આજ સખી મારા આંગણીયામાં ખેલે નંદકુમાર જો
તોરણ બાંધ્યા દીવડાં પ્રગટાવ્યા અંતરે થયો ઉજાસ જો
નંદકુંવરને પાયે રૂમઝુમ ઝાંઝરનો રણકાર જો
મોરમુગટ માથે ને સંગે સોહે મોરપીંછ જો
કાળી કામળી હાથમાં લાકડી ગાયો ચારવા જાય જો
ગોપબાળોની સંગે નટવર નટખટ સોહાય જો
મહીડાં માખણ ચોરી લાલો બેઉ હાથે મંડાણો જો
મધુરી મીઠી વાંસલડીનાં સૂરમાં ભાન ભૂલી જો
ગોપીઓની સંગે રાસલીલામાં વ્રજની રેણુ હરખે જો
જુગલ જોડીની ઝાંખી કરતાં હૈયે હરખ ન માય જો
હું તમારી તમે છો મારાં જીવનો થયો ઉદ્ધાર જો
આવ્યા ત્યારે ભલે પધાર્યા અંતરે કીધો વાસ જો