Archive for March, 2007

વેદા

March 25th, 2007

babies-10.jpg  વેદા રે વેદા તને કોણ રે  બોલાવે
       આભલે છૂપાઈ તને ઈશારે સતાવે
       સૂરજના રથે ચડી  ગગને  ઘુમાવે
    વાદળમા સહેલ કરાવી ખિલખિલ હસાવે
       ફુલોના રંગ ચોરી  ગાલને  સજાવે
       તારા  મઢીને તારી  વેણી  ગુંથાવે
      તારી મોહકતા મારા દિલને લોભાવે
     ગાલથી ગાલ મિલાવી વહાલ વરસાવે
      શ્વાસે  શ્વાસે  સ્નેહના  તાર  સંધાવે
     દિલડાની ભાષા નિર્મળ આંખે સમજાવે
 
    વર્ષો પછી પ્રભુ કૃપાએ ઘરમા લક્ષ્મીજી પધાર્યા છે.
    સુંદર વેદાને જોઈ મુખમાંથી સરી પડેલું——
     

મોટાઈ

March 24th, 2007

images33.jpg

 ખોબો માગ્યો ને પ્રભુ દરિયો દીધો તે
   ચપટી  માગીને  પ્રભુ  અંજલી  ભરી
   આવી તી  મળવા  તને  અંતર્યામી
    દર્શન  કરી  ને  હું  ધન્ય  બની
   તારી  કૃપાનો  અવધિ  છે ઉમટ્યો
   આંસુ  છલકાણાં  ને  તૃપ્ત  થઈ
   આવી તી મળવા તને અંતર્યામી
    દર્શન  કરી  ને  હું ધન્ય બની
   કણ કણમાં તારા વાસની  ઉર્મિ
   ઐશ્વર્ય  ઔદાર્યે   સોહી  ઉઠી
   આવીતી મળવા તને અંતર્યામી
    દર્શન  કરી ને હું  ધન્ય બની
   તારા મિલનની  મધુરી  પળમાં
   જીવતરની એષણા વિલાઈ ગઈ
   આવીતી મળવા તને અંતર્યામી
   દર્શન કરી ને’પમી’ધન્ય બની 
  

કહે છે એ કરેછે

March 24th, 2007

images45.jpg

 નાની ઉંમરમાં માતા ગુમાવવાનું દુઃખ જેને
   પડ્યું હોય તે જ જાણે. તેથીજ તો  એક
   પ્રચલીત કહેવત ગુજરાતીમાં છે કે ‘બાપ
   મરજો પણ મા ના મરશો.’ બીજી  એવી જ
   કહેવત છે ‘મા તે મા બીજા વગડાના વા’.
     એક  નાના બાળક્ની મા તેને રડતો
   મૂકીને પ્રભુના ધામમા જઈ પહોંચી. તેને
   એક મોટી બહેન હતી. જે તેને ખૂબ વહાલ
   કરતી.
     હજુ તો આંખના આંસુ સૂકાયા પણ ન
   હતા ને બાપાએ બીજા લગ્ન કર્યા. આમ
   તો ખાધેપીધે સુખી કુટુંબ હતું. નવીમાને
   લીલાલહેર હતા. પણ ઓરમાન બે બાળકો
   ખટકતા. બાપા તેમને વહાલ આપે પણ તે
   કાંઈ ૨૪ કલાકતો ઘરમાં ન હોય.
    શાળાના શિક્ષક  તે બાળકની વધુ સંભાળ
   રાખતા. તે બાળક પણ પરાણે વહાલો લાગે
   તેવો હતો.
    એક દિવસ શાળામાં આવવાનું મોડું થયું.
  શિક્ષક ચલુ વર્ગે કશું જ બોલ્યા નહીં. વર્ગ
   પૂરો થયો એટલે પેલા બાળકના ખબર અંતર
   પૂછ્યા. અંતે કહે બેટા તારી નવીમા તને ગમે
   છે ને? બાળક નીચું જોઈ બોલ્યો હા મને ગમે
   છે. પણ –પછી ચૂપ થઈ ગયો. માસ્તર  
   વિચારમાં પડી ગયા પ્રેમથી પૂછ્યું પણ શું?
    બાળક કહે ‘નવી મા જે કહે તે કરે છે.’
  માસ્તરને સમજ ન પડી તેઓ કહે એટલે શું.
  બાળક કહે મને જ્યારે કહે ‘હું તને મારીશ
  ત્યારે મને મારે છે’. મારી જૂની બા કાયમ
   કહેતી પણ મારવાને બદલે વહાલ કરતી.
      

ધંધો

March 22nd, 2007

images51.jpg

   સુધારવાનો ધીકતો ધંધો છોડ
    સુધરવા ની  ધુણી   ધખાવ

    પાણીમાં થી પોરા  ન  કાઢ
    ખુદની ત્રુટીઓ શોધવા માંડ

    પારકાંના દોષ જોવાનું છોડ
    શુધ્ધ ઈરાદામાં ન કર બાંધછોડ

    પર નહીં  પણ  સ્વને  શોધ
    કિંમતી સમયનો વહે   ધોધ

    ક્ષણે ક્ષણે બદલાતું આ જિવન
    રહસ્ય છતું થતાં બને તેજોમય

   

એક સેકંડ

March 22nd, 2007

images58.jpg 

    આ દેશમાં આપણને સહુને આ અનુભવ છે.

    બિનાકાઃ નોકરી પરથી બીજી કંપનીમાં ફોન
                કરે છે.
          ફોનની ઘંટડી વાગી. સામે છેડેથી
               એક સેકંડ.
          બિનાકાએ પાંચ મિનિટ સુધી રાહ
               જોઈ છેવટે હારી થાકીને ફોન મૂકી
               દીધો.
    બિનાકાઃ   બીજે દિવસે ફરીથી એજ કંપનીમાં
                  બિનાકા અવાજ ઓળખી ગઈ.જેવો
              સામે છેડેથી અવાજ આવ્યો કે, એક
                  સેકંડ, બિનાકા તરતજ બોલી ઉઠી
                 ‘ જરા મને કહેશો કે તમારી એક
                  સેકંડ કેટલી મિનિટની હોય છે.’
                  
 
                

આવાકાડો ડીપ

March 21st, 2007

images46.jpg

     આ ડીપ મકાઈની ચિપ્સ યા તો શાકભાજીની સાથે
      ખૂબ સરસ લાગે છે. સ્વાદ, રંગ અને ગુણ ત્રણેનો
      ત્રિવેણી સંગમ માણવા મળશે.
 
    ડીપ  બનાવવા માટેની વસ્તુ.
   
    ૨       નંગ પાકા (નરમ) આવાકાડો
      ૨       લીલા  મરચા
      ૧       કટકો આદુ
      ૧        લીંબુ
      ૧        નાનો  કાંદો, મીઠું

      રીતઃ-    આવાકાડો છોલીને તેને ચમચાથી દબાવી
                 છૂંદવું યા છીણીથી ખમણી લેવું. તેમાં મીઠું
                 પ્રમાણસર નાખવું. આદુ મરચાને વાટી તેમાં
                 ઉમેરવા. કાંદો એકદમ ઝીણો કાપી તેમાં
                 નાખવો. બધું બરાબર હલાવી તેમાં ખાડો
                 કરી આવાકાડોનું બી વચ્ચે મૂકી એકસરખું
                 કચોળામાં કરી ફ્રીઝ માં રાખવું.
                  ઠંડુ સરસ લાગે.
                જો કેલરીનો વાંધો ન હોય તો  એક ચમચો
                 સાવર ક્રીમ નાખવું.

વિચાર

March 21st, 2007

images44.jpg

જ્યારે સરજનહારને દંડવત કરીએ છીએ
ત્યારે ગબડી પડવાનો ભય હોતો નથી.   

નમ્રતા જો તન અને મનમાં વ્યાપ્ત હોય તો
 જીવનમાં બળ સદા લહેરાય.   

આજનો સંજોગો તો  ભવિષ્યમાં આવનાર
 સુંદર  સમયની છડી પોકારે છે.

વિચાર અને વર્તનની શુધ્ધતા ભર્યું જીવન નિંદર
ટાણે ઓશિકું પોચું છે કે કઠણ તે ગણકારતું નથી.    

આ જીવન બનાવવા પાછળ કુદરતનો હેતુ શું છે?
તેના કરતા આપણો ધર્મ શું છે તે નિશ્ચીંત કરવું આવશ્યક છે.
    
 નાસીપાસ થશો નહી. હિંમત હારશો નહીં.
 સવારનો ભૂલ્યો સાંજે જરૂર ઘરે આવશે.   

જિંદગીની સાથે મળેલાં જન્મજાત સંસ્કાર
વખત આવે આળસ ખંખેરી તાજા થશે.
   
ઢોળ પછી તે સોનાનો હોય કે ચાંદીનો
સમય આવે ઉતરી જવાનૉ.
જે અસલ છે તે પોતાનું પોત પ્રકાશસે.

ધ્યેય ને પામીશું કે નહી તે અગત્યનું નથી
તેને પામવાની ધગશ કેટલી છે
તેની કિંમત ઓછી આંકશો નહી.
  
વસંત કાયમ ટકતી નથી.
પાનખર જરૂર આવશે.
જુવાની તો જવાની
કેમે કરી નહીં ટકવાની.
    

‘સ્મુધિ ‘

March 20th, 2007

images2.jpg

 વસંત પૂર બહારમા વરતાઈ રહી છે.  ઉનાળો બસ આવી જ પહોંચ્યો. ઠંડા પીણાની મઝા માણવી કોને ન ગમે?
   ચાલો બનાવીએ સ્ટ્રોબેરી અને કેળાં ની ‘ સ્મુધિ’ 5 વ્યક્તિ માટે.
   સ્મુધિ માટે ની ચીજો 
૫     :   કેળાં
૧૫  :     સ્ટ્રોબેરી
૧૦   :   ચમચા  વેનિલા આઈસક્રીમ
  ૪     :   પ્યાલા દૂધ
ખાંડ  :    સ્વાદ પ્રમાણે ખાંડને  બદલે નકલી ખાંડ ( સ્વીટનર) પણ ચાલે    કારણ આપણે તબિયતનો ખ્યાલ રાખવાનાં આગ્રહી છીએ.
  વિજળીથી ચાલતુ યંત્ર.(મિક્સર)
  જો સ્વાદિષ્ટ સ્મુધિ પીવી હોય તો દરેક માટે  અલગ અલગ બનાવવી.
 
   રીતઃ      મિક્સર માં પહેલા કાપેલું કેળુ અને સ્ટ્રોબેરીના કટકા નાખવા.૧/૨ પ્યાલો દૂધ ઉમેરી હલાવવું. એકરસ થઈ જાય પછી આઈસક્રીમ  નાખી ફરી હલાવવું. ખાંડ જોઈતા પ્રમાણમાં ઉમેરવી.
             જો એકદમ સરસ સ્મુધિ પીવી હોય તો   દૂધનું પ્રમાણ ઓછુ કરી આઈસક્રીમ વધારે લેવો. તેથી કદાચ ખાંડની જરૂર ન પણ પડે.

           ચાલો ત્યારે કરો તૈયારી.
          

જાય છે

March 20th, 2007

શું મિલન કે શું જુદાઈ! જાય છે
 રાત  જાણે કે  અમસ્તી  જાય છે

  મારો  સંદેશો કદી તો  પહોંચશે
  વૃક્ષની છાયાઓ તરતી જાય છે

  હું હવાના ઘરમાં રહેવા જાંઉ છું
  ને પવન ભીંતોને ખેંચી જાય છે

  કોઈ  સપનું ચીસ પાડીને ઉઠે–
 રાતનો ભેંકાર તૂટી   જાય  છે

 ક્યાંક વાદળ વરસ્યાં હોવા  જોઈએ
 અહીં કોઈ  ઠંડક શી વળતી જાય છે

 એમ  મોઢું  ફેરવી  ગઈ   જિંદગી
 જેમ  કોઈ  કવ્ય  વાંચી જાય  છે

  શબ્દ!મારા શબ્દડાઓ ક્યાંગયા?
 કોઈ  શ્વાસોમાં  પ્રવેશી  જાય  છે

   જવાહર બક્ષી’તારાપણાના શહેરમાં’
 

નેતાજી સ્વર્ગે

March 19th, 2007

images9.jpg 

  નેતાજી ખૂબ   પ્રખ્યાત હતા. માલ મલીદો પણ ખૂબ કમાયા હતા.
 રાતના સભામાં ભાષણ આપીને થાકેલાં ઘરે પધાર્યા. મૉડું થયું
  એટલે શ્રીમતીનો પારો છટક્યો હતો. ગુસ્સામાં ધુંઆપુંઆ થતા
 સૂવા ગયા. નેતાજીનું શરીર ભારે ન હોયતો નવાઈ લાગે. અતિ
 ગુસ્સાને કારણે હ્રદયરોગે ઉથલો માર્યો અને થઈ ગયા ‘રામ બોલો
 ભાઈ રામ.’
  ઘરમાં ચહલ પહલ મચી ગઈ. નેતાજીના ધર્મ પત્ની ખૂબ રોયા.
 પણ હવે શું વળે.યમના દૂત તેમને લઈને સ્વર્ગે જવા નિકળ્યા.
 સ્વર્ગમાં તો સ્વાભાવિક છે લાંબી કતાર હોય. નેતાજી કતારમા,
 માનવામાં ન આવે એવી વાત. યમદૂત કહે નેતાજી નરકમાં જરા
 ગિર્દી નથી. નેતાજી કહે, સ્વર્ગેતો જવાનું છે ચાલોને નરકમાં ચક્કર
 લગાવી આવીએ.
  નરકનો દરવાજો તરત ખૂલી ગયો. અરે,વાહ આવા ઉદગાર નિકળી
 ગયા. સરસ મઝાના ગીતો વાગતા હતા. સુંદરીઓ ના નૃત્ય નિહાળી
 નેતાજી ખુશ થઈ ગયા. તેમના થી પહેલા હરીઓમ થઈ ગયેલાં તેમના
 મિત્રો જુગાર રમતા હતા. શરાબ દેશી કહો કે વિદેશી બધુંજ હાજર હતું.
 ધરતી પર હતી તે બધીજ રંગરેલીયાં અહીં મૌજૂદ હતી.
   યમના દૂતો કહે નેતાજી નરક કેવું લાગ્યું? નેતાજી તો શું જવાબ દે.
  આનંદ વિભોર નેતાજી કહે ભાઈ  નરકજો આટ્લું સરસ હોય તો સ્વર્ગમાં
   શું નું શું હશે. યમદૂતજી મને તો નરક ચાલશે. મારી મન પસંદની બધી
  જરૂરિયાત અંહી હાજર છે. મને સ્વર્ગ નો મોહ નથી. યમદૂતે ચેતવણી આપી
  જો જો પછી વિચાર બદલાશે તો તેનો કોઈ ઉપાય નથી. તમને એક મોકો
  આપું છું. વિચાર કરીને જવાબ આપજો. નેતાજી તો નરકની જાહોજલાલી
  જોઈને આભા થઈ ગયા હતા. ના, ના અંહી ઠીક છે.
   યમના દૂતો તો ચિઠ્ઠીના ચાકર. નેતાજીને કહે ચાલો તમને નરકના અધિકારી
  પાસે નોંધણી કરાવવા લઈ જઈએ. તેમની પાસે લઈ ગયા અને બહાર નિકળી
  દરવાજો બંધ કરી દીધો. તરતજ નરકનૉ રૂઆબ ફેરવાઈ ગયો. નેતાજીના મિત્રો
  શરાબ અને સુંદરીની મોઝ માણતા હતા તેમના હાથમાં ઝાડૂ, તેમના ફાટેલા કપડા,
 ખાવાના સાંસા, ચારે બાજુ, ગંદકી. નેતાજી કહે અરે આ શું થઈ ગયું. આખુ
  વાતાવરણ કેમ પલટો ખાઈ ગયું.
   યમદૂત તો જતા રહ્યા હતા. નેતાજીએ ખૂબ ખૂબ વિનંતી કરીને પાછા બોલાવ્યા.
  યમદૂત કહે તમારી મરજી મુજબ તમને નરકમાં રાખ્યા. નેતાજી કહે કાલે તો આવું
   ન હતું,એકાએક આ શું થઈ ગયું. યમદૂત ખડખડાટ હસીને કહે, અરે ભૂલી ગયા
   ચૂંટણી વખતે તમે પ્રજાને મત મેળવવા માટે કેવા મોટા વચનો આપ્યા હતા.
  કેવા સ્વપના બતાવ્યા હતા. ખુરશી પર આવ્યા પછી શું કર્યુ હતું?
    ગઈકાલે નરકનો પ્રચાર દિવસ હતો. આજે ખરું નરકનું જીવન છે. કહીને
  વિદાય થઈ ગયા. બિચારા નેતાજી———-     

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.