી. જગો નવા જમાનાની હવાથી વાકેફ
હતો. તે સમજતો હતો કે સ્ત્રી હવે માત્ર રસોડાની રાણી નથી રહી. તેને પણ અરમાન હોય
છે. હિંદી ચલચિત્ર જોતો હતો. જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. પોતાની આવી સુંદર
દિકરી ભલેને ભણતી. કહ્યાગરી, ઘરકામમા પાવરધી પણ છે. તેનું હૈયું ઠારીશ તો તના
આશિર્વાદ પામીશ. જમનાની કેળવણી અને સંસ્કાર પર તે મુસ્તાક હતો. જમનાને સાતે
કોઠે ટાઢક થઈ. સવારે કંકુ ઉઠે ત્યારે સારા સમાચાર આપવા તલપાપડ થઈ રહી અને
વિચારમા આંખો મીંચાઈ ગઈ.
કંકુને તો કાંઈ જ ખબર ન હતી. ભણવા મળશે કે પરણવું પડશે તેની દ્વિધામા
આકાશના તારા ગણતી રહી.—————– શાન ને ઢાઢસ બંધાઈ હતી. તેને વિશ્વાસ
હતો કે કંકુની મા જમનામાસી જરૂર કાંઈક કરશે—–