માનો ન માનો આ ખેલ દરેકને ખેલવો પડે છે. મને યા કમને.
ખેલ ખેલમાં ખેલો, સહજતાથી ખેલો, હસતા રમતા ખેલો કે પછી
ગંભીરતાથી ખેલો. કવિ, લેખકો, સંતો અને આચાર્યોએ જીવનને
ઘણી ઉપમાઓ આપીને ગુંચવાડા ભર્યું બનાવી દીધું. કિંતુ ખેલદિલીથી
ખેલેલું જીવનખરેખર મધુરું હોય છે. કૃષ્ણના વદન કમળ જેવું. આ ખેલ
એવો અદભુત છે કે તેમાં હારજીતને સ્થાન જ નથી. માત્ર ખેલો એ જ
ખૂબી ભરેલું છે. હંમેશા ખેલની સંગે આપણે હાર યા જીત સાંકળ્યા છે.
સહુને વિદિત છે કે હાર મળવાની જ કારણ જીત તો એક જ જણાની થઈ
શકે. ગૌરવ પૂર્વક હારવું એ પણ એક કળા છે.
જીવન એટલેઃ જીઃ જીવવું, વઃ વધવું, નઃ નમવું. આ ત્રણેયનો ત્રિવેણી
સંગમ એટલે જ જીવન. આ સુભગ મિલન માતા પૃથ્વી સિવાય ક્યાંય
સંભવ નથી. જીવનનાં ખેલમાં ‘જીવવું’ સ્વાભાવિક અને સરળ છે. જે
આપણને જન્મતાની સાથે પ્રાપ્ત થાય છે.’વધવું’,માત્ર ઉંમરમાં,ઉંચાઈમાં
કે વજનમાં જ નહીં. એતો કુદરતનો અફર નિયમ છે. કાંઈ પણ પ્રયત્ન ન
કરીએ તો પણ વધવાના છીએ. વધવા નો અર્થ અહીં વિકાસ છે. ‘નમવું’
જ્યાં ત્યાં નહીં. નમ્રતા નો અહીં ઉલ્લેખ છે. યાદ હશે જ્યારે આંબાના ઝાડ
ઉપર કેરી લચકતી હોય છે ત્યારે તે ઝુકેલો હોય છે. તે નમ્રતા. માણસ જ્યારે
જીવનમાં સંસ્કાર,વિદ્યા,જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે ખૂબ વિનમ્ર હોય છે. અધૂરા
ઘડા છલકાય પૂરા નહી. તાડના ઝાડ ખૂબ ઉંચા હોય છે. નથી પંખી તેના પર
માળા બાંધતા કે નથી પથિક તેના તળે પોરો ખાતા!
જીવન ખેલનો આરંભ જન્મ સાથે છે અને અંત મૃત્યુ ટાણે. એ ખેલને
દરેક વ્યક્તિ પોતાના ગજા પ્રમાણે ખેલે છે. એ ખેલની સંપૂર્ણ જવાબદારી દરેકની
પોતાની છે. કોઈના પણ માથે દોષનો ટોપલો ઊંધો વાળવો એ અપ્રમાણિકતા છે.
ભૂલતો બ્રહ્માથી પણ થાય. જ્યાં હાર કે જીત નો સવાલ જ નથી ઉઠતો તો પછી
પોતાની કાબેલિયત પર નિર્ભર થઈને ખેલવામાં જ મઝા છે.
જીવન ખેલ માં જોખમ પણ હોઈ શકે. હિંમતે મર્દા તો મદદે ખુદા. ખેલમાં
સ્પર્ધા પણ સામિલ હોય યા ચાતુર્યની આવશ્યક્તા. ખેલ દરેક ખેલાડીની ક્ષમતા પર
આધારિત છે. હરએકની ખેલ ખેલવાની શૈલી અલગ અલગ જરૂર હોઈ શકે. ખરી
મઝા તો ત્યાંછે દરેક વ્યક્તિ પોતાની રીતે જ ખેલ ખેલાય તેમ માને. આ જ તેની
કરૂણતાના સાક્ષી છે.આમાં કોઈ બંધારણ નથી.”હું” જ માત્ર સાચો એ માન્યતા જૂઠી.
એ વિચાર જ પાયા વગરનો છે. આ ખેલમાં ‘વહેલો તે પહેલો’ એવી કોઈ જરૂરતને
સ્થાન નથી. આ ખેલ ખેલવામાં ઉંમરનો બાધ નડતો નથી. કોઈની ગુંજાઈશ નથી
કે તેમાં આડખીલી બની શકે. નાના મોટાનો તફાવત નથી. હા,માત્ર તેમા ખેલની
સપાટી અલગ હોઈ શકે.
ઘણી વખત ગુણવત્તા અને સપાટી ઉંમર પર આધારિત નથી પણ હોતા. જેવું કે
નવ વર્ષની ચિત્રલેખા પચાસ હજારની માનવ મેદની વચ્ચે ભાગવત કથાનું પારાયણ
કરી, બધાને મંત્રમુગ્ધ કરી શકે. ભાગવતની કથામાં ગીતાજીના શ્લોકો ટાંકીને સહુને
વિવેચન દ્વારા સમજાવી શકે. જીવનના ખેલની કઈ સોગઠી તેની પાસે હશે?
જીવન ખેલ બસ ખેલો! પરિણામની પરવા ન કરવી. આળસને તો નજીક
ઢુંકવા પણ ન દેવી. ખેલ ખેલવાની તમન્ના, ઈંતજારી, કાબેલિયત કશાની દરકાર
તથા અવગણના કર્યા વગર બસ મન મૂકીને ખેલો. નર્મદને યાદ કરતાં
યા હોમ કરીને કૂદી પડો ફત્તેહ છે આગે.
જીવન ખેલ ખેલો
ન હું કે તું પહેલો
કોઈ આવે મોડો વહેલો
ભેરવી બગલે થેલો
બનીશ ના ગાંડો ઘેલો
છાતીએ ઘાવ ઝેલો
ગગનેથી નિરખે પેલો મસ્ત બનીને ડોલો